<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

૯૯ની સ્‍કીમમાં ‘ગેમ ઝોન'માં નહિ પણ ‘ડેથ ઝોન'માં એન્‍ટ્રી' લીધી!?

વેકેશન, વીકએન્‍ડ અને સ્‍કીમને કારણે વધુ સંખ્‍યામાં લોકો ઉમટયા હતાં: અંદર જવા, બહાર નીકળવાનો એક જ રસ્‍તો હતો

 જાણવા મળ્‍યા મુજબ સામાન્‍ય રીતે ગેમઝોનમાં વધુ લોકોની આવ-જા રહેતી નહોતી. પણ વીકએન્‍ડ હોઇ, વળી વેકેશન પણ ચાલતું અને તેમાં ગેમ ઝોનના સંચાલકોએ ‘૯૯ રૂપિયામાં એન્‍ટ્રી'ની સ્‍કીમ શનિવારના દિવસે મુકતાં મોટી સંખ્‍યામાં લોકો પહોંચી ગયા હતાં. પણ કોઇને ક્‍યાં ખબર હતી કે તેમની એન્‍ટ્રી ગેમ ઝોનમાં નહિ પરંતુ ડેથ ઝોનમાં થઇ છે!? શનિવારના દિવસે આ ગેમિંગ ઝોનમાં ૯૯ રૂપિયાની ટિકિટ રખાઈ હતી જેનો લાભ લેવા માટે મોટી સંખ્‍યામાં લોકો ઉમટી પડ્‍યા હતા. વેકેશન ચાલી રહ્યું હોઇ અને અઠવાડીયાનો અંતિમ દિવસ હોઇ જેથી બાળકો સાથે વાલીઓ પણ ગેમ ઝોનમાં ઉમટી પડયા હતાં. વળી આગ લાગી ત્‍યારે બહાર નીકળવાનો રસ્‍તો ન મળતાં તેના કારણે જાનહાનીનો આંકડો વધી ગયો હતો. આ આગમાં અનેક પરિવારોએ તેમના પ્રિયજનો, સ્‍વજનો, વ્‍હાલસોયા બાળકોને ગુમાવી દીધા છે.  ટીઆરપી ગેમ ઝોનમાં જનરેટર માટે ૧૫૦૦થી ૨૦૦૦ લિટર ડીઝલ, ગો કાર રેસિંગ માટે ૧૦૦૦ થી ૧૫૦૦ લિટર પેટ્રોલનો સંગ્રહ કરવામાં આવ્‍યો હતો. જેના કારણે આગ એટલી બધી ફેલાઈ ગઈ હતી કે આખું માળખું બળીને રાખ થઈ ગયું હતું. ગેમ ઝોનમાંથી બહાર નીકળવા અને પ્રવેશવા માટે ૬ થી ૭ ફૂટનો એક જ રસ્‍તો હતો. ગુજરાતના ઈતિહાસની અતિ ભયાનક કહી શકાય તેવી આ દુર્ઘટનામાં જુદા જુદા તંત્રોની ઘોર જીવલેણ લાપરવાહી પણ સામે આવી રહી છે. અસંખ્‍ય લોકોના અત્‍યંત દર્દનાક, મૃત્‍યુ માટે તંત્રના આંખ મિચામણા જવાબદાર હોવાનું ખુલ્‍યું છે. આશરે ૨૦૦૦ ચો.મી.થી વધુ જગ્‍યામાં આ ગેમ ઝોન ચાર વર્ષથી ધમધમતો હતો છતાં આજ સુધી આ સ્‍થળ માટે ફાયર એનઓસી કે કોઇ પ્રમાણ પત્ર ફાયર બ્રિગેડમાંથી લેવાયું નહોતું અને સેફટીના ધારાધોરણોનું પાલન ન્‍હોતું. આમ છતાં મહાપાલિકા, કલેક્‍ટર, પોલીસ સહિતના તંત્રોએ તેને ચાલવા દીધું હોવાનું છત્તુ થયું છે.

(11:08 AM IST)