News of Thursday, 30th May 2024
ફાયર NOC વગરના હોટલ, ૩ પેટ્રોલ પંપ, ૬ શાળાઓ, જીમ, કોમ્પલેક્ષ, શો-રૂમ સીલ
નવા મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇ પોતે શહેરમાં નીકળ્યા : નિયમ ભંગ સામે આક્રમક વલણ

રાજકોટᅠતા. ૩૦ : મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલᅠ હોસ્પિટલ, બિલ્ડીંગ, ટયુશન કલાસીસ,ᅠમોલ અને શોપિંગ કોમ્પલેક્ષ,ᅠકોમ્યુનીટી હોલ, ઓડીટોરિયમ, સિનેમા હોલ,ᅠવોટર પાર્ક તથા અન્ય જાહેર સ્થળ તથા જયાં પબ્લિક એકત્ર થતી હોય તે વિસ્તારની ફાયર સેફટીની ચકાસણી કરવા માટે મ્યુનિ. કમિશનર દેવાંગ દેસાઈ દ્વારા દરેક વોર્ડ દીઠ એક એક વોર્ડ કમિટીની રચના કરવામાં આવેલ છે. આ વોર્ડ કમિટી દ્વારા ઝૂંબેશના રૂપમાં ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આ કામગીરી દરમ્યાન મ્યુનિ. કમિશનર પોતે પણ વોર્ડ નં. ૮ માં કાલાવડ રોડ પર સેન્ટ હોલી સ્કૂલ અને વોર્ડ નં. ૭મા એસ્ટ્રોન નાલા પાસે આવેલ ટોળિયા હોસ્પિટલ ખાતે ફાયર ટીમ સાથે હાજર રહ્યા હતા.
મ્યુનિ. કમિશનર દેવાંગ દેસાઈએ આ બેઠક અંગે જણાવ્યું હતું કે, ઝૂંબેશના રૂપમાં હાથ ધરાયેલ આ કામગીરીમાં હોસ્પિટલ, ટ્યુશન કલાસીસ, મોલ, અને શોપીંગ કોમ્પ્લેક્ષ, કોમ્યુનીટી હોલ,ᅠઓડીટોરિયમ, સિનેમા હોલ, સ્કુલ કોલેજ તથા અન્ય જાહેર સ્થળો કે જયાં પબ્લિક ભેગી થતી હોય ત્યાં ચેકિંગ કરવામાં આવશે. જે સ્થળોએ ફાયર એન.ઓ.સી. અને બિલ્ડીંગ યુઝ પરમિશન નહીં હોય તે સ્થળોને સીલ કરવામાં આવશે. આ કામગીરી ગુજરાત લાઇફ સેફટી અને મેઝર્સ એકટ-૨૦૧૩ અને તે હેઠળ નિયમો-૨૦૧૪ તેમજ ફાયર સેફટી રેગ્યુલેશન-૨૦૨૩ᅠ તથા ગુજરાત ટાઉન પ્લાનીંગ એકટ-૧૯૭૬ મુજબ કરવામાં આવનાર છે. નિયમ પ્રમાણેનીᅠFIRE NOC અને BU પરમીશન ના ધરાવતી બિલ્ડીંગોની વીજળી કનેકશન કાપવા તથા સીલીંગ કરવામાં આવશે.
ᅠતેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હાથ ધરવામાં આવેલી આ ઝૂંબેશ દરમ્યાન વોર્ડ કમિટીના સભ્યો દ્વારા વિવિધ બાબતોની ચકાસણી કરવામાં આવનાર છે, જેમાં ફાયર ડીટેકશન સીસ્ટમ અને આલારામ સીસ્ટમ છે કે નહીᅠ?ᅠફાયર હાઇડ્રન્ટ સીસ્ટમ છે કે નહી ? ઈમરજન્સી એકઝીટ અને સીડી છે કે નહીᅠ?ᅠઈમરજન્સી લાઇટીંગ અને સાઇનેજીસ છે કે નહીᅠ?ᅠસ્ટાફને તાલીમ આપેલ છે કે નહીᅠ?ᅠતેની છેલ્લી તારીખ ? ફાયર ફાઇટીંગ સીસ્ટમ મેઇન્ટેન્સ થાય છે કે નહીᅠ?ᅠબિલ્ડીંગમાં ફાયર ફાઇટીંગ વાહન આવી શકે તેમ છે કે નહીᅠ?ᅠએસેમ્બલી પોઇન્ટ છે કે નહીᅠ?ᅠજેવી બાબતોનો સમાવેશ થાય છે. (૨૧.૨૯)
કયા કયા સ્થળો સીલ
* વોર્ડ નં. ૪માં કુવાડવા રોડ પર ભારત પેટ્રોલ પંપ, આન પેટ્રોલ પંપ, જીઓ પેટ્રોલ પમ્પ, અને હોટલ નોવા ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે.
* વોર્ડ નં. ૧ માં મારૂતિ સુઝુકીનો પરફેક્ટ ઓટો શો રૂમ ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે.
* વોર્ડ નં.૧૧ માં નાણા મવા રોડ પર એન.ડી. ફિટનેસ જિમ ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે.
* વોર્ડ નં. ૮માં હોલી કિડ્સ સ્કૂલનો ચોથો માળ ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે.
* વોર્ડ નં. ૩ માં રેલનગર રોડ પર આવેલ શ્રી આશીર્વાદ સ્કૂલ અને પ્રગતિ સ્કૂલ ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે.
* વોર્ડ નં. ૧૦ માં K7 એકેડેમી ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે.
* વોર્ડ નં.૧૮માં પાલવ સ્કૂલ, જ્ઞાનગંગા સ્કૂલ ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે.
* વોર્ડ નં. ૬માં પેડક રોડ પર આવેલ અક્ષર પ્લાઝા કોમ્પ્લેક્સ ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે.
* વોર્ડ નં. P & B કિડ્સ ઝોન ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે.
(3:10 PM IST)










