<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

ટીઆરપી ગેમ ઝોન ઘટના સ્‍થળે શનિવારે શરૂ થયેલુ સર્ચ ઓપરેશન રવિવારે સાંજે પુરુ થયું: શનિવારે ૨૮, રવિવારે બીજા ૦૨ મળી ૩૦ માનવદેહ ભડથું થયેલા મળ્‍યા

રાજકોટઃ રંગીલુ રાજકોટ શહેર તેની રહેણીકરણી અને  ઉજવણી કરવાની સ્‍ટાઇલને કારણે દેશ વિદેશમાં જાણીતું છે. અહિની પ્રજા મોજમસ્‍તીથી જીવનારી છે. જો કે શનિવારે સાંજે ટીઆરપી ગેમ ઝોનમાં ભભૂકેલી ગોઝારી આગને કારણે જે ઘટના બની તે સમગ્ર રાજકોટને રડાવી ગઇ છે. ગેમ ઝોનમાં ફસાઇ ગયેલા લોકોના અત્‍યંત દર્દનાક મોત થયા હતાં. શનિવારે સાંજથી ફાયર બ્રિગેડની ટીમોએ આગ બુઝાવ્‍યા પછી સર્ચ ઓપરેશન શરૂ કરતાં એક પછી એક મૃતદેહો મળતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. શનિવારે બે તબક્કે ૨૮ મૃતદેહ સિવિલ હોસ્‍પિટલે પહોંચાડાયા હતાં. રવિવારે સર્ચમાં એનડીઆરએફની ટૂકડી પણ સામેલ થઇ હતી. એ દરમિયાન વધુ બે માનવદેહ ભડથું થયેલા મળતાં મૃત્‍યુઆંક ૩૦ થયો હતો. રવિવારે સાંજે સમગ્ર સર્ચ ઓપેરશન પુરુ જાહેર કરાયું હતું.

 સિવિલ હોસ્‍પિટલમાં જે એન્‍ટ્રી નોંધાઇ છે તે મુજબ ૩૦ની મરણનોંધ તાલુકા પોલીસ સ્‍ટેશનમાં કરાવવામાં આવી છે. ગુજરાતમાં માનવીય બેદરકારીથી સર્જાયેલી આ સૌથી ગમખ્‍વાર દુર્ઘટનામાં રાજકોટના નાનામવા રોડ પર  ટીઆરપી માનવીય ઝોન સ્‍થળે ૨૬ કલાક બાદ સર્ચ ઓપરેશન ફાયરબ્રિગેડે પુરુ થયેલું જાહેર કર્યું હતું અને આ દરમિયાન સાંજે ઘટનાસ્‍થળેથી અત્‍યંત સળગીને કાળા પડી ગયેલા માનવદેહના અવશેષો (ટૂકડા) મળી આવતા તે બે પોટલામાં ભરીને સિવિલ હોસ્‍પિટલ ખાતે લાવવામાં આવ્‍યા હતા. રાજકોટમાં લોકોએ તીવ્ર વેદના વ્‍યક્‍ત કરતા સત્‍વરે જણાવ્‍યું કરીને જવાબદારોને એવી કડક સજા કરવી જોઇએ કે ભવિષ્‍યમાં કોઈ આવી બેદરકારી રાખે નહીં.

આ ઘટનાથી ૩૦ કે વધુ લોકોના મૃત્‍યુ થયા હોઈ શકે છે. આ ઉપરાંત માનવ એવશેષો મળ્‍યા છે જે કેટલા લોકોના છે. આ કોના છે તે હજી જાણી શકાયુ નથી. મોડી રાત સુધી હજુ એક પણ મળતદેહ કોનો છે તે ઓળખી શકાયું નથી અને આ માટે ડી.એન.એ. મેચ કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે. ફાયરબ્રિગેડના સૂત્રો અનુસાર શનિવાર સાંજથી ચાલતું સર્ચ ઓપરેશન રવિવારે સાંજે પુરૂં કરીને ગેમઝોનનો સમગ્ર કાટમાળ ખસેડવામાં આવ્‍યો છે અને  રાત્રે પોલીસ સાથે વાત થયા મૂજબ જે.સી.બી., ફાયરફાઈટર સહિત વાહનો ખસેડી લેવામાં આવ્‍યા છે.

(11:02 AM IST)