<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

રાજકોટ મ્યુ. કોર્પોરેશન સુપરસીડ કરો : વિદ્યાનસભાના બેજવાબદાર ધારાસભ્યને બરતરફ કરો : આપ

TRP ગેમ ઝોન દૂર્ઘટના મામલે કલેકટરને આવેદન : ''અકિલા'' કાર્યાલય ખાતે વિવિધ બાબતો જણાવી

આપના આગેવાનોએ ''અકિલા'' કાર્યાલય ખાતે TRP ગેમ ઝોન દૂર્ઘટના અંગે વિગતો જણાવી હતી તે નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ર૯ : આમ આદમી પાર્ટીએ રાજયના અગ્ર સચિવને સંબોધી કલેકટરને આવેદન પત્ર પાઠવી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સુપરસીડ કરવા તેમજ વિધાનસભાને બે જવાબદાર ધારાસભ્યને બરતરફ કરવા માંગણી કરી છે, આગેવાનો ''અકિલા'' કાર્યાલય ખાતે આવી વિગતો જણાવી હતી. આગેવાનોએ જણાવ્યું હતું કે ટી.આર.પી. અગ્નીકાંડની તપાસ કરતી SIT દ્વારા પ્રાથમિક તપાસ કરતા સાતેક અધિકારીઓને સસ્પેન્ડ કરેલ છે અને ઉચ્ચ અધિકારીઓની બદલી કરેલ છે જેથી સાબિત થાય છે કે અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા કામગીરીમાં બેદરકારી થયેલ છે. તેમજ આ અધિકારીઓ ઉપર સંચાલન દેખરેખ તેમજ પ્રજા દ્વારા ચુંટાયેલા પદાધિકારીઓની હોય છે. તેઓ પણ આ તમામ કામગીરી બનાવવામાં નિષ્ફળ રહે છે.

ગુજરાત મ્યુનિસિપાલિટી અધિનિયમ ૧૯૬૩ ના પારા નં. ૫૪ મુજબ તમામ સ્તરે નિષ્ફળ ગયેલી નગર પાલીકાઓને સુપરસીડ કરેલ છે. તાજેતરમાં પણ મોરબી નગરપાલિકાને આપ દ્વારા સુપરસીડ કરવામાં આવેલ એ જ રીતે  બોમ્બે એકટ મુજબ રાજકોટ મહાનગરપાલિકાને સુપરસીડ કરીને પગલા ભરી નમૂનારૂપ દાખલો બેસાડવા યોગ્ય કરશો.

આ સાથે ટી.આર.પી. ગેમઝોન માં અધિકારીઓ તેમજ પદાધિકારીઓ દ્વારા દાખવેલ બેદરકારી એનેક્ષર સામેલ  છે. જે બાબતો ઉપર ધ્યાન આપી ને વહેલી તકે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને તાત્કાલીક ધોરણે સુપરસીડ કરવાની માંગ છે. અને વિધાનસભાના બે જવાબદાર ધારાસભ્યને હોદા પરથી બરતરફ કરવા ઉપર વિચાર કરી યોગ્ય પગલા લેશો. અન્યથા અમારે વધુ ન્યાય માટે ઉચ્ચ ન્યાયાલયમાં દાદ માંગવાની ફરજ પડશે જે આપ સાહેબને વિદિત થાય.

અકિલા કાર્યાલય ખાતે આપના દિનેશભાઇ જોષી (પ્રમુખ) તથા ડાયાભાઇ શેઠીયા, રાજયબેન ગઢવી, શીતલબેન ગોહેલ, સહદેવસિંહ સરવૈયા, અલ્તાફભાઇ રાઉમા, દિનેશભાઇ પટેલ, શુભમ જોષી વિગેરેએ વિગતો આપી હતી.

આગેવાનોએ અનેક મહત્વના મુદ્દાઓ અંગે કોર્પોરેશન, ફાયર બ્રિગેડ, પોલીસ તંત્ર, પુરવઠા તંત્ર અને તેમના જવાબદાર અધિકારીઓ સામે સખ્ત કાર્યવાહી કરવા માંગણી કરી હતી.

(4:30 PM IST)