News of Saturday, 25th May 2024
જામનગર રોડ ઉપર બાઇક અને રિક્ષા રેસના વાયરલ વિડીયો અંગે તપાસ બાદ પગલા : ડીસીપી પૂજા યાદવ
સંયમીત રીતે પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓની જીંદગી જોખમાય તેવા પુરાવા મળ્યે જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહી થશે

જે વિડીયો વાયરલ થયો છે તે વિડીયોમાં રીક્ષા ચાલકો અને બાઇકરો રેસ લગાવતા નજરે પડે છે.
રાજકોટ, તા., રપઃ શહેરમાં ચારેકોર ટ્રાફીકની અંધાધુંધી સર્જાઇ રહી છે. સાંજ પડયે અનેક જગ્યાએ ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાઇ રહયા છે. આ વચ્ચે ટ્રાફીક પોલીસ પણ સુચારૂ વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પ્રયત્નશીલ હોય છે. પરંતુ શહેરના માર્ગો સાંકળા અને વાહનો વધી જવાના કારણે અને કેટલાક સર્કલો ટેકનીકલ દ્રષ્ટિએ અયોગ્ય હોવાથી ટ્રાફીક જામ માથાના દુઃખાવારૂપ બન્યું છે. આ વચ્ચે જામનગર હાઇવે ઉપર ટ્રાફીક નિયમોનો ઉલાળીયો કરી રીક્ષા અને બાઇકની મધરાત્રે ગેરકાયદે રેસ યોજાતી હોવાનો વિડીયો વાયરલ થયો છે. આ રેસના કારણે રસ્તા ઉપર પસાર થતા સંયમીત વાહન ચાલકો અને રાહદારીઓને અકારણ ભોગ બનવું પડતુ હોવાની ફરીયાદો ઉઠી છે.
આ ફરીયાદો સંદર્ભે આજે માધ્યમોએ ડીસીપી પૂજા યાદવનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, સોશ્યલ મીડીયા ઉપર છવાઇ જવા માટે અને પોતાના એકાઉન્ટના ફોલોઅવર વધારવાની ઘેલછામાં અનેક લોકો અનેક રીતે કાયદાનો ભંગ કરી રહયા છે. અમે ઉપરોકત વીડીયો સંદર્ભે તપાસ કરાવી રહયા છીએ. ઓવર સ્પીડ અને માનવ જીંદગી જોખમાય તેવી રીતે જો રેસ થતી હશે તો તેમાં સામેલ વાહન ચાલકોને ઓળખી તેમની સામે કાયદાકીય પગલા લેવામાં આવશે.
(3:19 PM IST)










