News of Wednesday, 29th May 2024
ગેમ ઝોનના કુલ ૬ કર્મચારીઓના ગોઝારી આગમાં જીવ ગયાઃ આંબેડકરનગરનો કલ્પેશ ૯ માસથી નોકરી કરતો'તો
૧૫૦ ફુટ રીંગ રોડ પર આંબેડકરનગરમાં પરિવાર સાથે રહેતો ૨૦ વર્ષનો કલ્પેશ બગડા પરિવારનો આધાર અને બે ભાઇ અને એક બહેનમાં નાનો હતોઃ મુળ વતન રબારીકા ખાતે અંતિમવિધી

રાજકોટ તા. ૨૯: મોકાજી સર્કલ પાસે આવેલા ટીઆરપી ગેમ ઝોનની આગ ૨૭ લોકોનો ભોગ લઇ ચુકી છે. જેમાંથી ૨૫ હતભાગીઓના મૃતદેહના ડીએનએ મેચ થઇ જતાં મૃતદેહની ઓળખ થઇ જતાં તેમના સ્વજનોને સોંપાઇ ગયા છે. આ ગેમ ઝોનની ગોઝારી આગમાં ગેમ રમવા અને હરવાફરવા આવેલા લોકોની સાથે ગેમ ઝોનના કર્મચારીઓ પણ ભોગ બન્યા છે. તો મુખ્ય ભાગીદાર પણ આગમાં સ્વાહા થઇ ગયાનું જાહેર થયું છે. અગાઉ પાંચ કર્મચારીઓના મૃત્યુની વિગતો જાહેર થઇ હતી. વધુ એક છઠ્ઠા કર્મચારી પણ ભોગ બન્યા છે. મુળ ભાવનગર પંથકના રબારીકા ગામનો કલ્પેશભાઇ પ્રવિણભાઇ બગડા (ઉ.વ.૨૦) પણ ગેમ ઝોનનો કર્મચારી હતો. તે નવેક મહિનાથી અહિ નોકરી કરતો હતો.
કલ્પેશભાઇ બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો. તેના ભાઇના ડીએનએ સેમ્પલ મેચ થતાં ગઇકાલે મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. કલ્પેશ તેના પરિવારજનો સાથે કેટલાક સમયથી રાજકોટ ૧૫૦ ફુટ રીંગ રોડ પર આંબેડકરનગરમાં રહેતો હતો. તેનો ગેમ ઝોનમાં નોકરીનો સમય સવારે દસથી રાતના દસ સુધીનો હતો. પરિવારજનોને આશા હતી કે કલ્પેશ બહાર નીકળી ગયો હતો અને બચી ગયો હતો. પરંતુ રવિવાર સુધી તેનો પત્તો ન મળતાં ડીએનએ સેમ્પલ અપાયા હતાં. ગઇકાલે કલ્પેશભાઇનો મૃતદેહ સોંપતા સ્વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં. અંતિમવિધી વતન રબારીકા ગામે કરવામાં આવી હતી.
ઉલ્લેખનિય છે કે ગેમ ઝોનના પાંચ કર્મચારી વિરપુરના જીજ્ઞેશભાઇ કાળુભાઇ ગઢવી, રાજકોટ એરપોર્ટ પાસે રહેતાં સુનિલભાઇ હસમુખભાઇ સિધ્ધપુરા, નરસંગપરાના વિશ્વરાજસિંહ જસુભા જાડેજા, નાના મવા સર્કલ આવાસ કવાર્ટરના આશાબેન ચંદુભાઇ કાથડના મૃતદેહની ઓળખ થયા બાદ તેમના સ્વજનોને સોંપાયા હતાં. ભોગ બનનાર છઠ્ઠા કર્મચારી કલ્પેશભાઇ બગડા છે. બીજી તરફ આ ગેમ ઝોનના મુખ્ય ભાગીદાર પ્રકાશ કનૈયાલાલ હીરનનું પણ આગ ઓલવતી વખતે આગમાં આવી જવાથી મોત થયું છે. આમ ગેમ ઝોનની આગ અનેક પરિવારોના માળા વેરવિખેર કરી ગઇ છે.
(4:59 PM IST)










