<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd June 2024

ગેમ ઝોનની ખામીઓ પ્રત્‍યે શા માટે બેદરકાર રહ્યા? આર્થિક લાભ કે કોઇનું દબાણ?: રજેરજની વિગતો ઓકાવશે, દસ્‍તાવેજી પુરાવા મેળવશે પોલીસ

૨૭ નિર્દોષનો ભોગ લેનારા અગ્નિકાંડમાં રિમાન્‍ડ પર રહેલા ૯ આરોપીઓની સતત પુછપરછ કરી રહી છે અલગ અલગ ટીમો ભાગીદારો-સંચાલકો, મનપાના પુર્વ ટીપીઓ, એટીપીઓ સહિતનાએ ચાર વર્ષમાં કેવી અને કેટલી બેદરકારી દાખવી? કોની સાંઠગાઠ સહિતના મુદ્દે તપાસઃ બે પીઆઇ હજુ પણ ક્રાઇમ બ્રાંચમાં હાજરઃ પુછતાછ-નિવેદનની કાર્યવાહી

રાજકોટ તા. ૧: શહેરના નાના મવા રોડ મોકાજી સર્કલ પાસે આવેલા ટીઆરપી ગેમ ઝોનની આગ ૨૭ નિર્દોષ લોકોનો ભોગ લઇ ગઇ હતી. હચમચાવી નાખનારા આ અગ્નિકાંડમાં તાલુકા પોલીસમાં નોંધાયેલા ગુના અંતર્ગત પોલીસે એફેઆઇઆરમાં જેના નામ હતાં તેવા ગેમ ઝોનની જગ્‍યાના માલિકો, ગેમ ઝોનના સંચાલકો, મેનેજર સહિત પાંચને દબોચ્‍યા પછી જેના એફઆઇઆરમાં નામ નહોતાં પણ તપાસ બાદ અગ્નિકાંડ માટે બેદરકારી-લાપરવાહી ખુલી તેવા મનપાના પુર્વ ટીપીઓ, બે એટીપીઓ, ફાયર ઓફિસર મળી બીજા ચારને પકડયા હતાં. કુલ ૯ આરોપીઓ હવે ક્રાઇમ બ્રાંચની ગિરફતમાં છે. આ તમામે ગેમ ઝોનની ક્ષતિઓ, ખામીઓ, ત્રુટીઓ પ્રત્‍યે શા માટે બેદરકારી-લાપરવાહી દાખવી હતી? આર્થિક લાભ મળ્‍યો હતો કે પછી કોઇનું દબાણ હતું? આ સહિતની રજેરજની માહિતી મેળવવા અને દસ્‍તાવેજી પુરાવા એકત્ર કરવા ક્રાઇમ બ્રાંચની ટીમો કામ કરી રહી છે. આગામી દિવસોમાં વધુ ચોંકાવનારી વિગતો સામે આવવાની શક્‍યતા છે. બે પીઆઇને હજુ પણ ક્રાઇમ બ્રાંચમાં બેસાડી રખાયા છે.

ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ દુર્ઘટનામાં તાલુકા પોલીસે ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર ધવલ ભરતભાઇ ઠક્કર, રેસ-વે એન્‍ટરપ્રાઇઝના ભાગીદારો અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ્ર કનૈયાલાલ હીરન, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલીતભાઇ રાઠોડ અને તપાસમાં ખુલે તે તમામ સામે આઇપીસી ૩૦૪, ૩૦૮, ૩૩૭, ૩૩૮, ૧૧૪ મુજબ ગુનો નોંધ્‍યો હતો. આ પછી ક્રાઇમ બ્રાંચે યુવરાજસિંહ હરિસિંહ સોલંકી (ઉ.વ.૩૦, રહે. ગોપાલનગર શેરી નં.૬, ગોપાલ ચોરા પાસે, શિવાલય બિલ્‍ડીંગ, ફલેટ નં.૨૦૧, ઢેબર રોડ), નિતીન મહાવીરપ્રસાદ લોઢા (ઉ.વ.૪૧, રહે. જલારામ પ્‍લોટ-૨, ઉમિયા ચોક બંધ શેરી, ઈન્‍દિરા સર્કલ નજીક, મૂળ રાજસ્‍થાન)ની ધરપકડ કર્યા બાદ ત્રીજો આરોપી રાહુલ લલીત રાઠોડ (ઉ.વ.૨૮, રહે. મહાદેવવાડી શેરી નં.૬, લોહાણા મહાજનવાડી પાસે, ગોંડલ) શરણે આવતા તેની પણ ધરપકડ કરી હતી.  ચોથા અરોપી ધવલ ભરતભાઇ ઠકરારને આબુથી પકડી લઇ કોર્ટમાં રજૂ કરાતાં તેના ૧૩ દિવસના રિમાન્‍ડ મળ્‍યા હતાં. ત્‍યારબાદ પાંચમા આરોપી કિરીટસિંહ જગદીશસિંહ જાડેજાની ધરપકડ થતાં તેના ૮ દિવસના રિમાન્‍ડ મળ્‍યા હતાં.

ગેમ ઝોન સાથે સંકળાયેલા ઉપરોક્‍ત પાંચેયની વિશેષ પુછતાછ યથાવત રાખી હતી. બીજી તરફ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને પણ ઉઠાવી લઇ પુછતાછ કરવામાં આવી હતી. સતત ૩૬ કલાકની પુછપરછને અંતે આ અગ્નિકાંડમાં આ ચારેય અધિકારીઓની જવાબદારી ફિક્‍સ થતાં તેની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી. રાજકોટ મનપાના પૂર્વ ટાઉન પ્‍લાનર મનસુખ ડી. સાગઠીયા, આસીસ્‍ટન્‍ટ ટાઉન પ્‍લાનર ગોૈતમ જોષી તથા આસીસ્‍ટન્‍ટ ટાઉન પ્‍લાનર મુકેશ મકવાણા અને ફાયર સ્‍ટેશન ઓફિસર રોહિત વિગોરાની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ ચારેયના પણ ૧૨ દિવસના રિમાન્‍ડ મંજુર થયા છે. પોલીસ હવે આ તમામ નવેય આરોપીઓ રિમાન્‍ડ પર હોઇ તેની પાસેથી અતથી ઇતિ સુધીની રજેરજની માહિતી એકઠી કરવા અને દસ્‍તાવેજી પુરાવા એકઠા કરવા કવાયત કરી રહી છે. આ માટે ઉચ્‍ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો પોતાની જવાબદારી નિભાવી રહી છે.

ગેમ ઝોનને ફાયર એનઓસી જ નહોતું મળ્‍યું. આમ છતાં શા માટે ગેમ ઝોન ચાલુ રાખવા દેવાયો હતો? નોટીસ અપાયા પછી પણ શા માટે ગેમ ઝોન બંધ ન કરાવાયો? શું કોઇને આર્થિક લાભ મળ્‍યો હતો? કોઇનું કોઇપણ પ્રકારનું દબાણ હતું? આ સહિતની વિગતો આરોપીઓ પાસેથી પોલીસ ઓકાવશે. વિડીયો ફુટેજ સહિતના દસ્‍તાવેજી પુરાવા એકઠા કરવા પણ કવાયત થઇ રહી છે. આ નવ આરોપીઓ રિમાન્‍ડ પર છે તેની પુછતાછમાં વધુ વિગતો આગામી દિવસોમાં બહાર આવ્‍યે ધરપકડનો આંકડો પણ વધી શકે તેવી શક્‍યતા નકારી શકાતી નથી.

આ  માનવસર્જિત અગ્નિકાંડની તપાસ કરતા રાજકોટની સિટના ડી.સી.પી.(ક્રાઈમ) ડો. પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્‍યું કે ચાર આરોપીઓને મહાપાલિકામાં જે ફરજ-સત્તા સોંપાઈ હતી તે તેમણે ગેમઝોનના સંદર્ભમાં ચાર વર્ષ દરમિયાન કઈ રીતે બજાવી છે? કયા કયા પ્રકારની લાપરવાહી રખાઈ છે અને આ ચાર આરોપીઓની સાથે અન્‍ય કયા કયા ઈસમોની સાંઠગાંઠ હતી તે સહિતના મુદ્દા પર તપાસ કરવા માટે રિમાન્‍ડ માંગવામાં આવી હતી. જે અંતર્ગત ૧૨ દિવસની રિમાન્‍ડ કોર્ટે મંજુર કરી છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ બી. બી. બસીયા અને ટીમના પીઆઇ એમ.આર. ગોંડલીયા, તાલુકા પીઆઇ ડી. એમ. હરિપરા તેમજ એસઓજી, બ્રાંચની અનેક ટીમો આ તપાસમાં સામેલ છે.

બીજી તરફ અગાઉ તાલુકા પોલીસ સ્‍ટેશનમાં ફરજ બજાવી ચુકેલા બે પીઆઇ જે. વી. ધોળા અને વી. એસ. વણઝારાની ગાંધીનગર ખાતે નિવેદન લેવાની કાર્યવાહી પુર્ણ થયા બાદ બંનેને રાજકોટ ક્રાઇમ બ્રાંચ ખાતે લાવવામાં આવ્‍યા હતાં. આજે પણ બંનેને અહિ જ રાખીને વિશેષ નિવેદનો લેવાની કાર્યવાહી થઇ રહી છે.

૨૦૨૧થી ગેમ ઝોનના બાંધકામમાં વધારો થતો ગયો છતાં ટીપી શાખાએ કોઇ કાર્યવાહી કેમ ન કરી?

સ્‍પેશિયલ પી પી તુષાર ગોકાણીના ધારદાર સવાલો

૨૦૨૩માં આગ લાગી ત્‍યારે ફાયર ઓફિસરે એનઓસી અંગે કેમ કંઇ ન કર્યુ? ટીપીઓએ ગેરકાયદે બાંધકામ તોડવા નોટીસ પાઠવી, એટીપીએ આગળ શું કર્યુ? 

રાજકોટફ આ કેસના સ્‍પેશ્‍યલ પી પી તુષાર ગોકાણીએ રિમાન્‍ડ અર્થે રજુ કરેલા મુદાઓમાં જણાવ્‍યું હતું કે અગાઉ સંલગ્ન અધિકારી સાથે આરોપીની સ્‍પષ્ટ જવાબદારી સચોટ રીતે પ્રસ્‍થાપિત કરવા ઊંડાણપૂર્વકની તપાસ કરવી જરૂરી હોઇ બનાવવાળી જગ્‍યા ગેરકાયદે હોવાની જાણ ટાઉન પ્‍લાનિંગ શાખાને હોઇ બાંધકામ તોડવા નોટીસ આપેલ હોવા છતાં કયાં કારણોસર કાર્યવાહી કરેલ નહી? આર્થિક લાભ હતો કે દબાણ હતું તે બાબત તપાસ માંગી લ્‍યે તેમ છે. ૨૦૨૧થી આજદિન સુધી બાંધકામમાં વધારો થતો હોવા છતાં ટીપી શાખા દ્વારા કોઈ કાર્યવાહી થયેલ નથી, કયાં કયાં અધિકારીઓએ મૂળભૂત ફરજ બજાવેલ નથી તે અંગે સંલગ્ન શાખાનું સ્‍ટ્રેન્‍થ પત્રક મેળવી તપાસ કરવી, ૨૦૨૩માં આગ લાગી ત્‍યારે ફાયર ઓફિસરે એનઓસી અંગે કયાં કારણોસર કોઈ કાર્યવાહી કરી ન હતી, આર્થિક લાભ હતો કે દબાણ હતું, ફાયર વિભાગની કાર્ય પધ્‍ધતિ જાણવા, ટીપીઓએ ગેમઝોનનું બાંધકામ તોડવા જીપીએમસી એક્‍ટ ૨૬૦(૨) મુજબની નોટીસ પાઠવેલ જે એટીપીએ ફાઈલ આગળની કાર્યવાહી માટે આસી.ઈજનેર તરફ આગળની કાર્યવાહી માટે મોકલ્‍યા બાદ શું કાર્યવાહી થયેલ કેમ બાંધકામ તોડવા ગયેલા કે કેમ, પેન્‍ડીંગ ફાઈલ અંગે ટીપી શાખા તરફથી મંથલી મીટીંગ, રીવ્‍યુ, અંગે સંતોષકારક જવાબ આપેલ નથી, આરોપીઓ સાથે હાલના આરોપીઓનું ક્રોસ વેરીફીકેશન કરવા, ગેમઝોનના ભાગીદારો, માલિક સંચાલકો સાથે કેટલી વખત મળવાનું થયું, આર્થિક કે અન્‍ય કોઈ લાભ લીધેલ છે કે કેમ તે સહિતના મુદ્દે તપાસ કરવા બાર વતી એડવોકેટ ફળદુએ પણ દલીલ કરતા કોર્ટે ૧૨ દિવસના રિમાન્‍ડ મંજુર કર્યા હતાં.

( IST)