<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

કાલાવડના અર્જુનસિંહે રાજકોટમાં નશો કરી કાર હંકારી બે બાઇકને ઉલાળતાં બે ઘવાયાઃ વિજ થાંભલો બટકી ગયો

ગેમ ઝોન દૂર્ઘટનામાં ભોગ બનેલા સંબંધીને ત્‍યાં ખરખરો કરી પરત જતી વખતે મવડી ચોકડી પાસે બનાવ : એર બેગ ખુલી જતાં તેનો બચાવઃ બાઇક ચાલક ઉદયનગરના પ્રફુલભાઇને ઇજા, બીજા બાઇક ચાલકનો હાથ ભાંગી ગયો

તસ્‍વીરમાં બેકાબૂ કારે કઇ રીતે અકસ્‍માત સર્જયો તેની દ્રશ્‍યો જોઇ શકાય છે. બે બાઇકને ઉલાળી દીધા બાદ વિજ થાંભલામાં ભટકાતાં થાંભલો બટકીને જમીનદોસ્‍ત થઇ ગયો હતો. કારની એર બેગ પણ ખુલી ગઇ હતી. ઠોકરે ચડેલા પૈકીના પ્રફુલભાઇ ઢોરડા ઘટના સ્‍થળે લોહીલુહાણ દેખાય છે. મોટી સંખ્‍યામાં લોકો એકઠા થઇ ગયા હતાં.  (ફોટોઃ પ્રિન્‍સ બગથરીયા)

રાજકોટ તા. ૨૯: શહેરમાં દારૂ પીધેલી હાલતમાં બેફામ વાહન હંકારી અકસ્‍માત સર્જવાની ઘટનાઓ અગાઉ પણ બની ચુકી છે. વધુ એક આવા બનાવમાં રાત્રીના અગિયારેક વાગ્‍યે મવડી ચોકડી નજીક એક નશાખોર કારચાલક બેકાબૂ બની જતાં તેણે કારની ઠોકરે બે બાઇકને ઉલાળી દીધા હતાં અને બાદમાં ઇલેક્‍ટ્રીકના સિમેન્‍ટના થાંભલા સાથે કાર અથડાવતાં થાંભલો પણ બટકીને રોડ પર આવી ગયો હતો. આ અકસ્‍માતમાં એરબેગ ખુલી જતાં ચાલકનો બચાવ થયો હતો. તે નશો કરેલી હાલતમાં હોઇ પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી હતી. બે બાઇકચાલક પૈકી એકને ઇજા પહોંચતા સારવાર લેવી પડી હતી. સદ્દનસિબે મોટી જાનહાની થતાં અટકી હતી. બનાવને પગલે મોટી સંખ્‍યામાં લોકો એકઠા થઇ ગયા હતાં.

જાણવા મળ્‍યા મુજબ મવડી ચોકડી યોગેશ્વર ડેરી નજીક રાત્રીના એક આઇ ટ્‍વેન્‍ટી કાર નં. જીજે૨૭એએચ-૪૪૯૨ બેકાબૂ બની ગઇ હતી અને બે બાઇકચાલકને ઠોકરે ચડાવી દીધા બાદ વિજ થાંભલામાં ધડાકાભેર અથડાતાં દેકારો મચી ગયો હતો. સિમેન્‍ટનો વિજ થાંભલો બટકીને રોડ પર આવી ગયો હતો. આ કારણે ટ્રાફિક પણ જામ થઇ ગયો હતો. કારની એર બેગ ખુલી જતાં ચાલક બચી ગયો હતો.

બીજી તરફ કારની ઠોકરે એક બાઇક ચડતાં તેના ચાલક ઉદયનગર-૨ શેરી નં. ૬ મવડી ચોકડી સીટી આઇકોન એપાર્ટમેન્‍ટ બ્‍લોક નં. ૨૦૨માં રહેતાં પ્રફુલભાઇ મગનભાઇ ઢોરડા (ઉ.વ.૫૦)ને માથા શરીરે ઇજાઓ થતાં લોહીલુહાણ થઇ ગયા હતાં. તેમને તત્‍કાળ સિવિલ હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં.  બનાવની જાણ થતાં મોટી સંખ્‍યામાં લોકો એકઠા થઇ ગયા હતાં અને પોલીસ પણ પહોંચી ગઇ હતી. ચાલક ભાગે એ પહેલા પોલીસે હસ્‍તગત કરી લીધા હતાં.

આ અંગે માલવીયાનગરના એએસઆઇ કે. યુ. વાળાસહિતે ઘાયલ થયેલા પ્રફુલભાઇ ઢોરડાની ફરિયાદ પરથી કાર નં. જીજે૨૭એએચ-૪૪૯૨ના ચાલક અર્જુનસિંહ મહાવીરસિંહ ઝાલા (ઉ.વ.૨૩-રહે. ખોડિયાર પરા-૩, ધોરાજી રોડ કાલાવડ)  વિરૂધધ આઇપીસી ૨૭૯, ૩૩૭, ૩૩૮, એમવીએક્‍ટ ૧૮૪, ૧૮૫, ૧૭૭ મુજબ નશાકારક કેફી પ્રવાહી પીધેલી હાલતમાં કાર હંકારી બે બાઇકને ઠોકરે ચડાવી તેના ચાલકોને ઇજાઓ પહોંચાડવાનો ગુનો નોંધી અટકાયતની તજવીજ કરી હતી. બીજા બાઇકના ચાલક મયુરભાઇને હાથમાં ફ્રેકચર થઇ ગયાનું નોંધાયું હતું. પ્રફુલભાઇ શાપર સિક્‍યુરીટીની નોકરી કરે છે. નોકરી પુરી કરી ઘરે આવતાં હતાં ત્‍યારે આ બનાવ બન્‍યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ કારચાલક અર્જુનસિંહ ઝાલા પ્રાઇવેટ નોકરી કરે છે. તે રાજકોટ ગેમ ઝોનની આગમાં સગાનું અવસાન થયું હોઇ તેના મોઢે થવા આવ્‍યા બાદ પરત જતી વખતે આ બનાવ બન્‍યો હતો.

(11:31 AM IST)