<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th May 2024

જયહિન્‍દ પ્રેસના ફોટોગ્રાફર પ્રવિણભાઇ સેદાણીના ૩૯ વર્ષિય પુત્ર સંદિપનું હૃદય રોગના હુમલાથી અવસાન

સમગ્ર અખબાર જગતને ઝાટકોઃ માધાપર ચોકડી જીહિત પાર્કમાં રહેતાં સેદાણી પરિવારમાં શોકની કાલીમા : સંદિપ સેદાણી બજાજ કેપીટલમાં બ્રાંચ મેનેજર હતાં: માસુમ દિકરા-દિકરીએ પિતાની છત્રછાંયા ગુમાવી

રાજકોટ તા. ૨૫: હૃદય રોગના હુમલાથી મૃત્‍યુની ઘટનાઓનો સિલસિલો આજે પણ યથાવત રહ્યો છે. સિવિલ હોસ્‍પિટલમાં ગત રાતે હાર્ટએટેકની ત્રણ ઘટનાઓ નોંધાઇ હતી. ત્‍યાં આજે બપોરે શહેરના સમગ્ર અખબાર જગતને આંચકો ઝાટકો આપી જનારી ઘટના બની હતી. જેમાં જયહિન્‍દ પ્રેસના ફોટોગ્રાફર પ્રવિણભાઇ સેદાણીના ૩૯ વર્ષિય પુત્ર સંદિપ સેદાણીનું હાર્ટએટેકથી અવસાન થતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. બનાવની જાણ થતાં શહેરના તમામ અખબારો, મિડીયા જગતના પત્રકારો, ફોટોગ્રાફર્સ હોસ્‍પિટલે દોડી ગયા હતાં.

જાણવા મળ્‍યા મુજબ માધાપર ચોકડી નજીક સ્‍વામિનારાયણ મંદિર પાસે જીહિત પાર્કમાં રહેતાં પ્રેસ ફોટોગ્રાફર પ્રવિણભાઇ સેદાણીના પુત્ર સંદિપભાઇ સેદાણી (ઉ.વ.૩૯) બપોરે બારેક વાગ્‍યે ઘરે હતાં ત્‍યારે એકાએક બેભાન થઇ ઢળી પડતાં તત્‍કાળ નજીકની ાનગી હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે સંદિપભાઇને નિષ્‍પ્રાણ જાહેર કરવામાં આવતાં કલ્‍પાંત સર્જાયો હતો. હોસ્‍પિટલ ચોકીના કેતનભાઇ નિકોલા અને તોૈફિકભાઇ જુણાચે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં હેડકોન્‍સ. મયુરસિંહ જાડેજાએ હોસ્‍પિટલે પહોંચી કાર્યવાહી કરી હતી.

વધુ માહિતી મુજબ હૃદયરોગના હુમલાને કારણે અવસાન પામનાર સંદિપભાઇ બે ભાઇમાં મોટા હતાં. તેમની વિદાયથી માસુમ દિકરા અને દિકરીએ પિતાની છત્રછાંયા ગુમાવતાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. સંદિપભાઇ બજાજ કેપીટલ કંપનીમાં બ્રાંચ મેનેજર તરીકે ફરજ બજાવતાં હતા. આજે સવારે સવા અગિયારેક વાગ્‍યે તેઓ ઘરે હતાં ત્‍યારે એકાએક ગભરામણ થતાં અને ઘરે તેમના પત્‍નિ પણ ન હોઇ તેણે તુરત પોતાના તબિબ મિત્ર ડો. મહેશ જોટંગીયાને ફોન કરી પોતાને સ્‍હેજ ગભરામણ જેવું થાય છે અને છાતીમાં દુઃખે છે તેવી વાત કરી હતી.

ડો. મહેશ જોટંગીયાના કહેવા મુજબ મને મિત્ર સંદિપે આવો ફોન કર્યો ત્‍યારે હું શાપર તરફ જઇ રહ્યો હતો અને ગોંડલ હાઇવે પર પહોંચ્‍યો હતો. મેં તુરત જ તેને તત્‍કાળ નજીકના દવાખાને, હોસ્‍પિટલે જઇ ચેકઅપ કરાવવા જાણ કરી હતી. પરંતુ તેણે પોતાને એકલાને ડર લાગે છે જેથી તું સાથે આવ એમ કહેતાં હું રાજકોટ તરફ આવવા નીકળી ગયો હતો. બીગ બાઝાર પાસે પહોંચ્‍યો ત્‍યાં ફરીથી મને મિત્ર સંદિપે ફોન કરી કહ્યું હતું કે હવે મને સાવ એકદમ સારુ થઇ ગયું છે. આથી મેં તેને મીઠો ઠપકો પણ દીધો હતો કે મને છેક ક્‍યાંથી પાછો બોલાવ્‍યો.

આ પછી હું પરત શાપર જવા રવાના થયો ત્‍યાં થોડી જ વારમાં ફરીથી મને સંદિપે ફોન કરી કહ્યું હતું કે તું જલ્‍દી મારા ઘરે આવ, મને ફરીથી છાતીમાં ખુબ દુઃખે છે. આ દરમિયાન તેના મિસીસ પણ આવી ગયા હોઇ તેની સાથે પણ મેં વાત કરી હતી અને હું તેના ઘરે આવવા રવાના થયો હતો. પણ ત્‍યાં પહોંચ્‍યો ત્‍યારે સંદિપને એમ્‍બ્‍યુલન્‍સ મારફત હોસ્‍પિટલે લઇ જવામાં આવતો હતો. અમે તેને ખાનગી હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી સિવિલમાં લઇ આવ્‍યા હતાં. પણ તેને તબિબે નિષ્‍પ્રાણ જાહેર કર્યા હતાં.

યુવાન અને આધારસ્‍તંભ દિકરો ગુમાવતાં ફોટોગ્રાફર પ્રવિણભાઇ સેદાણી અને પરિવારજનો આઘાતમાં ગરક થઇ ગયા હતાં. હોસ્‍પિટલ ખાતે ગમગીની ભર્યા દ્રશ્‍યો સર્જાયા હતાં. બનાવની જાણ થતાં અખબાર જગતના પત્રકારો, ફોટોગ્રાફરો સહિતના મોટી સંખ્‍યામાં દોડી ગયા હતાં અને પ્રવિણભાઇ સેદાણી તથા પરિવારજનોને સાંત્‍વના પાઠવી હતી.

સંદિપ સેદાણીએ તબિબ મિત્ર ડો. મહેશ જોટંગીયાને ફોન કરી ગભરામણની ફરિયાદ કરી, તબિબ મિત્રએ તત્‍કાલ નજીકના ક્‍લીનીકમાં જવાનું કહ્યું પણ...

તબિબ મિત્ર રૂબરૂ ગોંડલ રોડ પરથી આવી રહ્યા હતાં ત્‍યારે સંદિપે ફરી ફોન કરી પોતાને સંપુર્ણ સારુ થઇ ગયાનું કહ્યું: થોડીવાર બાદ ફરી દુઃખાવાની ફરિયાદ કરી અને ઢળી પડયા

(3:31 PM IST)