તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th June 2024
૩૦મીથી ગૂમ લાકડધારના હીરાભાઇની અડધુ હાડપીંજર થઇ ગયેલી લાશ મળી
૫૮ વર્ષિય પ્રોૈઢ આટો મારવા જવાનું કહીને બાઇક લઇને નીકળ્યા હતાં: ગઇકાલે લાશ વિઠ્ઠલપરના તળાવમાંથી, મોબાઇલ અને બાઇક અડધો તથા એક કિ.મી. દૂરથી મળ્યાઃ ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતાં હતાં: અણીયારીયા પરિવારમાં શોકઃ વાંકાનેર તાલુકા પોલીસે તપાસ આદરી : નશો કરવાની આદત હતીઃ બનાવ હત્યાનો કે અન્ય કોઇ રીતે મોત થયું? તે જાણવા રાજકોટમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ

હીરાભાઇનો ફાઇલ ફોટો અને જે હાલતમાં તેમનો મૃતદેહ મળ્યો તે જોઇ શકાય છે
રાજકોટ તા. ૪: વાંકાનેર તાબેના લાકડધાર ગામના પ્રોૈઢ ચાર દિવસ પહેલા બાઇક લઇને આટો મારવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ ગૂમ થઇ જતાં પરિવારજનોએ ઠેકઠેકાણે શોધખોળ શરૃ કરી હતી. આ દરમિયાન ગઇકાલે ગામથી નજીકના વિઠ્ઠલપર ગામના તળાવમાંથી તેમની અડધુ હાડપીંજર થઇ ગયેલી લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. વળી લાશ જ્યાંથી મળી ત્યાંથી એક તરફ અડધો કિલોમીટર દૂરથી તેમનો મોબાઇલ ફોન અને બીજી તરફ એકાદ કિલોમીટર દૂરથી મળી આવ્યું હતું. મૃતકને નશો કરવાની આદત હતી. આ બનાવ હત્યાનો હોવાની શંકા પરિવારજનોએ દર્શાવતા પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો છે.
બનાવની જાણવા મળેલી માહિતી મુજબ લાકડધાર ગામે રહેતાં હીરાભાઇ ધનાભાઇ અણીયારીયા (ઉ.વ.૫૮) નામના પ્રોૈઢ તા. ૩૦ના રોજ ઘરેથી મોટરસાઇકલ લઇને આટો મારવા જવાનું કહીને નીકળ્યા બાદ મોડી રાત સુધી પરત ન આવતાં પરિવારજનોએ શોધખોળ શરૃ કરી હતી. બીજા દિવસે તેમનો ફોન સતત રણકતો હતો પણ રિસીવ થતો નહોતો. પરિવારજનો અને મિત્રોએ શોધખોળ શરૃ કરી હતી. એ દરમિયાન પરમ દિવસે નજીકના વિઠ્ઠલપર ગામના તળાવથી અડધો કિલોમીટર દૂરથી હીરાભાઇનો ફોન એક રાહદારીને મળ્યો હતો જે તેણે હીરાભાઇના સ્વજનોને આપ્યો હતો.
આથી હીરાભાઇ વિઠ્ઠલપર ગામ આસપાસ હોવાની શંકાએ ગઇકાલે ફરી તપાસ શરૃ કરવામાં આવી હતી. એ દરમિયાન તળાવથી એકાદ કિલોમીટર દૂરથી તેમનું બાઇક મળી આવ્યું હતું. ત્યારબાદ હીરાભાઇના મિત્ર રઘુરામભાઇને વિઠ્ઠલપરના ખાલી તળાવમાંથી હીરાભાઇનો મૃતદેહ મળી આવતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતાં વાંકાનેર તાલુકા પોલીસ દોડી ગઇ હતી.
હીરાભાઇના માથાથી કમર સુધીનો શરીરનો ભાગ હાડપીંજર થઇ ગયો હતો. મૃત્યુ બાદ કદાચ કોઇ જનાવરો ખાઇ ગયાની શકયતા જણાઇ હતી. તેના કપડા સહિતને આધારે પરિવારજનોએ આ મૃતદેહ હીરાભાઇનો જ હોવાનું ઓળખી બતાવ્યું હતું. મોત કઇ રીતે થયું? તે જાણવા પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડ્યો છે.
મૃત્યુ પામનાર હીરાભાઇ પાંચ ભાઇ અને પાંચ બહેનમાં ત્રીજા હતાં. તેમને સંતાન નથી. પોતે પત્નિ પાંચીબેન સાથે રહી ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતાં હતાં. ભત્રીજા વિજયભાઇના કહેવા મુજબ હીરાભાઇને નશો કરવાની આદત હતી. જો કે જે રીતે લાશ જ્યાંથી મળી તેની બે અલગ અલગ દિશામાંથી બાઇક અને મોબાઇલ ફોન મળ્યા હોઇ મોત શંકાસ્પદ જણાય છે. પોલીસે ફોરેન્સિક રિપોર્ટ બાદ આગળ કાર્યવાહી કરશે. આ બનાવથી અણીયારીયા પરિવાર અને ગામમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
(11:47 AM IST)










