News of Monday, 3rd June 2024
મિલ્કતોના સીલ તથા ફાયર પ્રક્રિયા માટે ડે. કમિશનર સહીતના પ લોકોની કમીટી બનાવાઇ
મનપા તંત્ર દ્વારા કાર્યવાહી બાદ મ્યુ. કમિશનર દ્વારા ફાયર સેફટી મામલે જાહેરાત

રાજકોટ, તા., ૩: ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજયભરમાં વિવિધ મિલ્કતોના ફાયર એનઓસી તથા બાંધકામ પરવાનગી અંગે ચેકીંગનો ધમધમાટ ચાલી રહયો છે. પરવાનગી વગરની મિલ્કતોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ મનપા તંત્ર દ્વારા ઉપરોકત પરવાનગી મુદ્દે કડક ચેકીંગ હાથ ધરી રહયું છે.
આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટ શહેરમાં એકતરફ ફાયર એનઓસી વિનાની શાળા, થિયેટર, સમાજની વાડી, બેંક સહિતના સ્થળોએ ચકાસણી કરવામાં આવે છે અને આ ચકાસણીમાં ફાયર એનઓસી વિનાના સ્થળો સીલ કરવામાં આવે છે. મનપા તંત્ર દ્વારા આ માટે ૧૮ વોર્ડમાં ૬-૬ અધિકારીઓ તથા કર્મચારીઓની ટીમ બનાવવામાં આવી છે.
વધુમાં બીજી તરફ મનપાના નવી ફાયર એનઓસીની મંજુરી અને રીન્યુ સહીતનું કામકાજ સ્થગીત કરવામાં આવતા વેપારી આલમમાં વિરોધના વંટોળ જોવા મળી રહ્યો છે તેમજ છેલ્લા મહિનામાં નવી ફાયર એનઓસીની મંજુરી અને રીન્યુ કરવાની ૨૦૦થી વધુ આવેલ અરજીઓની ફરી ચકાસણી કરવા મ્યુનિ. કમિશનરે સુચના આપી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
નાના મોટા દુકાનદારોથી માંડી નાની હોટલ, સુપર માર્કેટ જેવા ધંધાર્થીઓએ ફાયર એનઓસી લેવાનું કે નહી, જો લેવાનું હોય તો કયા નિયમ હેઠળ સહિતના મુદ્દે વેપારી આલમમાં પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે.
નિયમોમાં ખુબ દ્વીધા હોવાથી વેપારીઓ ભારે મુંઝવણમાં મુકાયા છે. ત્યારે મ્યુ.કમિશનર દેવાંગ દેસાઇએ જણાવેલ કે, તંત્ર મુજબ હાલ છેલ્લા ફાયર નિયમ ર૦ર૩ મુજબ કાર્યવાહી અને નિયમની અમલવારી કરવામાં આવશે. બધી મિલ્કતો આ નિયમ હેઠળ આવરી લેવાશે. જો કે હાલના સમયમાં જાહેર તથા મોટા સ્થળોમાં ચેકીંગને પ્રાથમીકતા આપવામાં આવી છે.
ઉપરાંત સીલ ખોલવા, નવી અરજી તથા રીન્યુ માટેની પ્રક્રીયા થોડી લાંબી હોય છે. જેમાં ઘણી ચકાસણી કરવી પડે છે. તેથી ૩ નાયબ કમિશનરની કમીટી સમગ્ર વર્કઆઉટ કરનાર છે.
જયારે અમદાવાદમાં ફાયર માટે ૪ માળ કે ૧પ મીટરની ઉંચાઇનો નિયમ છે. પણ મ્યુ. કમિશનર મુજબ છેલ્લો ર૦ર૩નો ફાયર નિયમ અમલમાં છે. જેમાં પ૦૦ ચો.મીટરથી વધુનું બધુ બાંધકામ ફાયર નિયમ હેઠળ આવરી લેવામાં આવે છે.
ઘણી જગ્યાએ ફાયર એનઓસી લાગુ ન પડતુ હોય પણ ત્યાં કોઇ નિયમને પાત્ર વેપાર કરવામાં આવતો હોય તો હેતુફેરમાં અલગથી એનઓસી લેવુ પડશે.
હાલ મનપાનો તમામ સ્ટાફ ફિલ્ડ ચેકીંગમાં હોય ઓફીસમાં ખુબ જ જુજ કર્મચારીઓની હાજરી છે. જો કે થોડા દિવસમાં ફાયર તથા ટાઉન પ્લાનીંગ શાખામાં રૂટીન કામ પુર્વવત થશે અને વધુ સ્ટાફની માંગણી પણ કરાશે. સાથે બેંક-પેટ્રોલ પંપ માટે અલગથી ચકાસણી કરાશેનું પણ મ્યુ.કમિશનર દેસાઇએ જણાવ્યું હતું.
(5:13 PM IST)










