તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 27th May 2024
કેન્દ્રીય મંત્રી પુરૂષોતમભાઇ રૂપાલાની ઇમેજ બગડે તેવો વિડીયો-ફોટો વાયરલઃ ગુનો દાખલ
ભાજપ આગેવાન યોગેશભાઇ પાંચાણીની સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદઃ અલગ-અલગ પાંચ ઇન્સ્ટાગ્રામ આઇ.ડી.ના ધારકોની શોધો

રાજકોટ,તા. ૨૬: રાજકોટ લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રીશ્રી પુરૂષોતમભાઇ રૂપાલાની ઇમેજ ખરાબ થાય તેવા વીડીયો અને ફોટા અલગ-અલગ ફેક ઇન્સ્ટ્રાગ્રામ આઇ.ડી. બનાવી સોશ્યલ મીડીયામાં વાયરલ કરનારા સામે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં રાજકોટ શહેર ભાજપના કન્વીનર યોગેશભાઇ ચંદ્રકાંતભાઇ પાંચાણી (ઉ.વ.૪૩) (રહે.નાના મવા રોડ આલાપ ટાવર ફલેટ નં. ૧૧૦૧) ની ફરિયાદ પરથી અલગ અલગ ફેક આઇ.ડી. બનાવનાર અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. યોગેશભાઇએ કરેલી ફરિયાદમાં જણાવ્યુ છે કે સાતેક દિવસ પહેલા તે ભાજપ કાર્યાલયમાં અન્ય કાર્યકરો સાથે હતા. ત્યારે કેન્દ્રીય મંત્રી શ્રી પુરૂષોતમભાઇ રૂપાલાની ઇમેજ ખરાબ થાય તેવા વીડીયો અને ફોટા સોશ્યલ મીડીયામાં વાયરલ કરાયા હોવાનું તેને જાણવા મળ્યુ હતું. જે બાબતની અરજી તેમના પીએ દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં ઇ-મેઇલ કરાઇ હતી. જેના ઇન્સ્ટાગ્રામ આઇ.ડી.ની અલય અલગ લીંકો હતી કેન્દ્રીય મંત્રી અને તેના પીએ ચૂંટણી કામગીરીમાં રોકાયેલા હોય ભાજપના સક્રિય કાર્યકર્તા તરીકે તેમણે ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પીઆઇ કે.જે.મકવાણાએ તપાસ હાથ ધરી છે.
(3:33 PM IST)










