News of Wednesday, 29th May 2024
ટીઆરપી ગેમ ઝોનમાં એન્ટ્રી ફી રૂ. ૨૦ તથા મીનીમમ ૫૦ અને મહતમ ૨૫૦ વસૂલાશે તેવી બાહેંધરી આપી'તી
પોલીસ કમિશનર કચેરી ખાતેથી માત્ર બુકિંગ લાયસન્સ જ આપવામાં આવ્યુ હતું

રાજકોટ,તા. ૨૯: ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં ૨૭ જેટલા વ્યક્તિઓના મૃત્યુ થયા હોવાની ઘટના સામે આવી છે. જે પૈકી અત્યાર સુધીમાં ૨૫ જેટલા મૃતદેહોને તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે. ત્યારે કેટલાક મહત્વના પુરાવા પણ હાથે લાગ્યા છે. જે પુરાવામાં સામે આવ્યુ છે કે, રાજકોટ શહેર પોલીસ કમિશનરની કચેરી ખાતેથી જે બુકિંગ લાયસન્સ આપવામાં આવ્યું હતું. જે કોપીમાં રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતેથી રાજકોટ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર, રાજકોટ શહેર માર્ગ મકાન વિભાગ કાર્યપાલક ઇજનેર તેમજ સંયુક્ત રાજય વેરા કમિશનર જીએસટી વિભાગને પણ નકલ રવાના કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, બનાવના દિવસથી રાજકોટ મહાનગરપાલિકાનું ફાયર વિભાગ એક જ વાત કહી રહ્યું છે કે, ટીઆરપી ગેમ ઝોન દ્વારા અમારી પાસેથી કોઈપણ પ્રકારની મંજૂરી મેળવવામાં નથી આવી. મંજૂરી મેળવવા બાબતે અમારા વિભાગમાં અરજી કરવામાં નથી આવી. પરંતુ રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતેથી જે બુકિંગ લાયસન્સ આપવામાં આવ્યું હતું. તેની કોપી ચીફ ફાયર ઓફિસર રાજકોટ મહાનગરપાલિકા તેમજ રાજકોટ શહેર માર્ગ મકાન વિભાગ કાર્યપાલક ઇજનેરને મોકલવામાં આવી હતી.
આમ બંને અધિકારીઓને ખબર હતી કે, રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક એમ્યુઝમેન્ટ પાર્ક શરૂ થવા જઈ રહ્યું છે. જે પેઢીનું નામ રેસ વે એન્ટરપ્રાઇઝ છે. તેમજ તેના અરજદારકર્તા યુવરાજસિંહ સોલંકી છે. આમ જાણ હોવા છતાં બંને અધિકારીઓ દ્વારા પોતાના તાબા હેઠળ આવતા નીચેના અધિકારી ઉપર દોષનો ટોપલો ઢોળી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે.
ઉલ્લેખનીય છે કે, બુકિંગ ઝોનનું લાયસન્સ આપતા સમયે એન્ટ્રી ફી માત્ર ૨૦ રૂપિયા દર્શાવવામાં આવી હતી. તેમજ જુદી જુદી એક્ટિવિટીના મિનિમમ ચાર્જિસ રૂપિયા ૫૦ વસૂલવામાં આવશે. જયારે કે મહત્તમ ૨૫૦ રૂપિયા વસૂલવામાં આવશે તે પ્રકારની બાહેંધરી પણ યુવરાજસિંહ સોલંકી દ્વારા આપવામાં આવી હતી.
(4:00 PM IST)










