<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

ત્રણ મહિના પહેલા જ પરણેલો વેરાવળનો વિવેક દુસારા પત્‍નિને તેડવા રાજકોટ આવ્‍યો, પત્‍નિ ખુશાલી-અને સાળી ત્રિશાલી સાથે ગેમ ઝોનમાં ગયો, ત્રણેય લાપતા

રવિવારે તે પરત વેરાવળ જવાનો હતો...તેના માતાને સ્‍વજનોએ સતત ખોટુ બોલી દિલાસો આપ્‍યો કે વિવેકને માત્ર ઇજા છે, પણ ત્‍યાં તેને મળવા કોઇને જવા દેવાતાં નથી!

રાજકોટઃ આ ગોઝારા ગેમ ઝોનના આગ કાંડમાં અનેક પરિવારોના હર્યાભર્યા માળા વેરવિખેર થઇ ગયા છે. એક કરૂણ ઘટના જોઇએ તો વેરાવળના દોલત પ્રેસ વિસ્‍તારમાં રહેતો વિવેક અશોકભાઇ દુસારા (ઉ.વ.૨૮)  પણ આ દૂર્ઘટનામાં પોતાની પત્‍નિ ખુશાલી (ઉ.વ.૨૭) અને સાળી ત્રિશાલી-ત્રિશા અશોકભાઇ મોડાસીયા (ઉ.વ.૨૨) સાથે લાપતા બની ગયો છે. કરૂણતા એ છે કે વિવેક અને ખુશાલીના હજુ ત્રણ માસ પહેલા જ લગ્ન થયા હતાં. પિતાને ધોબી કામમાં મદદ કરતાં વિવેકના પત્‍નિ ખુશાલી થોડા દિવસ પહેલા જ રાજકોટ યુનિવર્સિટી રોડ પર માધવ પાર્ક-૨માં રહેતાં પિતા અશોકભાઇ મોડાસીયાને ત્‍યાં રોકાવા માટે આવી હતી. તે શનિવારે સાસરે પરત જવાની હતી. પણ કુદરતે કંઇક જુદુ જ વિચાર્યુ હોય તેમ શનિવારે પતિ વિવેકે પોતે તેડવા રાજકોટ આવે છે તેમ કહ્યું હતું અને બપોરે તે રાજકોટ સસરાના ઘરે પહોંચ્‍યો હતો. એ પછી સાંજના ચારેક આસપાસ વિવેક પોતાના પત્‍નિ ખુશાલી, સાળી ત્રિશાલીને લઇને ગેમ ઝોનમાં ગયો હતો, અહિ આગમાં આ ત્રણેયની જિંદગીનો કરૂણ અંત આવ્‍યો હતો. વિવેકે તો તેના સસરાને પણ સાથે આવવા આગ્રહ કર્યો હતો. પરંતુ તેઓ સામેલ થયા નહોતાં.

વિવેક રવિવારે ઘરે વેરાવળ પહોંચી જવાનો હોઇ તેના માતા સતત તેની રાહ જોઇ રહ્યા હતાં. શનિવારે ઘટના ઘટી અને અનેક લોકોના મૃત્‍યુ થઇ ગયાની વાતથી તો માતા વાકેફ હતાં, પણ તેમને સ્‍વજનોએ એવુ કહ્યું હતું કે વિવેક અને તેના પત્‍નિ સહીસલામત છે પણ સારવાર હેઠળ છે, પરંતુ તેમને મળવા માટે હાલ કોઇને વોર્ડમાં જવા દેવામાં આવતાં નથી. સ્‍વજનોએ આ રીતે ખોટુ બોલી વિવેકના માતાને સ્‍વસ્‍થ રાખવા પડયા હતાં. બહેન અને બનેવી સાથે દુનિયામાંથી કરૂણ વિદાય લઇ ચુકેલી ત્રિશાલી હોંશે હોંશે ગેમ ઝોનમાં જીજાજી-દીદી સાથે ગઇ હતી. પણ ક્‍યાં ખબર હતી કે જિંદગીની સફરનો ગેમ ઝોનમાં એન્‍ટ્રી લેતાં જ અંત આવી જશે!? આજે સવાર સુધી આ ત્રણેયના ડીએનેએ મેચનો કોઇ રિપોર્ટ આવ્‍યો નહોતો.

(11:41 AM IST)