News of Wednesday, 29th May 2024
ગેરકાયદે ડોમ - ફાયર સેફટી વગરની શાળાઓ સામે કાર્યવાહી કરવા NSUIની ૪૮ કલાકની મુદત
જો સરકાર આ અંગે કાર્યવાહી નહી કરે તો હલ્લાબોલ કરવામાં આવશે : પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી

રાજકોટ તા. ૨૯ : રાજકોટમાં ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડ બાદ હવે વાલીઓ ખૂબ ચિંતિત થયા છે ત્યારે શાળાઓના ગેરકાયદે ડોમ - ફાયર સેફટી વગરની શાળાઓ સામે કડક પગલાની માંગણી NSUIએ કરી હલ્લાબોલની ચિમકી ઉચ્ચારી છે.
NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું છે કે, તાજેતરમાં રાજકોટમાં આગકાંડની ગોઝારી ઘટના બન્યા બાદ તંત્રની આંખ ખુલ્લી હોય તેવું થયુ છે. નજીકના ભૂતકાળમાં જ ગુજરાત રાજયમાં સુરત શહેરમાં ટ્યુશન કલાસીસમાં આગ અકસ્માત બનેલો છે તેમજ રાજકોટની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં પણ આગનો બનાવ ભૂતકાળમાં બનેલો હતો. ત્યારે પણ સરકારને ગુજરાત પ્રદેશ NSUI દ્વારા સમગ્ર ગુજરાતમાં આવેદન પત્રો અને સરકારને રજૂઆત કરવામાં આવેલ પણ સરકાર દ્વારા થોડા દિવસોમાં આ વાતને ભૂલીને રાબેતા મુજબ જે સંસ્થાઓ છે જેને બંધ કરવાની જગ્યાએ ચાલુ રહેવા દીધી હતી. ત્યારે જો સરકારે કડક વલણ રાખી ત્વરિત કાયદાકીય રીતે એક્શન લેવામાં આવી હોત તો રાજકોટમાં જે ટીઆરપી ગેમમાં જે ગંભીર આગની ઘટના આગકાંડ થયો છે અને ૩૦થી વધારે લોકોના જીવ ગયા છે એ કદાચ બચી ગયા હોત.
NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું કે, આ અંગે NSUI રજૂઆત કરીએ છીએ કે ગુજરાત રાજયના તમામ શહેરોમાં સ્કૂલ, કોલેજ, પ્રિ-સ્કૂલ, હોસ્પિટલ, ખાનગી બિલ્ડીંગ વગેરે જેવી જગ્યાએ આવા અનઅધિકૃત ડોમ ઊભા કરીને અલગ અલગ નામે સંસ્થાઓ દ્વારા પોતાના ધંધા રોજગાર માટે લોકોના જીવન જોખમમાં મૂકી ચલાવે છે. રાજકોટની ઘણી બધી સ્કૂલો-કોલેજોમાં ફાયર સેફટીના નિયમોનો ઉલાળીયો કરે છે અને નાના નાના વિદ્યાર્થીઓ જીવનની સાથે ચેડા કરે છે. ભૂતકાળના સુરત જેવી ટ્યુશન કલાસીસમાં આગ લાગવા થી ઘણા બધા માસુમ બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને રાજકોટમાં આગકાંડમાં પણ ઘણા બધા માસુમોના જીવ ગયા. આ રજૂઆતને ધ્યાને લઈને ગુજરાત પ્રદેશ NSUI દ્વારા તંત્ર તેમજ સરકારને ૪૮ કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવે છે જો ૪૮ કલાક બાદ પણ આ અનઅધિકૃત બાંધકામ તેમજ ફાયર સેફટી વગરની સંસ્થાઓ પર કોઈ કાર્યવાડી કરવામાં નહીં આવે તો NSUI દ્વારા ગુજરાતના તમામ શહેર ની સ્કૂલો, કોલેજો, ટયુશનમાં ક્લાસીસમાં સરપ્રાઈઝ વિઝીટ કરીને જે સ્કૂલમાં ફાયર સેફટી નો અભાવ હશે ત્યાં હલ્લાબોલ કરવામાં આવશે. જેની સરકારે ગંભીરતાથી નોંધ લે. તેમ અંતમાં ગુજરાત પ્રદેશ NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું છે.
(4:00 PM IST)










