તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Wednesday, 29th May 2024
રાજકોટની અનેક સ્કૂલો-કોલેજો ફાયર સેફટીના નિયમોનો ઉલાળીયો કરે છેઃ NSUIનું ૪૮ કલાકનું અલ્ટીમેટમઃ તો હલ્લાબોલ કરાશે
જીલ્લા શિક્ષણાધીકારીને રજૂઆતો કરી તો કીધું આ કામ મારૂં નથીઃ કલેકટર કરશેઃ લોકોમાં ફાટી નીકળેલો રોષ... :૪૮ કલાકમાં કલેકટર કે શિક્ષણાધીકારી આવા માંચડા દૂર નહિ કરે તો અમે તોડી પાડીશું: મુખ્યમંત્રીને સંબોધી આવેદન

રાજકોટ તા. ર૯: એનએસયુઆઇના રાજકોટ એકમે મુખ્યમંત્રીને સંબોધી કલેકટરને આવેદનપત્ર પાઠવી અનઅધિકૃત ડોમ દ્વારા શરૂ સંસ્થાઓ તેમજ ફાયર સેફટી વગર ચાલતી સંસ્થાઓ બાબતે રજૂઆતો કરી હતી. તેમજ કલેકટર કે શિક્ષણ તંત્ર ૪૮ કલાકમાં નહીં હટાવે તો NSUI હટાવશે તેવી ચેતવણી પણ આપી હતી.
આવેદનમાં ઉમેર્યું હતું કે, નજીકના ભૂતકાળમાં જ ગુજરાત રાજયમાં સુરત શહેરમાં ટયુશન કલાસીસમાં આગ અકસ્માત બનેલો છે તેમજ રાજકોટની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ આવો આગનો બનાવ ભૂતકાળમાં બનેલો હતો. ત્યારે પણ સરકારને ગુજરાત પ્રદેશ NSUI દ્વારા સમગ્ર ગુજરાતમાં આવેદન પત્રો અને સરકારને રજૂઆત કરવામાં આવેલ પણ સરકાર દ્વારા થોડા દિવસોમાં આ વાતને ભૂલીને રાબેતા મુજબ જે સંસ્થાઓ છે જેને બંધ કરવાની જગ્યાએ ચાલુ રહેવા દીધી હતી. ત્યારે જો સરકારે કડક વલણ રાખી ત્વરિત કાયદાકીય રીતે એકશન લેવામાં આવી હોત તો રાજકોટમાં જે TRP ગેમમાં જે ગંભીર આગની ઘટના આગકાંડ થયો છે અને ૩૦ થી વધારે લોકોના જીવ ગયા છે એ કદાચ બચી ગયા હોત.
આ અંગે અમે આપને રજુઆત કરીએ છીએ કે ગુજરાત રાજયના તમામ શહેરોમાં સ્કૂલ, કોલેજ, પ્રિ-સ્કૂલ, હોસ્પિટલ, ખાનગી બિલ્ડીંગ વગેરે જેવી જગ્યાએ આવા અનઅધિકૃત ડોમ ઉભા કરીને અલગ અલગ નામે સંસ્થાઓ દ્વારા પોતાના ધંધા રોજગાર માટે લોકોના જીવન જોખમમાં મૂકી ચલાવે છે. રાજકોટની ઘણી બધી સ્કૂલો-કોલેજોમાં ફાયર સેફટીના નિયમોનો ઉલાળીયો કરે છે અને નાના નાના વિદ્યાર્થીઓ જીવનની સાથે ચેડા કરે છે. ભૂતકાળના સુરત જેવી ટયુશન કલાસીસમાં આગ લાગવાથી ઘણા બધા માસુમ બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને રાજકોટમાં આગકાંડમાં પણ ઘણા બધા માસુમોના જીવ ગયા. આ રજૂઆતને ધ્યાને લઇ ગુજરાત પ્રદેશ NSUI દ્વારા તંત્ર તેમજ સરકારને ૪૮ કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવે છે. જો ૪૮ કલાક બાદ પણ આ અનઅધિકૃત બાંધકામ તેમજ ફાયર સેફટી વગરની સંસ્થાઓ પર કોઇ કાર્યવાહી કરવામાં નહિં આવે તો NSUI દ્વારા ગુજરાતના તમામ શહેરની સ્કૂલો, કોલેજો ટયુશનમાં કલાસીસમાં સરપ્રાઇઝ વિઝીટ કરીને જે સ્કૂલમાં ફાયર સેફટીનો અભાવ હશે ત્યા઼ હલ્લાબોલ કરવામાં આવશે.
આવેદનમાં જણાવેલ કે અમે જીલ્લા શિક્ષણાધીકારીને રજૂઆતો કરી તો તેમણે જવાબ આપેલ કે આ કામ મારૂ નથી, કલેકટર કરશે, આવા જવાબોથી લોકોમાં પ્રચંડ રોષ છે, આવેદન દેવામાં પ્રમુખ નરેન્દ્ર સોલંકી તથા અન્યો જોડાયા હતા.
(3:16 PM IST)










