<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

ઘોડા છૂટયા બાદ તબેલાને તાળા

અટલ સરોવર - ફનવર્લ્‍ડ - ખાનગી મેળા સહિત તમામ ગેમ ઝોન અચોક્કસ મુદ્દત માટે બંધ

ફાયર NOC સહિતના મુદ્દે ચકાસણી હાથ ધરતા ફન વર્લ્‍ડ, બાલભવન સિવાય તમામ ગેમ ઝોન પાસે ફાયર NOC નથી

રાજકોટ તા. ૨૭ : શહેરના નાનામવા રોડ પર મોકાજી સર્કલ પાસે આવેલ ટીઆરપી ગેમ ઝોનમાં શનિવારે સાંજે બનેલી આગની ઘટના બાદ રવિવારે રાજ્‍યભરમાં ચાલતા તમામ ગેમ ઝોનમાં ચેકીંગ હાથ ધરવા અને બંધ રાખવા રાજ્‍ય સરકાર દ્વારા આદેશો આપવામાં આવ્‍યા હતા. જે અન્‍વયે શહેરના તમામ ગેમ ઝોન, અટલ સરોવર તથા ખાનગી મેળા બંધ રાખવા મનપા દ્વારા તાકિદ કરવામાં આવી હતી તેમજ શહેરમાં ચાલતા ગેમ ઝોનના ફાયર એનઓસી ચકાસણી ફાયર એન્‍ડ ઇમરજન્‍સી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવતા રેસકોર્ષ રીંગ રોડપરના ફનવર્લ્‍ડ સિવાયના તમામ ગેમ ઝોનમાં ફાયર એનઓસી ન હોવાનું ધ્‍યાન આવ્‍યું હતું.

આ અંગે ફાયર ઓફિસર આઇ.વી.ખેરના જણાવ્‍યા મુજબ શહેરના વિવિધ વિસ્‍તારમાં આવેલ ગેમ ઝોનમાં ચેકીંગ કરવામાં આવ્‍યું હતું. જેમાં રેસકોર્ષ રીંગ રોડ પર આવેલ ફનવર્લ્‍ડ, બાલભવન પાસે ફાયર એનઓસી છે. જ્‍યારે નવા ૧૫૦ ફુટ રીંગ રોડપરના ફન બ્‍લાસ્‍ટ, તાલુકા પોલીસ મથક પાસે આવેલ ઇન્‍ફીનિટી સ્‍પોર્ટસ, ન્‍યુ ૧૫૦ ફુટ રીંગ રોડ પરના વુફી ગેમ ઝોન, કુવાડવા રોડ પરના ક્રેનીવર્લ્‍ડ પાસે ફાયર એનઓસી નથી તેમજ ૧૫૦ ફુટ રીંગ રોડ પરના રિલાયન્‍સ મોલ ગેમ ઝોન અને કાલાવડ રોડ પરના ક્રિસ્‍ટલ મોલ ગેમ ઝોનનાં મોલની એનઓસી છે. ગેમ ઝોનની ફાયર એનઓસી નથી.

વધુમાં શ્રી ખેરએ જણાવ્‍યું હતું કે, તમામ ગેમ ઝોનને ફાયર એનઓસી અને ફાયર સેફટીના સાધનો ફીટ કરાવવા તાકિદ કરી છે અને અચોક્કસ મુદત માટે અટલ સરોવર, ખાનગી મેળા, ફનવર્લ્‍ડ તથા ગેમ ઝોન બંધ રાખવા સુચના આપવામાં આવી છે.

(3:21 PM IST)