News of Thursday, 30th May 2024
ગેમ ઝોનમાં ભાણેજ અને પડોશીના બે સંતાનો ગૂમ થયાની વિજયએ ખોટી નોંધ કરાવી પોલીસને કામે લગાડી દીધી!
એક તરફ પોલીસ આગમાં લાપત્તા લોકોની ઓળખ મેળવવા મથતી હતી ત્યારે બીજી તરફ રસોઇયાએ ધંધે લગાડયા રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતાં અપરિણીત શખ્સનો ભાઇ નાગપુર ગયો હતોઃ પોતે ઘરે એકલો હોઇ ૨૮મીએ વિજય હોસ્પિટલના અન્નક્ષેત્રમાં જમીને આટાફેરા કરતો હતો ત્યારે પોલીસે શું કરવા આવ્યા? પુછતાં પોતાના ભાણેજ-પડોશીના છોકરા ગૂમ થયાની નોંધ કરાવી દીધી! એસીપી રાધિકા ભારાઇ, પીઆઇ બી.એમ. ઝણકાટે ગંભીરતાથી તપાસ શરૂ કરતાં વિજયનું નાટક ઉઘાડુ પડતાં ગુનો નોંધાયો પોતે કારખાનામાં કામ કરે છે એવું કહેતાં પોલીસ ત્યાં તપાસમાં ગઇ તો ખબર પડી કે એક વર્ષથી કામે જ ગયો નથીઃ હાલમાં હોટેલમાં રસોઇ કામ કરે છે! વળી તપાસમાં એ પણ ખુલ્યું કે વિજયને કોઇ ભાણેજ પણ નથીઃ ધરપકડ બાદ ભુલ થઇ ગયાનું કહી પોક મુકીઃ જામીન પર મુક્ત કરાયો

રાજકોટ તા. ૩૦: ગેમ ઝોનમાં ભભૂકેલી આગમાં ત્રીસ જેટલા લોકોની જિંદગી સ્વાહા થઇ ગઇ હતી. પોલીસ અને બીજા તંત્રવાહકો ભડથું થઇ ગયેલા મૃતદેહોની ડીએનએ સેમ્પલથી ઓળખ કરાવડાવી સ્વજનોને સોંપવાની કામગીરીમાં સતત શનિવારથી વ્યસ્ત હતાં. પોલીસ અધિકારીઓ, કર્મચારીઓએ સતત પાંચ દિવસ હોસ્પિટલે છાવણી રાખી જેમ જેમ મૃતદેહોની ઓળખ થતી ગઇ તેમ તેમ સ્વજનોને સોંપવાની કામગીરી કરી હતી. આ વચ્ચે એક રસોઇયાએ પોલીસને કામે લગાડી દીધી હતી અને ચિંતા પણ વધારી દીધી હતી. ઘરે એકલો હોઇ તે સિવિલ હોસ્પિટલના અન્નક્ષેત્રમાં જમવા આવ્યો અને પોસ્ટમોર્ટમ રૂમ નજીક લાપતા સ્વજનો અને પોલીસની છાવણી તરફ આટો મારવા જતાં પોલીસે આ બાજુ શું આવ્યા? તે અંગે પુછતાં ગભરાઇ જતાં પોતાનો ભાણેજ અને પડોશીના બે સંતાન ગૂમ થઇ ગયાનું કહી નોંધ કરાવી દેતાં પોલીસ ધંધે લાગી હતી. તપાસ થતાં આ વાત હંબગ નીકળતાં ગુનો નોંધી આ શખ્સની ધરપકડ કરવામાં આવી હતી.
બે દિવસ પહેલા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ રૂમ નજીક એક શખ્સ આટાફેરા કરતો દેખાતાં એસીપી રાધિકા ભારાઇ, પ્ર.નગર પીઆઇ બી. એમ. ઝણકાટ, પીએસઆઇ બી. વી.ચુડાસમા અને સ્ટાફ ત્યાં હાજર હોઇ આ વ્યકિતની પૃછા કરી કોઇ સ્વજનની માહિતી માટે આવ્યા છે કે કેમ? તે અંગે પુછતાં તેણે પોતાનું નામ વિજય ઉર્ફ હિતેષ લાભશંકરભાઇ પંડયા (ઉ.વ.૪૩-રહે. રાજલક્ષ્મી સોસાયટી-૨૦, કોઠારીયા રોડ) જણાવ્યું હતું અને પોતે હોટેલમાં રસોઇયા તરીકે નોકરી કરતો હોવાનું કહ્યું હતું. તેમજ પોતાનો ભાણેજ પ્રિયાંશ જાની તેમજ પડોશી મનોજભાઇ સાવલીયાના બે સંતાન ધવલ અને રીયા ગેમ ઝોનમાં ગયા બાદ ગૂમ હોવાનું કહેતાં પ્ર.નગર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
વિજય ઉર્ફ હિતેશે કહ્યું હતું કે પોતે કુંવારો છે અને અટીકાના કારખાનામાં કામ કરે છે. પરંતુ હાલ ભાણેજ અને પડોશીના સંતાન ગૂમ હોઇ પોતે પાંચ દિવસથી કામે જતો ન હોવાનું કહ્યું હતું. પોલીસે આ શખ્સ જ્યાં કામ કરતો હતો તે સ્થળ તરીકે તેણે અટીકાના કારખાનાનું સરનામુ આપતાં પોલીસ ત્યાં તપાસ કરવા જતાં કારખાનેદારે એક વર્ષ પહેલા વિજય અહિ કામ કરતો હોવાનું અને એક વર્ષથી અહિ આવ્યો જ નહિ હોવાનું કહેતાં પોલીસ ચોંકી ગઇ હતી
વિશેષ તપાસ કરી વિજયનો ભાણેજ છે કે કેમ? તેના બહેન-બનેવી ક્યાં રહે છે? સહિતની તપાસ કરતાં વિજયને કોઇ ભાણેજ જ નહિ હોવાનું સ્પષ્ટ થતાં અને તેના પડોશમાં તેણે આપેલા નામ મુજબના કોઇ પડોશી જ નહિ હોવાનું ખુલતાં તેની વિશીષ્ટ પુછતાછ શરૂ કરતાં તેણે પોક મુકી હતી અને કહ્યું હતું કે પોતે સિવિલ હોસ્પિટલે અન્નક્ષેત્રમાં જમવા આવ્યો અને પોસ્ટ મોર્ટમ રૂમ તરફ આટો મારવા ગયો ત્યારે પોલીસે પુછતાછ કરતાં પોતે ગભરાઇ જતાં ભાણેજ અને પડોશીના બાળકો ગૂમ થઇ ગયાની નોંધ કરાવી દીધી હતી! જો કે પોલીસને આ શખ્સનો ઇરાદો કંઇક જુદો હોવાની શંકા ઉપજતાં તે અંગે પણ તપાસ કરી હતી. તેની સામે પોલીસને ખોટી માહિતી આપી ગુમરાહ કરવાનો ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવતાં તે પોલીસ સમક્ષ રડવા માંડયો હતો અને ભુલ થઇ ગયાનું કહી માફી માંગી હતી. ધરપકડ બાદ તે જામીન પર મુક્ત થયો હતો.
(2:41 PM IST)










