<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

TRP ગેમ ઝોનમાં કેમ ના થયું ડિમોલેશન?: ચૂંટણીના પરિણામ બાદ રાજકોટ સંગઠનમાં મોટા ફેરફારના સંકેત

શું માત્ર અધિકારીઓના વલણથી કાર્યવાહી અટકી છે કે કોઇ નેતાને આ ગેમ ઝોનનું ડિમોલેશન અટકાવવામાં રસ હતો? : નેતાના અનેક કારનામાની ચિઠ્ઠી પાર્ટી હાઇકમાન્ડ સુધી પહોંચી ?

રાજકોટમાં TRP ગેમઝોનમાં બનેલી દુર્ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. રાજ્ય સરકારે SITની રચના કરીને આ કેસમાં ગંભીર પગલા લેવાની તૈયારી બતાવી છે અને એટલા માટે જ રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર સહિત ચાર જેટલા અધિકારીઓને પકડી પાડવામાં આવ્યા છે.

 આ કેસમાં ભુતકાળમાં આ જ સ્થળે આગ લાગી હોવા છતાં અને ટીપી શાખાએ ડિમોલેશનની તૈયારીઓ કરી દેવા છતા કેમ કાર્યવાહી ન થઇ તે મોટો સવાલ છે. આ જ કારણે અધિકારીઓની જવાબદારી ફિક્સ કરીને તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ શું માત્ર અધિકારીઓના વલણને કારણે જ આ કાર્યવાહી અટકી છે કે પછી કોઇ નેતાને આ ગેમ ઝોનનું ડિમોલેશન અટકાવવામાં રસ હતો તે મોટો સવાલ છે.

રાજકોટમાં ચર્ચાતી વિગત પ્રમાણે ભાજપના સંગઠનના એક નેતાના ગેમ ઝોનના માલિક સાથેના ઘરોબાને કારણે આ કાર્યવાહીમાં વિલંબ થયો છે. આ નેતા અને ગેમ ઝોનના માલિક પ્રકાશ જૈન વચ્ચે ગાઢ મિત્રતા હતી. જેના કારણે જ્યારે પણ મહાનગરપાલિકા કાર્યવાહીની વાત કરતી ત્યારે આ નેતા વચ્ચે આવતા હોવાની ચર્ચા છે. આ નેતાના અનેક કારનામાની ચિઠ્ઠી પાર્ટી હાઇકમાન્ડ સુધી પહોંચી છે, જેના કારણે ચૂંટણી પછી રાજકોટના સંગઠનમાં ફેરફાર થાય તેવી શક્યતા પ્રબળ રીતે જોવાઇ રહી છે

(8:11 PM IST)