News of Thursday, 30th May 2024
મેદનીવાળી જગ્યાએ અગ્નિશમન સુવિધા છે કે નહિ? તપાસમાં તલાટીઓને ત્વરિત દોડાવતી જિલ્લા પંચાયત
રાજકોટના ગ્રામીણ ક્ષેત્રમાં જોખમ હોય તો નિવારવા કાર્યવાહી

રાજકોટ તા. ૩૦: શહેરમાં નાના મવા રોડ પાસે ગેમ ઝોનમાં બનેલી આગની દુર્ઘટનાના પગલે રાજયભરમાં ફાયર સેફટી માટે ઝુંબેશ શરૂ થઇ છે. જિલ્લા પંચાયતના ગ્રામીણ ક્ષેત્રમાં આવતા વિસ્તારોમાં આગ બુઝાવવાની સુવિધા અંગે તપાસ કરવા માટે જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવહાણએ તમામ તલાટીઓને સૂચના આપી છે. તલાટીઓએ તાત્કાલિક તપાસ કરી આવતી મીટીંગમાં અહેવાલ આપવાનો રહેશે. શહેરી વિસ્તારની નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ તપાસ કરવા જણાવાયું છે.
જિલ્લા પંચાયતના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તારો કે જયાં નિયમિત અથવા અવારનવાર મોટી જનમેદની એકઠી થતી હોય તેવા ધાર્મિક સ્થળો, મનોરંજનના સ્થળો, વ્યવસાયના સ્થળો વગેરેએ આગ લાગે તો બુઝાવવાની અને સંભવિત અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવાની શું વ્યવસ્થા છે? વગેરે બાબતો ચકાસવા તલાટીઓને સૂચના આપવામાં આવી છે. તલાટીઓના અહેવાલના આધારે પંચાયત દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાશે.
બે દિવસ પહેલા જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવીણાબેન રંગાણી અને સભ્યોએ જિલ્લા વિકાસ અધિકારી શ્રી નવનાથ ગવહાણ સાથે અનૌપચારિક બેઠક યોજેલ. જેમાં શાળાઓ, આંગણવાડી વગેરેના જર્જરિત મકાનો તેમજ ફાયર સેફટીના સાધનો વગેરેની તપાસ કરવા સૂચન કર્યું હતું.
રાજકોટ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ આજે શાખા અધિકારીઓ અને ટીડીઓ જોગ પત્ર પાઠવી જણાવ્યું છે કે, જિલ્લા પંચાયત રાજકોટની તમામ તાબાની કચેરીઓમાં વીજળીકરણ અને ગેઝેટની સંપૂર્ણ તપાસ કરવી અને તાબાની તમામ કચેરીમાં કોઇ પણ ઇલેકટ્રીક સાધનો કે ઇલેકટ્રીક વાયરો ખુલ્લા ન રહે તેમજ શોર્ટસર્કિટ ન થાય તેની ચકાસણી કરવી તેમજ તમામ પ્રકારના આગ-અકસ્માતના બચાવનાં સાધનો વિગેરે ચાલુ હાલતમાં રાખવા જેથી ભવિષ્યમાં અપ્રિય ઘટનાઓ રોકી શકાય, તે માટે ઉપલબ્ધ સ્ટાફ દ્વારા ચેકલિસ્ટ બનાવીને ટીમ દ્વારા તમામ મિલ્કતોનો સર્વે દિવસ-૧૦માં કરવાનું આયોજન કરવું.
(10:04 AM IST)










