News of Saturday, 25th May 2024
મિલ્કત વેરા વસુલાત ઝુંબેશમાં ૧ દિ'માં જ ૧૮.૭૦ કરોડની આવક
સરકારી કચેરી-હોસ્પિટલ-મોબાઇલ ટાવર કંપની સામે મનપાના વેરા શાખાની લાલ આંખ : છેલ્લા દોઢ મહિનામાં ર,પ૭,પપ૯ કરદાતાઓએ રૂ. ૧૮૧.૩૦ કરોડ મનપાની તીજોરીમાં ઠાલવ્યા : એડવાન્સ વેરો ભરનારને ૩૧ મે સુધી ૧૦ થી ૧ર ટકા વળતર

રાજકોટ, તા. રપ : મનપાની વેરા શાખા દ્વારા સરકારી કચેરી-હોસ્પિટલ-મોબાઇલ ટાવર કંપનીનો બાકી વેરો વસુલવા લાલ-આંખ કરાયા એક જ દિ'માં રેકોર્ડ બ્રેક ૧૮.૭૦ કરોડની આવક થવા પામી છે.
આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા હાલ નવા નાણાકીય વર્ષના શરૂઆતના તબક્કાથી જ વેરા વસુલાત ઝુંબેશ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલના આદેશ તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણીના નેતળત્વમાં હાથ ધરવામાં આવી છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખાના સહાયક કમિશનર સમીર ધડુકના માર્ગદર્શનમાં ઝુંબેશના રૂપમાં મિલકત વેરા વસુલાતની કામગીરી કરવામાં આવી રહી છે. જે અન્વયે વિવિધ સરકારી વિભાગો તેમજ ત્રણેય ઝોન કક્ષાએ મેનેજર-ટેક્ષ દ્વારા શહેરમાં વેરા વસુલાતની કામગીરી દરમ્યાન તા.૨૪ના સાંજે ૬ વાગ્યા સુધીમાં (એક જ દિવસમાં) રાજકોટ મહાનગરપાલિકામાં અંદાજીત રૂ. ૧૮.૭૦ કરોડ વિક્રમી વેરાની વસુલાત થયેલ છે. દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૦૮ એપ્રિલ થી તા.૨૪ મે દરમ્યાન ૨૫૭૫૫૯ કરદાતાઓએ રૂ.૧૮૧.૩૦ કરોડનો વેરો ભરપાઈ કર્યો છે.
આજની આ વેરા વસુલાત ઝુંબેશ દરમ્યાન શહેરના વિવિધ સ્થળોએ રહેલા મોબાઇલ ટાવરના ટેક્સ પેટે રૂ.૬.૬૪ કરોડની વસુલાત થયેલ છે. જયારે હાઈ વેલ્યુ ટેક્સ પેયર પાસેથી રૂ.૮.૯૦ કરોડના વેરાની રકમ વસુલ કરવામાં આવેલ છે.
હાલ અર્લી બર્ડ ડિસ્કાઉન્ટ સ્કીમ ચાલી રહી છે જે અન્વયે ૩૧-મે સુધીમાં એડવાન્સ વેરો ભરપાઈ કરનાર કરદાતાને મળવાપાત્ર મહત્તમ ૨૨% ડિસ્કાઉન્ટ મેળવવા મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

(3:38 PM IST)










