<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

કમાણીની લાયમાં લોકોની જિંદગી સાથે ગેમ

ગેમઝોન-મેળાની વાસ્‍તવિકતાઃ એનઓસી આપી હાથ ઉંચા કરતું તંત્ર ભીડ અંગે કોઇ મોનિટરિંગ કરતુ નથી વીકેન્‍ડ, રજાના દિવસોમાં ગેમઝોન-મેળામાં થતો ધસારો ચિંતાજનક અને જોખમી

 

પોલીસ સ્‍ટેટમેન્‍ટમાં માત્ર સરેરાશ સંખ્‍યા પુછવામાં આવે છેઃ ઓર્ગેનાઇઝર

સુરતના એક ઓર્ગેનાઇઝરે નામ ન આપવાની શરતે જણાવ્‍યુ હતુ કે પોલીસ વિભાગનું એનઓસી લેવામાં આવે ત્‍યારે પોલીસ સ્‍ટેટમેન્‍ટમાં સરેરાશ કેટલા લોકો મેળા, ગેમઝોનમાં આવશે તેની સંખ્‍યા લખાવવામાં આવે છે જો કે તેના કોઇ સરકારી ધારાધોરણો નથી તેમજ એક વાર એનઓસી મળી જાય પછી કોઇ સરકારી એજન્‍સી કે તંત્ર દ્વારા મેળામાં આવતા મુલાકાતીઓની સંખ્‍યાની ચકાસણી કે તેનું મોનિટરિંગ કાતુ નથી. આ સિવાય ફાયર અને હેલ્‍થના એનઓસી  લઇને મંજૂરી અપાઇ છે. મહાનગરપાલિકા પાસે મેળા-ગેમઝોનનું લે-આઉટ દર્શાવી મંજૂરી માંગવામાં આવે છે. જો કે પ્‍લાન મંજૂરી વેળા મેઇન ગેટ સિવાય કેટલા એકિઝટ પોઇન્‍ટ છે. તેની દર્શાવેલી વિગતો વાસ્‍તવિક સ્‍થળે ભાગ્‍યે જ દેખાઇ છે. કેટલાક કિસ્‍સામાં તો પ્‍લાનમાં રજૂ કરાયેલા એકિઝટ પોઇન્‍ટ સ્‍થળ પર બંધ કરી દેવાયા  હોવાનું પણ જોવા મળે છે.

સુરત,તા. ૨૭: રાજકોટના ટીઆરપી ગેમઝોનની દુર્ઘટના બાદ રવિવારે દિવસભર સુરત મહાનગરપાલિકા અને પોલીસતંત્ર દોડતુ રહ્યુ હતું. જોકે, કડવી વાસ્‍તવિકતા એ છે કે સરકારી તંત્રની મંજૂરી અને એનઓસીની વાત તો ઠીક, પરંતુ ગેમઝોન અને મેળામાં કમાણીની લાયમાં મહત્તમ પ્રવેશતા ધારાધારણોનું રીતસરનું ઉલાળિયુ થાય છે. એનઓસી આપી હાથ ઉંચા કરી દેતુ તંત્ર મેળા અને ગેમઝોનમાં થતી ભીડ અંગે કોઇ મોનિટરિંગ જ કરતુ નથી. એ ચિંતાજનક અને જોખમી નીવડી શકે છે.

સુરત જેવા મેગા સિટીમાં છેલ્લા એક દાયકામાં ગેમઝોનની સંખ્‍યામાં ધરખમ વધારો થયો છે. સુરત શહેરના પોશ વિસ્‍તારમાં ટીનેજર્સને આકર્ષવા માટે એક પછી એક મોટા ગેમઝોન શરૂ થાય છે. આ સિવાય ભૂતકાળમાં માત્ર ચોક્કસ સિઝન પુરતો યોજાતો આનંદમેળો હવે બારેમાસ અને વિવિધ વિસ્‍તારમાં દેખાઇ રહ્યા છે. જો કે રાજકોટની ઘટના બાદ સુરત શહેરના વિવિધ વિસ્‍તારોમાં આવેલા ગેમઝોન અને ધમધમતા મેળામાં વીકેન્‍ડ, રજાના દિવસોમાં થતા ધસારાએ ચિંતા ઉજાવી છે. વીકેન્‍ડ, રજાના દિવસોમાં થતા ધરાસાએ ચિંતા ઉપજાવી છે. વિકેન્‍ડ અને રજાના દિવસોમાં સામાન્‍ય દિવસો કરતા ત્રણથી ચાર ગણી ભીડ ધસારો દેખાય છે. મેળા અને ગેમઝોનમાં છાશવારે થતી ભીડ અને ધસારાનું મોનિટરિંગ કરવામાં કોઇ તસ્‍દી લેવાતી નથી. તેને કારણે ગમે ત્‍યારે દુર્ઘટના વેળા અથવા તો અન્‍ય કોઇ સંજોગોમાં ભાગદોડ પણ થાય તો મોટી જાનહાનિ થવાનું જોખમ ટોળાઇ રહ્યું છે.

૫૦ થી ૧૦૦ રૂ.એન્‍ટ્રી ફી માટે લોકોના માથે જોખમ

સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, સુરત શહેરમાં વિવિધ વિસ્‍તારોમાં આવેલા મેળામાં ૫૦ થી ૧૦૦ રૂપિયા એન્‍ટ્રી ફી, ૫૦ થી ૭૦ રૂપિયા પાર્કિંગ ફી વસૂલીને પ્રવેશ આપી દેવામાં આવે છે. ત્‍યારબાદ મેળામાં અંદરની દરેક એકિટવિટી માટે અલાયદી ફી ચુકવવી પડે છે. ગેમઝોનમાં તેનાથી વિપરીત વિનામૂલ્‍યે પ્રવેશ બાદ એક્‍ટિવિટી માટે ચોક્કસ રૂપિયાનું રિચાર્જ કરાવવું પડે છે. અથવા તો કાર્ડ લેવો પડે છે. જો કે આ બંને કિસ્‍સામાં માત્ર આનંદ-પ્રમોદ માટે પ્રવેશતા લોકોની મહત્તમ સંખ્‍યા, ક્ષમતાનું કોઇ ધ્‍યાન રાખવામાં આવતુ નથી. મેળામાં હકડેઠઠ ભીડ હોવા છતાં મોડી સાંજ સુધી પ્રવેશ આપવામાં આવે છે. ૫૦ થી ૧૦૦ રૂપિયા એન્‍ટ્રી ફી મળે તે માટે અંદર પગ મુકવાની જગ્‍યા ન હોવા છતા પ્રવેશ આપી દેવામાં આવે છે. ગેમઝોનમાં પણ દરેક એકિટવિટીમ માટે વીકેન્‍ડ, રજાના દિવસોમાં લાંબી કતારો હોવા છતા બેરોકટોક પ્રવેશ આપવામાં આવે છે.

એડવેન્‍ચર એક્‍ટિવિટી માટે સ્‍પન્‍જ, ટાયરનો વધુ ઉપયોગ

રાજકોટના ગેમઝોનની દુર્ઘટના બાદ વિવિધ લોકચર્ચાએ જોર પકડયું છે. સુરતમાં તક્ષશિલા કાંડ અને રાજકોટની ગેમઝોન દુર્ઘટનામાં ટાયરની ભૂમિકા કોમન ફેકટર બનીને ઉભરી આવી છે. ટાયર સળગવાને કારણે થતા ધુમાડાથી લોકોને ગુંગળામણ અનુભવાઇ છે. જોકે, સુરત શહેરના વિવિધ વિસ્‍તારમાં ચાલતા ગેમઝોનમાં થતી એડવેન્‍ચર એકિટવિટી માટે સ્‍પન્‍જ અને ટાયરનો મહત્તમ ઉપયોગ થતો હોય ગમે ત્‍યારે તે જોખમી નીવડી શકે છે. ગેમઝોનમાં હવે ટેક્‌નિકલ ગેમની સાથે જ જમ્‍પિંગ કલાઇમ્‍બિંગ, ટ્રેકિંગ જેવી એડવેન્‍ચર એકિટવિટી વધુ કરાવવામાં આવે છે. આ તમામ એકિટવિટી માટે સ્‍પન્‍જ  અને ટાયરનો મહત્તમ ઉપયોગ થાય છે. આગની દુર્ઘટના થાય ત્‍યારે સ્‍પન્‍જ અને ટાયર ઝડપથી અને લાંબો સમય સુધી સળગતા હોય મોટી સંખ્‍યામાં જાનહાનિની ચિંતા સતાવી રહી છે.

(2:30 PM IST)