તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 2nd June 2024
સાગઠિયા - મકવાણા સામે વિંઝાશે સસ્પેન્શનનો કોરડો
મ્યુ. કમિશનર ‘માહિતીનું પોટલુ' લઇ ગાંધીનગર દોડયા : ટુંક સમયમાં નવા ધડાકા - ભડાકા અગ્નિકાંડ - કથિત ભ્રષ્ટાચારના આરોપસર ક્રાઇમ બ્રાંચની કસ્ટડીમાં રહેલા બંને સામે સોમવાર સુધીમાં શિક્ષાત્મક પગલા

રાજકોટ,તા.૧: મહાનગરપાલિકાના ટીપીઓ સાગઠિયા, બે એટીપીએ મકવાણા અને જોષી તથા ફાયર સ્ટેશન ઓફિસર વિગોરાની ધરપકડ કરવામાં આવી છે ત્યારે નિયમ મુજબ ૪૮ કલાક સુધીમાં સરકારી કર્મચારીએ લોકઅપમાં રહે એટલે સસ્પેન્ડ કરવામાં આવે છે ત્યારે મનપાના ટાઉન પ્લાનર મનસુખ સાગઠીયા અને આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર મુકેશ મકવાણાને સોમવાર સુધીમાં શિક્ષાત્મક પગલા લેવામાં આવે તેવું સૂત્રોએ જણાવ્યું હતું.
ગત સપ્તાહે નવા મ્યુનિ. કમિશનર તરીકે દેવાંગ દેસાઈએ ચાર્જ સંભાળ્યો હતો. ચાર્જ સંભાળ્યાના ચાર દિવસમાં જ અગ્નિકાંડની તેમજ મનપાના ફાયર અને ટીપી સહિતના વિભાગની માહિતી મેળવી છે અને સરકારની સૂચના મુજબ શહેરમાં ફાયર એનઓસીની ચકાસણી વિવિધ સ્થળોએ ખાસ ટીમ બનાવવામાં આવી છે. આ સંદર્ભે માહિતીનું પોટલુ લઈ ગાંધીનગર ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
આરોપીઓએ ગેમ ઝોનના સંચાલકોને નોટિસ ફટકારી હતી, પરંતુ કોઇ કાર્યવાહી નહીં કરતાં અગ્નિકાંડ સર્જાયો હતો. અગ્નિકાંડમાં મોતનું તાંડવ સર્જાતા રાજ્યભરમાં તેના ઘેરા પડઘા પડ્યા હતા. રાજ્ય સરકારે સીટની રચના કરી હતી જે સીટે પ્રાથમિક રિપોર્ટ આપ્યા બાદ ગુનાની તપાસ ચલાવી રહેલી સ્થાનિક સીટ હરકતમાં આવી હતી.
બુધવારે સવારે ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠિયાને ક્રાઇમ બ્રાંચની ટીમે મહાનગરપાલિકામાં ચાલુ મિટિંગે ઉઠાવી લીધો હતો. ત્યારબાદ બે એટીપીઓ મુકેશ મકવાણા અને ગૌતમ જોષી તથા ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાને ઉઠાવી લેવાયા હતા. ૨૪ કલાકની પૂછપરછ અને જરૂરી પુરાવા હાથવગા થતાં પોલીસે ઉપરોક્ત ચારેયની ગુરૂવારે સાંજે ધરપકડ કરી હતી.
અત્રે નોંધનીય છે કે આસિસ્ટન્ટ પ્લાનર ગૌતમ જોશી, વોર્ડ એન્જીનિયર જયદીપ ચૌધરી તથા ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાને સસ્પેન્ડ કરવાનો હુકમ તત્કાલીન કમિશનર દ્વારા કરવામાં આવ્યો હતો.
બે દિવસ પહેલા જ પોલીસ દ્વારા સાગઠીયા અને મકવાણાની ધરપકડ કરવામાં આવતા સરકારી નિયમ મુજબ સરકારી કર્મચારી ૪૮ કલાકમાં લોકઅપમાં રહે એટલે નિયમ મુજબ સસ્પેન્ડ થાય છે.
આમ, મનસુખ સાગઠીયા અને મુકેશ મકવાણાને સોમવાર સુધીમાં દ્વારા સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવે તેવું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
( IST)










