<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

જીમ ટ્રેનર ૩૮ વર્ષના સુનિલ સોની ૧૨ દિવસ પહેલા જ ગેમ ઝોનમાં નોકરીએ જોડાયા અને જીવ ગયો

રાજકોટમાં જુના એરપોર્ટ પાસે યોગેશ્વર સોસાયટીમાં રહેતાં સોની પરિવારમાં કલ્‍પાંત : સવારે અંતિમયાત્રામાં સર્જાયા કરૂણ દ્રશ્‍યોઃ આઠ વર્ષની પુત્રીએ પિતાનું છત્ર ગુમાવ્‍યું: હું નોકરીએ જાવ છું...એવું પત્‍નિને કહીને નીકળ્‍યા પછી આજે સોમવારે ભડથું થયેલો દેહ ઘરે આવતાં કાળો કલ્‍પાંત : શનિવારે બહુ ગિરદી હશે તમે આજે જ આવી જાવ તેમ કહેતાં સુનિલભાઇના ૧૨થી વધુ સગા સંબંધીઓએ શુક્રવારે ગેમ ઝોનની મજા માણી હતી

રાજકોટ તા. ૨૭: ગેમ ઝોનની ગોઝારી આગમાં ભોગ બનેલા ત્રીસ હતભાગીઓના ડીએનએ સેમ્‍પલ લઇ ઓળખ કરવાની કામગીરીને વેગવંતી બનાવવામાં આવતાં આજે સવારે ચાર મૃતદેહોના ડીએનએ સેમ્‍પલ મેચ થઇ જતાં પરિવારજનોને મૃતદેહ સોંપાતા અરેરાટી વ્‍યાપી ગઇ હતી.  જે પૈકી રાજકોટના જુના એરપોર્ટના ગેઇટ પાસે યોગેશ્વર સોસાયટીમાં કંકાવટી મકાન ખાતે રહેતાં સુનિલભાઇ હસમુખભાઇ સિધ્‍ધપુરા (ઉ.વ.૩૮)નો મૃતદેહ આજે સવારે સગાને સોંપાતા અંતિમયાત્રા નીકળી ત્‍યારે કરૂણ દ્રશ્‍યો સર્જાયા હતાં.

વધુ માહિતી મુજબ સુનિલભાઇ બે ભાઇથી નાના હતાં અને અગાઉ જીમ ટ્રેનર તરીકે નોકરી કરતાં હતાં. બાર દિવસ પહેલા જ તેઓ ટીઆરપી ગેમ ઝોનમાં  નોકરીમાં જોડાયા હતાં. બપોરે એકથી રાતના બાર સુધી તેમની નોકરીનો સમય હતો. શનિવારે તેઓ બપોરે પત્‍નિ સીમાને હું નોકરીએ જાઉ છું...તેમ કહીને નીકળ્‍યા બાદ આજે જ્‍યારે પતિનો ભડથું થઇ ગયેલો નિષ્‍પ્રાણ દેહ ઘરે આવ્‍યો ત્‍યારે કાળો કલ્‍પાંત સર્જાયો હતો. સ્‍વ. સુનિલકુમાર સિધ્‍ધપુરા રાજકોટના સ્‍વ. શીવજી વલ્લભજી અનમ-બારદાનવાળાના જમાઇ થતાં હતાં. સંતાનમાં આઠ વર્ષની એક પુત્રી છે. જેણે પિતાની છત્રછાંયા ગુમાવી છે.

વધુ માહિતી મુજબ સુનિલભાઇ સિધ્‍ધપુરા બારેક દિવસથી જ ગેમ ઝોનમાં નોકરીમાં જોડાયા હોઇ શુક્રવારે તેમના સગાએ ફોન કરી અમારે ગેમ ઝોનમાં આવવું છે તેમ કહેતાં સુનિલભાઇએ તેમને તમે આજે શુક્રવારે જ આવી જાય, કાલે શનિવારે બહુ ગિરદી હશે...તેમ કહેતાં બારેક સગા સ્‍વજનોએ શુક્રવારે જ ગેમ ઝોનની મુલાકાત લઇ મજા માણી હતી.

(11:39 AM IST)