<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

ગેમ ઝોનમાં મોજ માણવા પહોંચેલા હતભાગીઓને ક્‍યાં ખબર હતી કે તેઓ ‘જિંદગીના છેલ્લા દિવસ' માટેના ફોર્મમાં કરી રહ્યા છે સહી!

 રાજકોટઃ જુદા જુદા પરિવારના ૩૨ નિર્દોષ સ્‍વજનોનો ભોગ લઇ ચુકેલી ગેમ ઝોનની ગોઝારી આગે હરકોઇને હચમચાવી નાખ્‍યા છે. એક તરફ આ મામલે એફઆઇઆર દાખલ કરી તપાસ શરૂ કરી જવાબદારોને પકડવાની કામગીરી શરૂ થઇ છે તો બીજી તરફ  એવી ચોંકાવનારી વિગતો પણ સામે આવી હતી કે ગેમ ઝોનના માલિકોએ આવી દુર્ઘટના સર્જાય તે માટે પહેલેથી જ છટકબારી શોધી રાખી હતી! ગેમિંગ ઝોનમાં આવતા તમામ લોકો પાસે ફોર્મ ભરાવવામાં આવતા હતાં અને સહીઓ લેવામાં આવતી હતી. આ ફોર્મમાં સ્‍પષ્‍ટ લખેલુ હતું કે- દુર્ઘટના સર્જાય તો માલિક કે સંચાલકોની કોઈ જવાબદારી બનશે નહીં. . ગેમ ઝોનમાં શનિવારે આ ગેમિંગ ઝોનમાં ૯૯ રૂપિયાની ટિકિટ રખાઈ હતી જેનો લાભ લેવા માટે મોટી સંખ્‍યામાં લોકો ઉમટી પડ્‍યા હતા. એન્‍ટ્રી કરનાર દરેક લોકો પાસેથી એક ફોર્મમાં સહી લેવામાં આવતી હતી.

આ ફોર્મમાં ઘણી શરતો રાખવામાં આવી હતી. આ શરતો સ્‍વીકાર્યા પછી જ લોકોને ગેમ ઝોનની અંદર પ્રવેશ આપવામાં આવતો હતો. ગેમ ઝોનની મજા માણવા માટે ફોર્મમાં સહી કરનારા કોઇને ક્‍યાં ખબર હતી કે તેમણે તેમની જિંદગીના અંતિમ દિવસ માટેના ફોર્મમાં સહી કરી દીધી છે!? આ ગેમ ઝોનમાં આવનાર દરેક લોકોને એક ફોર્મ આપવામાં આવતું હતું. જેમાં નામ, મોબાઈલ નંબર, તારીખ તેમજ શરતો વાંચીને નીચે સહીં કરાવવામાં આવતી હતી. ફોર્મ ટીઆરપી ગો કાર્ટ્‍સ એન્‍ડ પેઈન્‍ટબોલના નામે છે. આ કાર્ડ પર ચોખ્‍ખા શબ્‍દોમાં લખેલું છે કે તમે (લોકો) સહી કરીને અમારી સામે કેસ કરવાનો કાયદેસરનો હકક જતો કરો છો. એટલે આ ગેમ ઝોનમાં કોઈ જાતની મોટી દુર્ઘટના કે જાનહાની સર્જાઈ તો અમારી જવાબદારી રહેશે નહીં.

(11:07 AM IST)