News of Monday, 27th May 2024
કેનેડાના અક્ષય અને રાજકોટની ખ્યાતિની અઠવાડીયા પહેલા સગાઇ થઇ, ડિસેમ્બરમાં લગ્ન થાય એ કદાચ કુદરતને મંજૂર નહિ હોય?
સંસારજીવનની સફર શરૂ થાય એ પહેલા ગોઝારી આગમાં અંત

રાજકોટઃ શહેરમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગ અનેક પરિવારના માળા વેરવીખેર કરી ગઇ છે, અનેક પરિવારોએ આધારસ્તંભ, લાડકવાયા, ભાઇ બહેન કે સ્વજન અને કોઇએ મિત્ર ગુમાવ્યા છે. હૈયા હચમચાવી નાખે તેવી કરૂણ કથનીઓ ગેમ ઝોનના આગકાંડમાંથી બહાર આવી રહી છે. કેનેડાથી ગુજરાત આવેલા અક્ષય ઢોલરીયા, પત્નિ અને સાળી સાથે આગમાં લાપતા થતાં ડીએનએ સેમ્પલ લેવાયા છે. અક્ષય લગ્ન માટે કેનેડાથી રાજકોટ આવ્યો હતો અને રાજકોટના ખ્યાતિ સાવલિયા સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. બંનેએ કોર્ટ મેરેજ કરી લીધા હતાં. અઠવાડીયા પહેલા સગાઇ થઇ હતી. આગામી ડિસેમ્બરમાં રીતીરિવાજ મુજબ રંગેચંગે બંને અગ્નિની સાક્ષીએ એક થઇ સંસાર જીવનની શરૂઆત કરવાના હતાં. પણ કદાચ કૂદરતને એ મંજુર નહોતું! આ બંને શનિવારે ગેમ ઝોનમાં હોંશે હોંશે ગયા હતાં. પણ કોઇને ક્યાં ખબર હતી કે આગમાં લાપતા થઇ જશ!? અક્ષય ઢોલરીયા મૂળ રાજકોટનો હતો. પરંતુ કેનેડામાં અભ્યાસની સાથે નોકરી કરતો હતો. જ્યારે ખ્યાતિબેન મેઘાણીનગરમાં રહેતી હતી. અક્ષયના પિતા કિશોરભાઈ અને માતા હીનાબેન યુએસએમાં રહે છે. તેમણે રાજકોટની આગનો વિડીયો અમેરિકામાં જોયો હતો અને ઘટનાની જાણ થઇ હતી.
(11:42 AM IST)










