News of Monday, 3rd June 2024
હાર્ટએટેકથી સોમનાથ સોસાયટીના ૪૨ વર્ષના માશુકભાઇ રાજગોરનું મૃત્યુ
મગજમાં તાવ ચડી ગયા બાદ ભવાનીનગરના ૩૫ વર્ષના હિતેષભાઇ ખેરના શ્વાસ રૂંધાઇ ગયાઃ બંનેના પરિવારજનોમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૩: શહેરમાં હાર્ટએટેકથી મૃત્યુની ઘટનાઓ યથાવત રહી છે. કોઠારીયા રોડ રણુજા મંદિર પાછળ સોમનાથ સોસાયટી-૨માં રહેતાં માશુકભાઇ અરજણભાઇ રાજગોર (ઉ.વ.૪૨) કારખાનામાં કામ કરતાં હોઇ ત્યાંથી સાંજે ઘર તરફ જઇ રહ્યા હતાં તે વખતે કોઠારીયા રોડ જે કે પાર્ક નજીક પાણીના ટાંકા પાસે પહોંચ્યા ત્યારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
માશુકભાઇ ત્રણ ભાઇ અને બે બહેનમાં ચોથા હતાં. સંતાનમાં બે પુત્રી છે. હાર્ટએટેક આવી ગયાનું સગાએ જણાવ્યું હતું.
બીજા બનાવમાં રામનાથપરા ભવાનીનગર-૪માં રહેતાં હિતેષભાઇ કાળુભાઇ ખેર (ઉ.વ.૩૫)ને મગજમાં તાવ ચડી ગયો હોઇ સાંજે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્યુ પામનાર હિતેષભાઇ બે ભાઇ અને બે બહેનમાં ત્રીજા હતાં અને કુવાડવા રૂવાલાને ત્યાં નોકરી કરતાં હતાં. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા અને ધર્મેન્દ્રભાઇ હુદડે આજીડેમ તથા એ-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.
(11:02 AM IST)










