News of Wednesday, 29th May 2024
કુલ ૩૦ શખ્સોની આગોતરા અરજી અને રેગ્યુલર જામીન અરજીને કોર્ટે ફગાવી દીધી
કોઇની મિલ્કતો પચાવી પાડતા પહેલા ચેતજો : લેન્ડગ્રેબીંગના ગુનામાં જામીન આપવા સ્પે. કોર્ટનો ઇન્કાર :છેલ્લા એક અઠવાડિયામાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા લેન્ડ ગ્રેબીંગના કાયદાને બંધારણીય માન્યતા મળ્યા બાદ જામીન - મિલ્કતો પચાવી પાડવાના : કેસમાં સ્પે. કોર્ટ દ્વારા ધડાધડ આગોતરા અરજીઓ અને રેગ્યુલર જામીન અરજીઓ રદ્દ : છેલ્લા બે દિવસમાં ૧૬ આરોપીની અરજી રદ્દ

રાજકોટ તા. ૨૯ : વર્ષ ૨૦૨૦માં ગુજરાત સરકારે લેન્ડ ગ્રેબીંગ એકટને અમલમાં મુકી જમીન પચાવી પાડનાર સેંકડો આરોપીઓની ધરપકડ કરેલ હતી જેઓએ ગુજરાત હાઈકોર્ટમાં આ કાયદાની બંધારણીય વૈધ્યતા પડકારેલ હતી જે તમામ અરજીઓ ગુજરાત હાઈકોર્ટે રદ કરી કાયદાની બંધારણીય વૈધ્યતા તા. ૦૯/૦૫/૨૦૨૪ ના રોજ માન્ય રાખેલ હતી. આથી તમામ આરોપીઓએ રાજકોટની ખાસ અદાલતમાં આગોતરા જામીન અરજીઓ તથા ત્રણ આરોપીઓએ રેગ્યુલર જામીન અરજી રજુ કરતા તમામ આરોપીઓની આગોતરા અને રેગ્યુલર જામીન અરજીઓ રદ કરવામાં આવેલ છે.
આ કેસની હકીકત એવા પ્રકારની છે કે ગુજરાતના વિવિધ શહેરોમાં ભુમાફિયાઓએ અલગ અલગ જગ્યાએ કિંમતી જમીનો અને મુલ્યવાન ફલેટો / દુકાનો ઉપર કબજો કરી લીધેલ હતો. આ ઉપરાંત જે આરોપીઓ ફલેટોમાં ભાડુત તરીકે હતા તેઓએ ભાડુ આપવાનું બંધ કરી ફલેટો / દુકાન ખાલી કરી આપવા માટે મોટી રકમોની માંગણી કરેલ હતી. આ મુજબના ગુનાઓ વધતા ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૦માં લેન્ડ ગ્રેબીંગ એકટ ઘડીને અમલમાં મુકેલ હતો. આ સમયે સેંકડો આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી. જે આરોપીઓએ જામીન અરજી રજુ કરી આ સ્થાવર મિલ્કતો મુળ માલિકને પરત સોંપેલ હતી તે આરોપીઓને રાજકોટની ખાસ અદાલતે જામીન મુકત કરેલ હતા પરંતુ અમુક રીઢા ભુમાફિયાઓએ સ્થાવર મિલ્કતો મુળ માલિકને પરત સોંપવાના બદલે ગુજરાત હાઈકોર્ટમાંથી પોલીસ તપાસ સામે સ્ટે મેળવેલ હતો.ગુજરાત હાઈકોર્ટે તા. ૦૯/૦૫/૨૦૨૪ ના રોજ આ કાયદાની બંધારણીય વૈધ્યતા માન્ય રાખી તમામ અરજીઓ રદ કરેલ હતી. આથી આ તમામ આરોપીઓએ રાજકોટની ખાસ અદાલતમાં આગોતરા જામીન અરજીઓ રજુ કરેલ તેમજ ત્રણ આરોપીઓની ધરપકડ થઈ જતા તેઓએ રેગ્યુલર જામીન અરજી રજુ કરેલ હતી.
આ તમામ અરજીઓની સુનાવણી વખતે આરોપીઓ વતી રજુઆતો કરવામાં આવેલ હતી કે તેઓએ પોતાના કબજા અંગે સિવીલ દાવો વર્ષો પહેલા દાખલ કરેલ છે તેથી આ પ્રકારની સિવીલ તકરારોનો નિર્ણય ન આવે ત્યાં સુધી તેઓ ઘુસણખોર છે તેમ કહી શકાય નહી અને તેથી તેઓને જામીન મુકત કરવા જોઈએ.
શ્રી સરકાર તરફે સ્પે.પી.પી. શ્રી એસ.કે.વોરાએ રજુઆત કરતા જણાવેલ હતુ કે લેન્ડ ગ્રેબીંગ એકટની કલમ-૧૧ મુજબ જે આરોપી સામે જમીન પચાવી પાડયાનો આરોપી હોય તેઓ પોતે નિર્દોષ છે તેમ સાબિત કરવાની જવાબદારી આરોપીની છે. કાયદાની જોગવાઈ મુજબ જયારે કલેકટરના અધ્યક્ષ સ્થાને રેવન્યુ ઓફીસરો અને પોલીસ અધિકારીની કમીટીએ નિર્ણય કરેલ હોય કે અરજદારની સ્થાવર મિલ્કતમાં આરોપીએ ઘુસણખોરી કરેલ છે ત્યારે આવા રેવન્યુ અધિકારીઓના નિર્ણયને ખાસ અદાલત જામીન અરજીના તબકકે ખટે કે ભુલ ભરેલો જણાવી શકે નહી. જે આરોપીઓ સામે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ગુનો નોંધાયેલ છે તેવા તમામ આરોપીઓ પાસે તેઓના કબજાવાળી જમીન અંગે કોઈ દસ્તાવેજી પુરાવો નથી હોતો ત્યારે જ તેઓને આ કાયદા હેઠળ આરોપી બનાવવામાં આવે છે. ખાસ અદાલત સમક્ષ જામીન અરજીઓ લઈને જે આરોપીઓ આવેલ છે તેઓ માંના કોઈપણ આરોપી પાસે કબજાવાળી સ્થાવર મિલ્કત અંગેના કોઈ કાયદેસરના દસ્તાવેજો નથી. જે આરોપીઓ પોતાને ભાડુઆત ગણાવે છે તેઓએ ઘણા વર્ષોથી મકાન માલિકને ભાડુ આપવાનું બંધ કરી દીધેલ છે. લેન્ડ ગ્રેબીંગ એકટની જોગવાઈ મુજબ જે સમયથી ભાડુઆત ભાડુ ન આપે ત્યારથી તેઓને ઘુસણખોર ગણવામાં આવે છે. આ મુજબના કોઈપણ આરોપીઓએ મકાન માલિકને ચડત ભાડુ આપવાની સ્વેચ્છા પણ બતાવેલ નથી તેમજ જેઓ ભાડુત નથી તે આરોપીઓએ પોતાના કબજાવાળી સ્થાવર મિલ્કતનો કબજો મુળ માલિકને પરત સોંપી આપવાની સ્વેચ્છા પણ દર્શાવેલ નથી તે તમામ આરોપીઓની જામીન અરજીઓ રદ થવા પાત્ર છે.
આ મુજબની સરકારશ્રી તરફેની રજુઆતના અંતે ખાસ અદાલતના જજ શ્રી જે.ડી. સુથારએ રમેશભાઈ પાનસુરીયા, અલ્પાબેન સાવલીયા, ચંદુભાઈ સાવલીયા, લલીતાબેન કલોલા, જગદીશભાઈ ચકુભાઈ, નારણભાઈ પાંભર, જયેશભાઈ શુકલા, જેન્તીભાઈ ફચારા, મમતાબેન ઠાકર, પ્રમોદભાઈ રાવલ, મુકેશભાઈ ઉમરાણીયા, ધર્મિષ્ઠાબેન ઉમરાણીયા, ભુષણભાઈ જોગી, દિપાલીબેન જોષી, બાવાભાઈ બાંભવા, મિલન ભરવાડ ની આગોતરા તથા રેગ્યુલર જામીન અરજીઓ રદ કરેલ છે.
આ તમામ આરોપીઓ સામેના કેસોમાં લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળના સ્પે.પી.પી. શ્રી સંજયભાઈ કે. વોરા રોકાયેલ હતા.
(1:20 PM IST)










