News of Monday, 3rd June 2024
મનપામાંથી સાગઠિયા - મકવાણા સસ્પેન્ડ
બંને અધિકારીઓ દ્વારા ફરજ દરમિયાન બેદરકારી તથા નબળી કામગીરી તપાસમાં ખુલી : મનપાની પ્રતિષ્ઠાને હાની પહોંચે તેવું કૃત્ય કરવા તથા ફોજદારી કેસ નોંધાતા મ્યુ. કમિશનરનું કડક પગલું

રાજકોટ,તા.૩: મહાનગરપાલિકાના ટીપીઓ સાગઠિયા, બે એટીપીએ મકવાણા અને જોષી તથા ફાયર સ્ટેશન ઓફિસર વિગોરાની ધરપકડ કરવામાં આવી છે ત્યારે ટાઉન પ્લાનર અને આસી.ટાઉન પ્લાનરને શુક્રવારે ૧૨ દિવસના રિમાન્ડ પર છે અને ઉંડી પુછપરછ તથા તપાસ ચાલી રહ્યા છે. રાજય સરકારી કર્મચારી કે અધિકારી કોઇ ગુના સબબ પોલીસ હિરાસતમાં આવે અને ૪૮ કલાક કે તેથી વધુ સમય માટે કસ્ટડીમાં રહે તેને સસ્પેન્ડ કરવામાં આવે છે ત્યારે મનપાના ટાઉન પ્લાનર એમ.ડી.સાગઠીયા અને આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર મુકેશ મકવાણાને કામમાં બેદરકારી અને મનપાનીપ્રતિષ્ઠાને હાની પહોંચાડવા બદલ સસ્પેન્ડનો હુકમ મ્યુનિ. કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે.
મ્યુનિ.કમિશનરે એમ.ડી.સાગઠીયા અને આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર મુકેશ મકવાણાને કરેલ સસ્પેનડના હુકમમાં જણાવ્યુ હતુ કે, તેઓએ બજાવેલ ફરજ દરમિયાનની કામગીરી નબળી હોવાનું અને પોતાના હોદ્દાની મૂળભૂત ફરજ પ્રત્યે બેદરકારી દાખવેલ હોવાનું ફલિત થાય છે અને તેઓની મહાનગરપાલિકાની કામગીરી અન્વયેની સોંપવામાં આવેલ ફરજ પ્રત્યેની ગેરજવાબદારી, બેદરકારી, શીથીલતા અને નિષ્કાળજી તેમજ મહાનગરપાલિકાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવા કૃત્ય કરવા અને ફોજદારી કેસ સબબ ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો-૧૯૭૧નાં પ્રકરણ-૫ની જોગવાઇ ૭(ર)(બ) મુજબ ધરપકડ કર્યાના ૪૮ કલાકથી વધારે સમય થયેલ હોય, ધી જી.પી.એમ.સી. એકટ-૧૯૪૯ની કલમ-૫૬(ર)(એફ) હેઠળ અમોને મળેલ સત્તાની રૂ એ ધરપકડ કર્યાની તા. ૩૦ મે ની અસરથી અત્રેની ફરજોમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે છે.
મનપામાં હજુ ટાઉનપ્લાનર
ઓફિસર તરીકે એમ.ડી.સાગઠિયા !
સસ્પેન્શનનો કોરડો વીંઝાવાથી ખુદ જ તંત્ર અજાણ ? કચેરીમાં નેમપ્લેટ યથાવત
રાજકોટ : મ્યુનિ. કોર્પોરેશનમાં ગેમઝોનની ઘટનાના ઇતિહાસમાં ક્યારેય ન પડયા હોય તેવા પડઘા પડી રહ્યા છે. પોલીસ રીમાન્ડ પર રહેલા પૂર્વ ટીપીઓ સહિતના બે અધિકારીઓને મનપામાંથી સસ્પેન્ડ કરવાનો હુકમ મ્યુનિ. કમિશનરે તા. ૧ જૂનનાં કર્યો છે ત્યારે આજ દિવસ સુધી ઢેબર રોડ પર આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીના પ્રથમ માળે આવેલ ટાઉન પ્લાનર ઓફિસર તરીકે એમ.ડી.સાગઠીયાની નેમપ્લેટ હજુ લટકતી જોવા મળી રહી છે. અધિકારીને સસ્પેન્ડ થયાના બે દિવસ બાદ પણ નેમપ્લેટ ઉતારવાના ધ્રુજતા હાથ કે અન્ય કોઇ કારણ ? આ અંગે મનપાની લોબીમાં તરહ તરહની ચર્ચાઓ જાગી છે. અત્રે નોંધનીય છે કે, અગ્નિકાંડની ઘટના બાદ સરકારે તત્કાલિન ટીપીઓ એમ.ડી.સાગઠીયા પાસેથી ચાર્જ લઇને આ હવાલો રાજ્ય સરકારના ટાઉન પ્લાનર પંડયાને સોંપ્યો હતો અને ટાઉન પ્લાનીંગ અધિકારી પંડયા મનપામાં હાજર થઇ ગયા છે
(4:26 PM IST)










