તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 2nd June 2024
ટીબી હોવા છતાં પતિ બીડી પીતો'તો: પત્નીએ ના પાડતાં મારકૂટ કરતો હતો: ગાંધીગ્રામની કવિતા મરવા મજબૂર થઈ: ગાંધીગ્રામ પોલીસે પતિ વિરૂધ્ધ ગુનો નોંધ્યો

રાજકોટ: ગાંધીગ્રામમાં જીવંતીકાનગર પાસે સત્ય નારાયણનગરમાં રહેતી પ્રેમ લગ્ન કરનાર કવિતા રાઠોડ (ઉ.વ.૨૩)એ ત્રણ દિવસ પહેલા ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધા બાદ તેના ભાઈ સંતોષ જયસિંગ પરિહાર (ઉ.વ.૨૪, રહે. હાલ દિલ્હી)એ મૃતકના પતિ મોહિત સામે આપઘાત માટે મજબૂર કર્યાની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
સંતોષે પોલીસને જણાવ્યું કે તેના પિતા ચાલીસ વર્ષથી રાજકોટ મુકામે રહેતા હતા. તેનો અને તેની બહેન કવિતાનો જન્મ નેપાળમાં થયો છે. તે વિજય પ્લોટમાં રહેતા હતા. ત્યારે આરોપી મોહિત કે જે જાગનાથમાં રહેતો હોવાથી તેનો મિત્ર હતો. તેની બહેન કવિતા આરોપીના ઘરની આજુબાજુ ઘરકામ કરવા જતી હોવાથી બંને વચ્ચે પરિચય થયો હતો. બાદમાં પ્રેમ સંબંધ બંધાતા ૨૦૨૨માં બંનેએ લગ્ન કરી લીધા હતા. જે બાદથી પરિવારજનોએ બંને સાથે બોલવાનું બંધ કરી દીધુ હતું. એકાદ વર્ષ બાદ કવિતાના ઘરે પુત્રનો જન્મ થતાં પરિવારજનોએ ફરીથી બોલવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ પરિવારજનો કામ માટે દિલ્હી રહેવા જતા રહ્યા હતા. જ્યારે કવિતા તેના પતિ સાથે રાજકોટમાં રહેતી હતી. એપ્રિલ- ૨૦૨૪માં કવિતા તેના ભાઈ નિખીલના લગ્નમાં નેપાળ ગઇ હતી. જ્યાંથી સીધી પુત્ર સાથે પોતાના ઘરે રોકાવા આવી હતી. જ્યાં દસેક દિવસ રોકાઇ હતી.
આ દરમિયાન આરોપી મોહિતનો કવિતાને અવારનવાર ફોન આવતો હોય અને તેને તું રાજકોટ આવતી રહે, તારે ન આવવું હોય તો ઋતુરાજને રાજકોટ મોકલી દે તેમ કહેતો હતો. એક વખત કવિતાના ફોનમાંથી તેણે આરોપી સાથે વાત કરતાં બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. બાદમાં ગઈ તા. ૫-૫-૨૦૨૪ના તેની પત્ની આલમ કવિતાને મૂકવા ટ્રેન મારફતે ગઈ હતી. જ્યાંથી ગઈ તા. ૧૩ના પરત ઘરે ચાલી ગઈ હતી. જ્યાં પહોંચી તેણે વાત કરી હતી કે તે કવિતાના ઘરે હતી ત્યારે આરોપી મોહિતને ટીબી હોવાથી કવિતા તેને સિગરેટ પીવાની ના પાડતી હતી. જે બાબતે બને વચ્ચે ઝગડો થતાં મોહિતે તેને મારકૂટ કરી હતી.
એટલું જ નહીં તે દિલ્હી આવતી હતી ત્યારે પણ કવિતાનો ફોન આવ્યો હતો અને મોહિત તેને મારતો હોવાનું અને દિલ્હી આવવું છે તેમ જણાવ્યું હતું. પરંતુ અડધા રસ્તે પહોંચી ગયાની વાત કરી હતી. ત્યારબાદ બે દિવસ પહેલા રાત્રે જય રાઠોડે તેને ફોન કરી મોહિતન ફોન કરવાનું અને કવિતાએ ફાંસો ખાઈ લીધાનું કહેતા તમામ લોકો રાજકોટ આવ્યા હતાં. બાદમા પીએમ કરાવાયું હતું અને આ અંગે ફરિયાદ નોંધાવી હતી. પીઆઇ બી.ટી.અકબરીની રાહબરીમાં પીએસઆઈ એસ.બી. જાડેજાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(10:41 AM IST)










