<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

મત ગણતરી સ્‍થળે શહેર પોલીસનો ત્રણ લેયરમાં જડબેસલાક બંદોબસ્‍ત

૪ એસીપી, ૧૦ પીઆઇ, ૪૦ પીએસઆઇ, ૪૫૦ પોલીસ જવાનો, સીપીએફ, એસઆરપીના જવાનો પણ ફરજમાં રહેશેઃ મોબાઇલ, સ્‍માર્ટ વોચ, કોમ્‍યુનિકેશનના સાધનો લઇ જવા પર પ્રતિબંધઃ ટ્રાફિક એસીપી, બે પીઆઇ સહિતો કાફલો તૈનાત રહેશેઃ ડીસીપી જગદીશ બાંગરવાએ વિગતો જણાવી

રાજકોટ તા. ૩: આવતીકાલે કણકોટ એન્‍જિનીયરીંગ કોલેજ ખાતે લોકસભા ચૂંટણીની મત ગણતરી થશે. આ સ્‍થળે શાંતિપુર્ણ માહોલમાં મત ગણતરી થાય તે માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયાના માર્ગદર્શન હેઠળ ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો છે. ડીસીપી જગદીશ બાંગરવાના જણાવ્‍યા મુજબ બંદોબસ્‍ત ત્રણ લેયરમાં ગોઠવામાં આવ્‍યો છે. જેમાં પ્રથમ લેયરમાં સીપીએસ, બીજી લેયરમાં એસઆરપીના ગાર્ડ અને ત્રીજી બહારની લેયરમાં સ્‍થાનિક શહેરના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ રહેશે.

મત ગણતરી સ્‍થળે ૪ એસીપી, ૧૦ પીઆઇ, ૪૦ પીએસઆઇ, ૪૫૦ પોલીસ કર્મચારીઓ, ૪૦ એસઆરપી જવાન, સીપીએસએફના ૨૦ જવાનો, ટ્રાફિક બંદોબસ્‍તમાં એક એસીપી, બે પીઆઇ, ૧૦ પીએસઆઇ, ૯૬ પોલીસ કર્મચારીઓ, ૧૩૨ ટીઆરબી અને ૩૨ હોમગાર્ડ જવાન રહેશે. મત ગણતરી બંદોબસ્‍ત સવારે ૪ વાગ્‍યાથી શરૂ થઇ જશે. મત ગણતરી સ્‍થળ પર મોબાઇલ ફોન, કોમ્‍યુનિકેશનના સાધના, સ્‍માર્ટ વોચ, ધુમ્રપાનના સાધનો વગેરે પ્રતિબંધીત રહેશે. સીધા મત ગણતરી સાથે કનેક્‍ટેડ છે તેમણે જ મત ગણતરી સ્‍થળ પર આવવા ડીસીપી જગદીશ બાંગરવાએ અનુરોધ કર્યો હતો.  

(3:26 PM IST)