<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

રાજકોટમાં શાળા-કોલેજો, કલાસીસ વગેરે પરનાં ડોમ સ્ટ્રકચર દૂર કરાશે : કલેક્ટર

પેટ્રોલનો કેટલો જથ્થો રાખી શકાય તેનો જવાબ કલેક્ટરે ટાળ્યોઃપેટ્રોલ ડીઝલના આ જંગી જથ્થો અંગે તપાસ શરૃ કરવામાં આવી છે જેમાં જવાબદારો સામે પગલા લેવામાં આવશે

રાજકોટ, તા.૩૦

રાજકોટ અગ્નિકાંડ બાદ આજે ચોથા દિવસે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ પ્રેસ મીડિયાને સંબોધન કર્યું હતું. જેમાં  રાજકોટમાં શાળા-કોલેજો અને કલાસીસ સહિતના સ્થળો પર ગેરકાયદે ખડકાયેલા ડોમ સ્ટ્રકચરને હટાવવામાં આવશે, તેવું જણાવ્યું હતું. જો કે ગેમ ઝોનમાં પેટ્રોલ કે ડીઝલનો હજ્જારો લીટરનો જથ્થો હોવાના મામલે પત્રકારોએ પૂછ્યું કે પેટ્રોલનો મહત્તમ કેટલો જથ્થો રાખી શકાય? ત્યારે જિલ્લા કલેક્ટર કોઈ જવાબ આપી શક્યા નહોતા.  જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, શાળા-કોલેજો વગેરે પરથી ડોમ સ્ટ્રક્ચર દૂર કરવા રાજકોટ મ્યુનિ.કોર્પો.-રૃડા સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓની બેઠક બોલાવી તાકીદ કરવામાં આવશે. ઉપરાંત ટીઆરપી અગ્નિકાંડ સમયે ત્યાં સ્થળ પર ૩૦૦૦ લીટર પેટ્રોલ-ડીઝલ સંગ્રહિત હોવાનું ખુલ્યા બાદ આ અંગે કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે પેટ્રોલ ડીઝલના આ જંગી જથ્થો અંગે તપાસ શરૃ કરવામાં આવી છે. જેમાં જવાબદારો સામે પગલા લેવામાં આવશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ટીઆરપી અગ્નિકાંડ પ્રકરણમાં સીટ તેમજ રાજકોટ શહેર પોલીસ દ્વારા તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. ટીઆરપી અગ્નિકાંડમાં ૨૭ વ્યકિતઓના મોત નિપજ્યા છે.

કલેકટર પ્રભવ જોશીએ વિશેષમાં એવું પણ જણાવ્યું હતું કે શહેરમાં શાળા, કોલેજો, કલાસીસો, કોમ્પ્લેક્ષો, સહિતના સ્થળો પર અનઅધિકૃત રીતે જે ડોમ સ્ટ્રકચર ખડકાયેલું છે તેને વહેલી તકે દુર કરવા માટે તેઓ મ્યુ.કોર્પો., રૃડા સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓની બેઠક બોલાવી તાકીદ કરશે.ઉલ્લેખનીય છે કે ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે હાહાકાર મચાવી દીધો છે આ અગ્નિકાંડના પગલે શાળા, કોલેજો, કલાસીસો, કોમ્પલેક્ષો સહિતના સ્થળો પર ફાયર સિસ્ટમ અને ફાયર એનઓસીની છે કે કેમ તેની વિગતો તાડબતોબ મગાવવાનું રાજય સરકાર દ્વારા શરૃ કરી દેવામાં આવ્યું છે.

રાજય સરકારની સાથે વહીવટી તંત્ર દ્વારા પણ આ મામલે સાવચેતી પૂર્વક તાબડતોબ પગલા લેવાનું શરૃ કરી દેવાયું છે. રાજકોટ જીલ્લા કલેકટર તંત્ર આ ટીઆરપી અગ્નિકાંડના પગલે એકશન મોડમાં આવી ગઈ છે.

(9:36 PM IST)