<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

કયારે ચુપ રહેવુ અને કયારે ચુપ ન રહેવુ તે ફીલસુફી રજુ કરતુ ગુજરાતી ફિલ્‍મ ‘ચુપ' : શુક્રવારે રીલીઝ

મીસ્‍ટ્રી, થ્રીલર, કોમેડીનો કોમ્‍બો : ફિલ્‍મમાં અભિનયના ઓજસ પાથરનાર હેમાંગ દવે, હેમીન ત્રિવેદી, આકાશ પંડયા, વીકી શાહ અને ડીરેકટર નિશીથકુમારે વર્ણવી વિગતો : દર્શકોને સંતોષ થઇ જાય તેવી પુરી ટીમની કાબીલેદાદ મહેનત

રાજકોટ તા. ૩ : મીસ્‍ટ્રી, થ્રીલર, કોમેડીનો કોમ્‍બો રજુ કરતી ગુજરાતી ફિલ્‍મ ‘ચૂપ' આગામી તા. ૭ જુનથી ગુજરાત અને મુંબઇના સીનેમાઘરોમાં રીલીઝ થવા જઇ રહી છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આ ફિલ્‍મમાં અભિનયનો ઓજસ પાથરનાર કલાકારો હેમાંગ દવે, આકાશ પંડયા, વીકી શાહ, હેમીન ત્રિવેદી અને દીકદર્શક નિશીથકુમાર બ્રહ્મભટ્ટે જણાવ્‍યુ હતુ કે દર્શકોને સંતોષ થઇ જાય તેવી મહેનત ફિલ્‍મની પુરી ટીમે કરી છે. ર કલાકની આ ફિલ્‍મમાં ખુબ સરસ ફીલસુફી રજુ કરવાનો પ્રયાસ કરાયો છે. ખાસ કરીને માણસે કયારે ચુપ રહેવુ અને કયારે ચુપ ન રહેવુ તે શીખવા જેવુ છે. બસ આ આવડત ઉપર પ્રકાશ પાડવાનું કામ આ ફિલ્‍મે કર્યુ છે. ભીતરના ઘોંઘાટને જરૂર પડયે બહાર કાઢતા પણ શીખી લેવુ જરૂરી હોવવાનો સંદેશ અહીં રજુ થયો છે.

ડી. બી. પીકચર્સ નિર્મિત અને ઋષિકુમાર ઠકકરની કલમે લખાયેલ આ ફિલ્‍મની કથા વિક્રમ અને વિદ્યા નામના એક આધેડ વયના કપલ અને ત્રણ યુવા મિત્રોની આસપાસ વણાયેલી છે. જીગો એક ગભરૂ સ્‍વભાવનો માણસ છે. તો ઇન્‍સ્‍પેકટર વાઘમારે નામથી વિપરીત સ્‍વભાવ ધરાવે છે. રોહન, વીકી, આયુષી, રાજવી આ બધા રોજ મળતા મિત્રો છે. એક વખત રાજવી એક છોકરીનું મર્ડર થતા જોઇ જાય છે. પરંતુ શું તેણે જોયેલુ આ દ્રશ્‍ય વાસ્‍તવીકતા છે કે ભ્રમ? તે બાબતે અનેક સવાલો સર્જાય છે. આ વાત પર અનેક વળાંકો લેતી આગળ  વધતી આ ફિલ્‍મમાં છેલ્લે શું સસ્‍પેન્‍શ ખુલે છે તે જાણવા દર્શકોએ ફિલ્‍મ નિહાળવી પડશે.

ફિલ્‍મનું ટાઇટલ સોંગ પણ જમાવટ કરે છે. ‘જીવન છે ચુપ, શ્વાસો છે ચુપ, ધબકાર છે ચુપ, મારી જ અંદરનો માણસ છે ચુપ' આ શબ્‍દો ટાઇટલ શોંગના છે. જે દર્શકોને હૈયે અને હોઠે ચડી જાય તેવા છે.

આમ તો મુખ્‍ય ભુમિકામાં હિતેનકુમાર છે. ઉપરાંત મોરલી પટેલ, હિના જયકીશન, ધ્‍વની રાજપુત, પુજા દોશી, મગન લુહારે પણ અભિનય આપ્‍યો છે. તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ફિલ્‍મના ડાયરેકટર નિશીથકુમાર ઉપાધ્‍યાય અને બાજુમાં કલાકારો હેમાંગ દવે, આકાશ પંડયા, વીકી શાહ, હેમીન ત્રિવેદી નજરે પડે છે.

(4:53 PM IST)