તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 27th May 2024
કેરલ અને રાજસ્થાનના બહેનો જાલંધર બંધ યોગની દંતવિદ્યા શિખવા રાજકોટ આવ્યા
ડો. અભિજાબેન અને ડો. ઉષા ધાયલ સૌરાષ્ટ્રમાં ચાલતા દંતયજ્ઞો અને તેમાં થતી સેવાઓથી પ્રભાવિત : દિલ્હી રાષ્ટ્રીય આયુર્વેદ વિદ્યાપીઠની પ્રવેશ પરીક્ષામાં ઉતીર્ણ થયા બાદ રાજકોટ સેન્ટરની કરી પસંદગી : એક વર્ષનો અભ્યાસક્રમ : દંત વૈદ્ય ડો. જયસુખ મકવાણા જ્ઞાન પીરસશે

રાજકોટ તા. ૨૭ : ખાસ જાલંધર બંધ અને આયર્વેદ દંત ચિકિત્સા શીખવા કેરલના ડો. અભિજાબેન અને રાજસ્થાનના ડો. ઉષા ધાયલ રાજકોટ આવ્યા છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જણાવાયુ હતુ કે રાષ્ટ્રીય આયુર્વેદ વિદ્યાપીઠ ન્યુ દિલ્હી જે ભારત સરકારના આયુષ મંત્રાલય અંતર્ગત કાર્યરત એક સંસ્થા છે. જેમાં ગુરૂ શિષ્ય પરંપરા અંતર્ગત વિવિધ આયુર્વેદના વિષયોના ૯૩ ગુરૂઓ સેવા આપે છે. ભારતભરમાંથી ૨૪૦ થી વધુ આયુર્વેદ ડોકટરને એક વર્ષના સી.આર.એ.વિ. અભ્યાસક્રમમાં જ્ઞાન પીરસવામાં આવે છે. જેમાં રાજકોટના જાણીતા દંતવૈદ્ય જયસુખભાઇ મકવાણા ૨૦૧૧થી સેવા આપે છે. દર વર્ષે ર થી ૩ આયુર્વેદ તબીબો આ દંત ચિકિત્સામાં એક વર્ષ માટે પ્રવેશ મેળવે છે.
આ વર્ષે કેરલના ડો. અભિજાબેન અને રાજસ્થાનના ડો. ઉષા ધાયલ આ અભ્યાસક્રમમાં જોડાયા છે. તેઓ જયસુખભાઇ પાસેથી ખાસ જાલંધર બંધ યોગ કે જેમાં ઇન્જેકશન વગર મંત્રવિદ્યાના આધારે દાંત અને દાઢની સારવાર અપાય છે તેનું જ્ઞાન મેળવશે.
આ બન્ને બહેનોએ જણાવ્યુ હતુ કે અમે ગત માસે દંત ચિકિત્સા ગુરૂ પાસે ગત માસમાં પ્રવેશ લીધો. જેમાં દિલ્હી રાષ્ટ્રીય આયુર્વેદ પીઠની પ્રવેશ પરીક્ષા પાસ કરતા અમારી ચોઇસ મુજબ રાજકોટમાં એડમીશન અપાયુ છે. પ્રવેશ બાદ અમોને જાલંધર બંધ અને આયુર્વેદ દંત ચિકિત્સા શીખવામાં ખુબ મજા આવી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ચાલતા દંત યજ્ઞો અને તેમાં થતી સેવાએ અમોને ખુબ પ્રભાવિત કરેલ છે. સરકાર તરફથી આ અભ્યાસક્રમ માટે શિષ્યવૃત્ત પણ આપવામાં આવે છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ડો. ઉષાબેન ધાયલ, ડો. અભિજાબેન અને બાજુમાં જાગૃતિ ચૌહાણ, કલ્પનાબેન જોશી, મોનીકા ભટ્ટ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(2:43 PM IST)










