News of Wednesday, 29th May 2024
ફાયર એન.ઓ.સી. ન હોય તો શાળા-કોલેજો-મોલ, હોસ્પિટલ, થિયેટર, વગેરે સીલ
ગેમઝોનનાં અગ્નિકાંડ પગલે કોર્પોરેશન સઘન ચેકીંગ : નવા કમિશનર ડી.પી. દેસાઇ આકાર પાણીએ આજે બપોર પછી તમામ ૧૮ વોર્ડમાં ચેકીંગ ટુકડીયો ત્રાટકશે : મહાનગરપાલિકામાં બેઠકોનો ધમધમાટ : ૧૦ દિ' માં કામગીરી કરવા આદેશ પુર્ણ

રાજકોટ ,તા.૨૯ : ગેમ ઝોનનાં અગ્નિકાંડના પગલે કોર્પોરેશન દ્વારા સઘન ચેકીંગ હાથ ધરી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ હોસ્પિટલ, બિલ્ડીંગ, ટયુશન કલાસીસ, મોલ અને શોપિંગ કોમ્પલેક્ષ, કોમ્યુનીટી હોલ, ઓડીટોરિયમ, સિનેમા હોલ, વોટર પાર્ક તથા અન્ય જાહેર સ્થળ તથા જ્યાં પબ્લિક એકત્ર થતી હોય તે વિસ્તારની ફાયર સેફટીની ચકાસણી કરવા માટે નવા મ્યુનિ. કમિશનર દેવાંગ દેસાઈ દ્વારા કડક સુચના આપી છે. અને આજ બપોરથી ચેકીંગ કરવા ટીમોને આદેશ આપ્યા છે. આજે મ્યુનિ. કમિશનરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ વોર્ડ કમિટીના સભ્યોની બેઠકમાં નાયબ કમિશનરો સ્વપ્નિલ ખરે, ચેતન નંદાણી અને હર્ષદ પટેલ, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બી. જે. ઠેબા, તમામ વોર્ડ ઓફિસરો, આસી. એન્જિનિયરો, એ.એ.ઈ.ઓ, ફાયર વિભાગના સ્ટેશન ઓફિસરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
મ્યુનિ. કમિશનર દેવાંગ દેસાઈએ આ બેઠક અંગે જણાવ્યું હતું કે, ઝૂંબેશના રૂપમાં હાથ ધરાયેલ આ કામગીરીમાં હોસ્પિટલ, ટ્યુશન કલાસીસ, મોલ, અને શોપીંગ કોમ્પ્લેક્ષ, કોમ્યુનીટી હોલ, ઓડીટોરિયમ, સિનેમા હોલ, સ્કુલ કોલેજ તથા અન્ય જાહેર સ્થળો કે જ્યાં પબ્લિક ભેગી થતી હોય ત્યાં ચેકિંગ કરવામાં આવશે. જે સ્થળોએ ફાયર એન.ઓ.સી. અને બિલ્ડીંગ યુઝ પરમિશન નહીં હોય તે સ્થળોને સીલ કરવામાં આવશે. આ કામગીરી ગુજરાત લાઇફ સેફટી અને મેઝર્સ એકટ-૨૦૧૩ અને તે હેઠળ નિયમો-૨૦૧૪ તેમજ ફાયર સેફટી રેગ્યુલેશન-૨૦૨૩ તથા ગુજરાત ટાઉન પ્લાનીંગ એકટ-૧૯૭૬ મુજબ કરવામાં આવનાર છે. નિયમ પ્રમાણેની FIRE NOC અને BU પરમીશન ના ધરાવતી બિલ્ડીંગોની વીજળી કનેકશન કાપવા તથા સીલીંગ કરવામાં આવશે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હાથ ધરવામાં આવેલી આ ઝૂંબેશ દરમ્યાન વોર્ડ કમિટીના સભ્યો દ્વારા વિવિધ બાબતોની ચકાસણી કરવામાં આવનાર છે, જેમાં ફાયર ડીટેકશન સીસ્ટમ અને આલારામ સીસ્ટમ છે કે નહી ? ફાયર હાઇડ્રન્ટ સીસ્ટમ છે કે નહી ? ઈમરજન્સી એકઝીટ અને સીડી છે કે નહી ? ઈમરજન્સી લાઇટીંગ અને સાઇનેજીસ છે કે નહી ? સ્ટાફને તાલીમ આપેલ છે કે નહી ? તેની છેલ્લી તારીખ ? ફાયર ફાઇટીંગ સીસ્ટમ મેઇન્ટેન્સ થાય છે કે નહી ? બિલ્ડીંગમાં ફાયર ફાઇટીંગ વાહન આવી શકે તેમ છે કે નહી ? એસેમ્બલી પોઇન્ટ છે કે નહી ? જેવી બાબતોનો સમાવેશ થાય છે.
(5:03 PM IST)










