<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

રિક્ષા, સ્‍કૂલ વાનમાં વધુ બાળકો હશે તો શાળા સંચાલક જવાબદાર

પરિવહન સલામતીને વ્‍યવસ્‍થાની ચકાસણી કરવા પરિપત્ર કરાયો

અમદાવાદ તા. ૩૦ : રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં તાજેતરમાં બનેલી ઘટનાના ઘેરા પ્રત્‍યાઘાતો પડી રહ્યા છે. પ્રા. શિક્ષણ વિભાગ દ્વારા સ્‍કૂલવાનને લઇને ખાસ આદેશો જાહેર કરવામાં આવ્‍યા છે. નવુ શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલા જ તમામ સરકારી, અનુદાનિત અને બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક, માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળાઓના બાળકોના પરિવહનમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા તાકીદ કરાઇ ᅠછે.ᅠ

પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા તમામ ડીઇઓ-ડીપીઓને આપવામાં આવેલી સૂચના પ્રમાણે ૧૩મી જૂનથી સ્‍કૂલો શરૂ થાય તે પહેલા સલામતી અંગે ચકાસણી કરવાની રહેશે. બસ દ્વારા કે અન્‍ય વાહન દ્વારા બાળકો સ્‍કૂલે લઇ આવવા-જવાની કામગીરી પહેલા સલામતી અંગે વાલીઓ સાથે બેઠક યોજીને જાગૃતિ માટે પ્રચાર-પસાર કરવાનો રહેશે. રિક્ષા કે વેનમાં બાળકોને વધુ સંખ્‍યામાં બેસાડવામાં આવશે તો તેના માટેની જવાબદારી સ્‍કૂલ સંચાલકની રહેશે. સ્‍કૂલ રિક્ષામાં કે વેનમાં નિર્ધારિત કરાયેલા કરતાં વધારે વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે તો વાલીઓએ આ અંગે સંચાલકો અને RTO અથવા તો ટ્રાફિક પોલીસને જાણ કરવાની રહેશે. સ્‍કૂલો દ્વારા જાહેર કરાયેલા નિયમોનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી દરેક જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા કરવાની રહેશે

(3:48 PM IST)