News of Monday, 27th May 2024
સો મણનો સવાલ... ગેમઝોનમાં પેટ્રોલ - ડિઝલનો જંગી જથ્થો આવ્યો કયાંથી ? તપાસનો વિષય
સામાન્ય રીતે પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ-બોટલ કે વાસણમાં ભરી અપાતું નથી રેસિંગ કાર માટે વપરાતું પેટ્રોલ (૧૫૦૦ લીટર)ને સાચવવા સુરક્ષાની કોઇ વ્યવસ્થા જ ન્હોતી

રાજકોટ, તા.૨૭: રાજકોટમાં ગેમ ઝોન માં લાગેલી આગથી મચેલા અગન તાંડવમાં ૩૦થી વધુ લોકોના અગનજવાળામાં ભડથું થઈ જવાના ચકચારી કાંડમાં ગેમ ઝોનના સંચાલકો જ મોતને આમંત્રણ આપતી આ દુર્ઘટનામાં જવાબદાર હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે ત્યારે મોટી માત્રામાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો કયાંથી આવ્યો ? અને તેના સ્ટોરેજ માટે અલગથી વ્યવસ્થા હતી કે નહી ?તેના માટે પ્રશાસનની મંજૂરી લીધી હતી કે કેમ ? તે દિશામાં પણ તંત્રએ તપાસ કરવી જોઈએ. ગેમ ઝોનમાં બોમ્બ જેવા વિસ્ફોટ પણ થયા હતા અને ત્યારબાદ જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું જે જીવ લેણ બન્યું.
પેટ્રોલિયમ કંપનીના એક અધિકારી સાથે થયેલ વાતચીત મુજબ કોઈપણ પેટ્રોલ પંપ ઉપરથી પેટ્રોલ કયારેય બોટલમાં કે કોઈ વાસણમાં કે ડ્રમમાં ભરી આપવાનું નથી હોતું કયારેક કોઈ વાહનમાં પેટ્રોલ ખાલી થયું હોય તો જે તે વ્યક્તિ પંપ ઉપર જાય અને ત્યાં કંપનીના નીતિ નિયમો મુજબ અને સલામતીના ધારા ધોરણ મુજબ ૧ લીટરનું એક નાનુ કેન ડિપોઝિટ લઈ આપવામાં આવતું હોય છે જ્યારે ડીઝલ તો ૨૦ થી લઇ ૨૦૦ લીટર સુધીના ડ્રમમાં પણ ભરી આપવામાં આવતું હોય છે જો ડીઝલનો પણ જથ્થો વધુ પ્રમાણમાં કાયમી ધોરણે સાચવવો હોય તો તેમાં પણ સ્ટોરેજની વ્યવસ્થા પ્રશાસનની મંજૂરી લઈ કરવી પડે છે આમ છતાં ગેમ ઝોનમાં રેગ્યુલર જનરેટર માટે ડીઝલ અને રેસિંગ કાર માટે પેટ્રોલનો ૧૫૦૦ લીટર નો જથ્થો કાયમી ધોરણે ત્યાં રહેતો હતો અને તેને સલામત રીતે સાચવવા ની ત્યાં કોઈ જ વ્યવસ્થા હતી નહીં.
આ ઉપરાંત હજારોની સંખ્યામાં ટાયરો ઉપરાંત અત્યંત જ્વેલનશીલ કેમિકલ્સ પણ ત્યાં હોવાનું સામે આવ્યું છે આ બધા અત્યંત જ્વેલનશીલ પદાર્થોને લીધે આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી અનેક જિંદગીઓને જીવતે જીવ બાળી નાખી.
ડીઝલ તો બેરલમા થોડુ ધણુ રાખી શકાય છે પરંતુ પેટ્રોલ વધુ પ્રમાણમાં રાખી જ ન શકાતું હોવા છતાં રોજિંદા રેસિંગ કાર માટે વપરાતો પેટ્રોલનો જથ્થો કયાંથી આવ્યો ? જો કોઈ પંપ પરથી આવ્યો હોય તો તંત્રએ પંપના સંચાલકો સામે પણ પગલાં ભરી દાખલો બેસાડવો પડશે કે જેથી ફરિવાર પંપના સંચાલકો પોતાનો વેપાર વધારવા આમ ગેરકાયદેસર રીતે પેટ્રોલનું વેચાણ ભવિષ્યમાં ન કરે.
(1:57 PM IST)










