News of Monday, 27th May 2024
TRP ગેમઝોનમાં ૩૫૦૦ લીટરનો ટાંકો : પોલીસ - પુરવઠાની ઘોર બેદરકારી
હજારો લીટર પેટ્રોલ કે ડીઝલ કે એવો જ્વલનશીલ પદાર્થ સ્ટોરેજ થતો હતો તો તે આવતો'તો ક્યાંથી ?! : પૂરવઠાની કે પોલીસની કોઇ મંજૂરી નહોતી... કોની પાસેથી પેટ્રોલ - ડીઝલ વેચાતુ લેતા હતા... કલેકટર પ્રભવ જોષી અવાચક કલેકટરે તમામ રીપોર્ટ મંગાવ્યો : DSO ગાંધીનગરમાં : કોઇ બોલવા તૈયાર નથી મનોરંજન કર અંગે પણ દરેક તંત્રના ચલક ચલાણા : અનેક બાબતો ઉજાગર થશે...

રાજકોટ તા. ૨૭ : શહેરના નાનામવા રોડ ઉપર સયાજી હોટલ પાસે આવેલ ટીઆરપી ગેમઝોનમાં ભયાનક આગ લાગી... ૩૦ નિર્દોષ વ્યકિત જીવતી બૂઝાઇ ગઇ... રાજકોટ આખુ હિબકે ચડયું છે અને તેમાં કોર્પોરેશન - પોલીસ તંત્ર - આર એન્ડ બી - ફાયરબ્રિગેડની ઘોર બેદરકારીઓ ઉડીને આંખે વળગી છે... છતી થઇ છે, અને હવે તેમાં રાજકોટનું પૂરવઠા ખાતુ પણ ઘોર બેદરકારીમાં આવી ગયું છે.
વિગતો એવી બહાર આવી છે કે, ટીઆરપી ગેમઝોનમાં ૩૫૦૦ લીટરનો સ્ટોરેજ ટાંકો હતો, તેમાં પેટ્રોલ - ડીઝલ કે એવો જ્વલનશીલ પદાર્થ સ્ટોરેજ થતો હતો, પરંતુ આ માટે પોલીસ કે, પુરવઠા તંત્રની મંજૂરી લેવાઇ ન હોવાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો છે.
બહાર આવેલી ચોંકાવનારી વિગતો મુજબ આટલી મોટી માત્રામાં એટલે કે હજારો લીટર પેટ્રોલ કે ડીઝલનો જથ્થો આ ટીઆરપી ગેમ ઝોનના સંચાલકો પાસે આવતો'તો ક્યાંથી, કોની પાસેથી વેચાતુ લેતા હતા, પૂરવઠાનો કે પોલીસના જવાબદારોને આની કોઇ વિગતોની ખબર નથી અને જો મંજૂરી લેવાઇ હોય પૂરવઠા અને પોલીસ તંત્રે છેલ્લા ત્રણ વર્ષમાં ક્યારેય પણ કેમ ચેકીંગ ન કર્યું. આ તમામ પ્રશ્નોના જવાબો ઘોર બેદરકારી છતી કરી રહ્યા છે.
અધિકારી સૂત્રોના કહેવા મુજબ રાજકોટ કલેકટર શ્રી પ્રભવ જોષી આ સ્ટોરેજ ટાંકાની વિગતો જાણી અવાચક બની ગયા છે, તેમણે તમામ રીપોર્ટ મંગાવ્યો છે, આજે આ સ્ટોરેજ ટાંકા અંગે તપાસ કરતા અને ડીએસઓની કચેરીએ રૂબરૂ જતા તેઓ ગાંધીનગર દોડી ગયાનું બહાર આવ્યું છે, અન્ય કોઇ જવાબદારો બોલવા તૈયાર નથી.
અત્રે એ નોંધનીય છે કે, કોઇપણ એક્સપ્લોઝીલ પદાર્થના સ્ટોરેજ માટે જીલ્લામાં કલેકટર અને શહેરમાં પોલીસ કમિશનર મંજૂરી આપે છે, આમા શું થયું તે રામ જાણે, એટલું જ નહી આ ટીઆરપી ગેમઝોનના મનોરંજન કર અંગે દરેક તંત્ર ચલક ચલાણુ રમી રહ્યું છે, અનેક બાબતો ઉજાગર થઇ રહી છે. તપાસના માંચડા ગમે ત્યારે ગમે તે બાજુએ મંડાશે તે પણ હકીકત છે.
(4:17 PM IST)










