News of Thursday, 30th May 2024
પીડીયુ સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફટી ક્વિક રિસ્પોન્સ ટીમને એક્ટીવ કરાઇઃ કાયમી ફાયર ઓફિસર મુકાશે
ગેમ ઝોનની આગની દૂર્ઘટનાને પગલે રાજ્યભરની સરકારી હોસ્પિટલોને સલામતિ માટેના આદેશો છુટયા

રાજકોટ તા. ૩૦: શહેરના ટીઆરપી ગેમ ઝોનમાં ભભૂકેલી આગને કારણે સત્યાવીસ લોકોના મોત થયા છે. આ ગોઝારી દુર્ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધુ છે. આ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાયરને લઈને ચેકીંગ સાથે દોડધામ ચાલી રહી છે. આ વચ્ચે શહેરની પીડીયુ સિવિલ હોસ્પિટલમાં પણ ઉચ્ચ કક્ષાએથી આદેશો છૂટયા બાદ ફાયર સેફટી માટેની ક્વિક રિસ્પોન્સ ટીમને કેટલાક સુધારા સાથે ફરી એલર્ટ કરવામાં આવી છે. બીજી તરફ કાયમી ફાયર ઓફિસરની મંજુરી પણ આપી દેવામાં આવી હોઇ ઝડપથી નિમણુંક થવાની શક્યતા છે.
જાણવા મળ્યા મુજબ આ ટીમમાં એચઓડીને નોડલ ઓફિસર, એક મેડિકલ ઓફિસરને આસી.નોડલ ઓફિસર, જયારે આર.એમ.ઓ, નર્સીંગ સુપ્રિટેન્ડેન્ટ, હેડ નર્સ (પીડીયુ-ઝનાના), હિસાબી આધિકારી, વહીવટી અધિકારી, ઓફિસ સુપ્રીટેન્ડેટ એડીશનલ બ્રાન્ચ, ઓક્સિજન નોડલ ઓફિસર, એએચએ, બે સેનેટરી ઇન્સ્પેકટર, ત્રણ એચઆર મેનેજરને સભ્ય તરીકે કમિટીમાં સામેલ કરવામાં આવ્યા છે. આ તમામને વ્યક્તિગત જવાબદારી સોંપવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.
સોૈરાષ્ટ્રની નંબર વન ગણાતી સિવિલ હોસ્પિટલમાં અનેક સુવિધાઓ છે અને દર્દીઓને તેનો લાભ પણ મળી રહ્યો છે. પરંતુ ખાટલે મોટી ખોટ આવડી મોટી સિવિલ હોસ્પિટલમાં ફાયર ઓફિસરની કાયમી જગ્યા ખાલી હતી. જેના કારણે દર બે મહિને મહાપાલિકાની ફાયરની ટીમને બોલાવી હોસ્પિટલના સ્ટાફને ફાયર અંગેની તાલિમ આપવી પડે છે. આ ઉપરાંત હોસ્પિટલના અન્ય કર્મચારી પાસે ફાયર સેફટીનું કામ કરાવવામાં આવી રહ્યું છે.
હોસ્પિટલના અલગ અલગ વિભાગમાં અનેક વખત આગના છમકલાના બનાવો બની ચુક્યા છે. જો કે દર વખતે સિક્યુરીટી ટીમ અને બીજા સ્ટાફ દ્વારા ફાયર કન્ટ્રોલ સિલીન્ડરની મદદથી આગને કાબુમાં લઇ લેવામાં આવી હોઇ જાનહાની અટકી હતી. હોસ્પિટલ પાસે પોતાનો કાયમી કહી શકાય તેવો ફાયર સ્ટાફ જ નથી અને માત્ર તાલિમી સ્ટાફથી કામ ચલાવાય છે. હવે કાયમી ફાયર ઓફિસરની જગ્યા ઝડપથી ભરાઇ જશે તેમ જાણવા મળ્યું છે.
(4:48 PM IST)










