<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

માધાપર ચોકડી ઓવર બ્રીજ પર બાઇક ફૂટપાથ સાથે અથડાતા ચાલક ઉછળીને પૂલ નીચે પટકાયોઃ મોત

મુળ કેરલાનો ફિલીપ્‍સ થોમસ જાગનાથ પ્‍લોટમાં પરિવાર સાથે રહેતો હતો અને છાપરા ગામે કંપનીમાં નોકરી કરતોઃ વહેલી સવારે બનાવઃ ચા વાળાએ ઘટના નજરે જોઇઃ એક પુત્ર અને પુત્રીએ પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં શોક

બનાવ સ્‍થળે મૃતકનું બાઇક, પૂલ ઉપરથી તે નીચે પટકાયા પછી જે રીતે મૃતદેહ પડયો હતો તે દ્રશ્‍ય અને મૃતકનો ફાઇલ ફોટો જોઇ શકાય છે. (ફોટોઃ વિજય વસાણી-આટકોટ)

રાજકોટ તા. ૩: શહેરના માધાપર ચોકડીથી મોરબી ચોકડી વચ્‍ચેના ઓવર બ્રીજ પર વહેલી સવારે એક બાઇક ફૂટપાથ સાથે અથડાતાં તેનો ચાલક ઉછળીની પૂલ નીચે ખાબકતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્‍યું છે. આ યુવાન મુળ કેરલાનો હતો અને હાલ જાગનાથ પ્‍લોટમાં રહેતો હતો.

જાણવા મળ્‍યા મુજબ વહેલી સવારે એક બાઇક માધાપર ચોકડી ઓવર બ્રીજના છેડે મોરબી તરફ ફૂટપાથ સાથે અથડાયા બાદ ચાલક ઉછળીને પૂલ નીચે પટકાયો હતો. બાઇક પૂલ ઉપર જ ફંગોળાઇ ગયું હતું. નીચે પટકાયેલા ચાલકનું ઘટના સ્‍થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્‍યું હતું. બનાવની જાણ થતાં ગાંધીગ્રામના હેડકોન્‍સ. સોનલબેન સહિતના સ્‍ટાફે પહોંચી કાર્યવાહી કરી હતી. એ પહેલા કોઇએ જાણ કરતાં ૧૦૮ના ઇએમટી નિલેષભાઇ સોલંકી, પાઇલોટ ગોરધનભાઇ પહોંચ્‍યા હતાં. તેની તપાસમાં યુવાન મૃત્‍યુ પામ્‍યાનું જણાયું હોઇ પોલીસ કન્‍ટ્રોલ રૂમમાં જાણ કરી હતી.

પોલીસે તપાસ કરતાં પૂલ પર જીજે૦૩જેજી-૭૪૦૮ નંબરનું બાઇક જોવા મળ્‍યું હતું. મૃતક યુવાનના ખિસ્‍સામાંથી ફિલીપ્‍સ થોમસ (ઉ.વ.૩૫) નામના નામનું છાપરાની ડબલ્‍યુ ટેક્‍નોકાસ્‍ટ એલએલપી કંપનીનું આઇ કાર્ડ મળ્‍યું હતું. પોલીસ તપાસમાં ખુલ્‍યા મુજબ આ યુવાન આ કંપનીમાં નોકરી કરતો હતો અને મુળ કેરલાનો હતો. તેને એક પુત્ર અને એક પુત્રી છે. તે બે ભાઇમાં મોટો હતો અને તેના પત્‍નિ જાગનાથ પ્‍લોટના દવાખાનામાં નોકરી કરે છે. બનાવ અકસ્‍માતે બન્‍યાનું એક ચાવાળાએ જોયું હતું. હેડકોન્‍સ. સોનલબેને જરૂરી કાર્યવાહી કરી હતી. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(3:25 PM IST)