<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

રાજકોટના કોન્સ્ટેબલએ નાનકડી બાળકીનું ચક્ષુદાન કરી સમાજને નવી રાહ ચીંધી

દીકરીને કિડની અને લીવરની તકલીફ થઈ હતીઃકન્યાદાન કરવાનું સપનું રહ્યું અધૂરું, પિતાએ દીકરી આયલબાની યાદમાં કર્યું અનમોલ દાન

 

 

રાજકોટ, તા.૨૯

રાજકોટના રહેવાસી રઘુવીરદાન ગઢવીના ઘરે આજથી છ માસ પહેલા દીકરી આયલબા રઘુવીરદાન ઈશરાણી  નો જન્મ થયો હતો. દીકરી આયલબાને અઠવાડિયા પહેલાં કિડની અને લીવરની તકલીફ થઈ હતી. તેને અમદાવાદ કિડની હોસ્પિટલ સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.સારવાર દરમિયાન ડૉક્ટરો દ્વારા જરૃરી રિપોર્ટ કરી, નિદાન કરવામાં આવતા, દીકરી આયલબાની બંને કિડની કામ કરતી ન હોય અને આગળ વધુ સારવાર કારગર નીવડે એમ ન હોય, જેથી હોસ્પિટલ ખાતેથી રજા આપી દેવામાં આવી હતી. પરંતુ પરીવાર દ્વારા આયલબાને રાજકોટ કોઠારીયા નાકા ખાતે આવેલ દશા શ્રીમાળી હોસ્પિટલ ખાતે દાખલ કરી તેની વધુ સારવાર ચાલુ રાખવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તારીખ ૨૭ મે ના રોજ વહેલી સવારે ડોક્ટર દ્વારા દીકરીને મૃત જાહેર કરવામાં આવી હતી.

ગઢવી પરિવારની વ્હાલસોયી દીકરી આયલબાનું અવસાન થતા પરીવાર દ્વારા આયલબાના અંગોનું દાન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ડોક્ટર પાસે ઈચ્છા વ્યક્ત કરતા, ડોકટર દ્વારા દીકરીની બંને આંખો ડોનેટ કરી શકાય તેવું ટીમ દ્વારા જણાવવામાં આવ્યું હતું. જે બાદ કોઈ પણ પ્રકારનો વિલંબ કર્યા વગર પરીવાર દ્વારા દીકરીની બંને આંખ ડોનેટ કરવામાં આવી હતી.આ બાબતે જી.ટી.શેઠ આંખની સિવિલ હોસ્પિટલ નો સંપર્ક કરી, રાત્રિ દરમિયાન ડોક્ટર ની ટીમ દ્વારા આંખની જરૃરી કાર્યવાહી કરી.માત્ર છ માસની દીકરી આયલબાની બંને આંખ ડોનેટ કરવામાં આવી હતી. આયલબાના પિતા રઘુવીર દાન ગઢવી રાજકોટ શહેર પોલીસ ખાતે ફરજ બજાવે છે. પોતાની પુત્રીની આંખ ડોનેટ કરી, ખરા અર્થમાં સમાજ સેવક અને પ્રજા સેવક તરીકે સમાજ ને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.બીજાને કોઈ બાળકને અંધાપો દૂર કરી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરી ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે. પોલીસ કોન્સ. રઘુવીર દાન ગઢવીની સેવાકીય ભાવનાની પોલીસ અધિકારીઓ દ્વારા બિરદાવવામાં આવી હતી. અને દીકરીના આત્માને માં ભગવતી શાંતિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

(9:06 PM IST)