તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 27th May 2024
ઝડપથી ચાર્જશીટ કરીશું, એસઆઇટી ટીમ તમામ મુદ્દાની તપાસ કરશેઃ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ
ગેમ ઝોનનું બૂકીંગ લાયસન્સ ૨૦૨૩માં અપાયું હતું, ૧-૧-૨૪થી ૩૧-૧૨-૨૪ સુધી રીન્યુઅલ અપાયું હતું: એનઓસીની કાર્યવાહી ચાલુમાં હતી, જે પુર્ણ થઇ નથી! : ફાયર સેફટીના સાધનો ઘટના સ્થળે હતાં, તેના બીલ પણ રજૂ કરાયા છે, પરંતુ એ સાધનોનો ઉપયોગ ન થઇ શકતાં દૂર્ઘટનાને કન્ટ્રોલ ન કરી શકાઇઃ પાર્ટનરશીપ ડીડમાં જેટલા નામ છે એ તમામને આરોપી તરીકે સામેલ કર્યા છે

રાજકોટઃ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવએ રવિવારે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે આગની ઘટનામાં સ્થળ પરથી ૨૭ ડેડબોડી મળ્યા હતાં. જેના ડીએનએ મેચીંગની કામગીરી ગાંધીનગર એફએસએલ ખાતે કામગીરી ચાલુ કરવામાં આવી હતી. આ બનાવમાં તાલુકામાં છ આરોપી લોકો સામે ગુનો નોંધાયો છે. જેમાં બે આરોપી પૈકી યુવરાજસિંહ હરિસિંહ સોલંકી અને મેનેજર નિતીન જૈનની ધરપકડ કરી લેવામાં આવી છે. ગેમ ઝોનનો તમામ વહિવટ યુવરાજસિંહ સોલંકી હસ્તક હતો. બાકીના ચાર આરોપીઓને શોધવા ટીમો કામે લાગી છે. ગુનાની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાઇ છે. જોઇન્ટ પોલીસ કમિશનર વિધી ચોધરીના વડપણ હેઠળ સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવી છે. જેમાં ડીસીપી ઝોન-૨ સુધીરકુમાર દેસાઇ અને ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલની આગેવાનીમાં ટીમો તપાસ કરશે.
અમે આ ગુનામાં અમારા તમામ પ્રયાસો હશે કે ઝડપથી તપાસ પુરી કરી ઝડપથી ચાર્જશીટ કરીએ. આ માટે વૈજ્ઞાનિક પુરાવા એકઠા કરવા ગાંધીનગરથી એફએસએલની ટીમ આવી ગઇ છે જે પોલીસની મદદ કરી રહી છે.
ગેમ ઝોનને મંજુરી અપાઇ છે કે કેમ? તેવા સવાલના જવાબમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવએ જણાવ્યું હતું કે-આ ગેમ ઝોનને નવેમ્બર-૨૦૨૩માં બૂકીંગ લાયસન્સ અપાયું હતું, એ પછી ૧-૧-૨૦૨૪ થી ૩૧-૧૨-૨૦૨૪ સુધી રીન્યુઅલ આપવામાં આવેલુ છે. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવએ વધુમાં જણાવ્યું હતું કે ગેમ ઝોનની પરવાનગી આરએન્ડડીમાંથી, યાંત્રિક વિભાગમાંથી મેળવવામાં આવી હતી. ફાયર સેફટીના સાધનો ત્યાં મુકવામાં આવ્યા છે તેના પુરાવા સંચાલકોએ રજુ કર્યા છે. પણ ફાયર એનઓસીની કાર્યવાહી ચાલુમાં હતી, જે પુર્ણ થઇ નથી. હાલમાં એસઆઇટીની રચના કરવામાં આવી છે, આ ટીમ તમામ મુદ્દાઓની તપાસ કરશે. જે કાગળો રજૂ કરાયા છે તેમાં ફાયર સેફટીના બીલ રજૂ કરાયા છે. ફાયર સેફટીના સાધનો પણ ઘટના સ્થળે હતાં. પણ તેનો ઉપયોગ થઇ ન શક્યો એ કારણે દૂર્ઘટનાને કન્ટ્રોલ કરી શકાઇ નહોતી. પાર્ટનરશીપ ડીડમાં જેટલા પાર્ટનર છે તે તમામને આરોપી ગણી કાર્યવાહી કરવામાં આવી છે.
(11:41 AM IST)










