News of Wednesday, 29th May 2024
તા. ૧ થી ૮ જીવન વિદ્યા પરિચય શિબિર
અમરકંટકના સોમદેવ ત્યાગીજી રાજકોટ આવશે : જીવનને આનંદમય, પ્રસન્ન, સ્વસ્થ અને પ્રેરક બનાવવાના પ્રયોગો રજૂ થશે : નિઃશુલ્ક શિબિરનું રજિસ્ટ્રેશન શરૂ

જીવન વિદ્યા શિબિરની માહિતી આપતા ચેતનાબેન ઝાલા તથા બંસી ઠક્કર નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
જીવન વિદ્યા એ માનવજીવનના આધ્યાત્મિક, બૌદ્ધિક, સામાજિક, ભૌતિક એમ દરેક આયામોને સ્પર્શતું તત્વજ્ઞાન છે. જે વ્યવહારિક, તાર્કિક, ભાષા શૈલી દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવે છે. જીવન વિદ્યા શિબિરમાં વ્યક્તિ, પરિવાર, રાષ્ટ્ર, આંતરરાષ્ટ્ર સહિતના મુદ્દાઓની ચર્ચાઓ થતી હોય છે. આ મુદ્દાઓ પ્રસ્તાવ ના માધ્યમથી લોકો સમક્ષ મુકવામાં આવે છે અને તેની વિષય વસ્તુ સાર્વભૌમિક હોવાથી શિબિરમાં ભાગ લેતા દરેક વર્ગને સરખી રીતે સ્વીકાર્ય બને છે. જીવન વિદ્યા શિબિર કોઈ ઉપદેશ કે વ્યાખ્યાનનો કાર્યક્રમ નહીં પરંતુ વસુધૈવ કુટુંબ MNL ને સાકાર કરવા માટેનું એક પગથિયું છે. જીવન વિદ્યા એ માનવથી લઈને સમગ્ર માનવજાતિ સુધી નિરંતર અને સુખપૂર્વક જીવવાનો પ્રસ્તાવ છે. મનુષ્ય પોતાના જીવનમાં કોઈ ગુણાત્મક પરિવર્તન પ્રાપ્ત કરી શકે, વ્યક્તિ, પરિવાર અને સમાજમાં શાંતિથી અને સંબંધ પૂર્વક જીવી શકે, સમાજમાં સામાજિક કે આર્થિક રૂપે નિર્ભયતા પ્રાપ્ત કરી શકે તેમજ આ બધા કારણોથી પ્રકળતિમાં પણ સંતુલન સ્થપાય તે એકમાત્ર જીવન વિદ્યાનો ઉદેશ્ય છે. તેમજ ચેતના વિકાસ મૂલ્ય શિક્ષાના નામથી જીવનવિદ્યાના ભારતભરની શૈક્ષણિક સંસ્થાઓમાં ઘણા પ્રયોગ ચાલે છે. આ શિબિર રાજકોટની આત્મીય યુનિવર્સિટીમાં યોજાવા જઇ રહી છે, ત્યારે દિવ્યપથ સંસ્થાન, અમરકંટક તરફથી સોમદેવ ત્યાગીજી આ શિબિરનું પ્રબોધન કરશે. તેઓ છેલ્લા બે દાયકાથી મધ્યસ્થ દર્શનનાં વિદ્યાર્થી અને સાધક છે. તેમણે સમગ્ર દેશમાં ૨૦૦ થી પણ વધારે ૭ દિવસીય શિબિર કરેલી છે. તેઓએ એન્જીનીયરીંગ નો અભ્યાસ કરેલ છે તેમજ TATA NELCO જેવી MNC કંપની સાથે કામ કરેલ છે. તેમજ આત્મિય યુનિવર્સિટી તરફથી CVMS Cell નાં સભ્યો આ સમગ્ર શિબિરનું સંચાલન કરશે.
આ શિબિરનો લાભ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, ડોકટર, વકીલ, સી.એ. વગેરે બધા જ લઈ શકે છે તેમજ નવી એજ્યુકેશન પોલિસીમાં શિક્ષકોને ફેકલ્ટી ડેવલોપમેન્ટમાં પણ આ શિબિર ઘણી ઉપયોગી થઈ શકે છે તો તારીખ ૧ થી ૮ જૂન દરમિયાન આત્મીય યુનિવર્સિટીનાં સ્ટેપ ઓડીટોરીયમમાં જીવન વિદ્યા શિબિર નિઃશુલ્ક યોજવા જઈ રહી છે. જેનો સમય સવારે ૯ થી સાંજે ૬ વાગ્યા દરમિયાન રહેશે. આ શિબિરમાં જોડાવા ઇચ્છુક માટે વહેલી તકે ૮૪૬૦૦૧૩૭૮૫ / ૯૮૭૯૩૭૨૨૬૯ રજીસ્ટ્રેશન થઇ શકે છે.
(3:56 PM IST)










