<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

કેન્‍દ્રના પ્રશ્‍નોને પ્રાધાન્‍ય આપવામાં આવશે : રાજેશ ચુડાસમાની જુનાગઢ બેઠક પર વિજયની હેટ્રિક

ભાજપને ૫,૭૮,૫૧૬, કોંગ્રેસના હીરાભાઈ જોટવાને ૪,૪૪,૧૫૬ મત મળ્‍યા, ૧,૩૪,૩૬૦ મતની લીડથી જીત

 (વિનુ જોશી દ્વારા)  જુનાગઢ તા. ૪ : લોકસભાની જૂનાગઢ બેઠક પર ભાજપના ઉમેદવાર  રાજેશ ચુડાસમાએ હેટ્રિક લગાવી છે. અને તેમનો વિજય ૧,૩૪,૩૬૦ મતની લીડથી થતા તેમના સમર્થકોમાં ખુશી વ્‍યાપી ગઈ છે.

મત ગણતરીના અંતે ભાજપના રાજેશ ચુડાસમાને ૫,૭૮૫૧૬ મત મળ્‍યા હતા. જ્‍યારે તેમના હરીફ કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાને ૪,૪૪,૧૫૬ મત મળ્‍યા હતા. આમ રાજેશ ચુડાસમાની ૧,૩૪,૩૬૦ મતની લીડથી જીત થઈ છે.

સતત ત્રીજી વખત ચૂંટાયેલા રાજેશ ચુડાસમા જુનાગઢ તેમજ ગીર સોમનાથ જિલ્લાના મતદારો સમર્થકો પાર્ટીના આગેવાનો કાર્યકરોનો આભાર વ્‍યક્‍ત કરતા જણાવ્‍યું હતું કે, નાની વયે સતત ત્રીજી વખત વિજય થતા જરૂરથી ખુશી છે. આ સાથે જુનાગઢ લોકસભા મતવિસ્‍તારના વિકાસને લઈને પણ જવાબદારી વધી છે.

તેઓએ વધુમાં જણાવ્‍યું હતું કે, કેન્‍દ્ર સંબંધિત પ્રશ્‍નો જેવા કે રેલવે, એરપોર્ટ, ફીસરીઝ સહિતના પ્રશ્‍નોને  પ્રાધાન્‍ય આપી વધારેમાં વધારે વિકાસ થાય તે દિશામાં  પ્રયાસો કરવામાં આવશે.

  ખાસ તો જૂનાગઢ બેઠક પર ૧૧ ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. આમાં મુખ્‍ય ફાઇટ ભાજપ અને કોંગ્રેસ વચ્‍ચે રહી હતી. ભાજપના લોકસભાના ઉમેદવાર રાજેશભાઇ ચુડાસમા હેટ્રીક લગાવી શકે છે કે, કોંગ્રેસના હિરાભાઇ જોટવા મેદાન મારી જાય છે તેની લાંબા સમયથી ચાલતી ઇન્‍તેજારીનો આજે મત ગણતરી પૂરી થયા બાદ અંત આવ્‍યો છે.

 કુલ ૭ વિધાનસભા બેઠકના ૧,૮૪૭ મતદાન મથકોના મતોની ૧૩૫ રાઉન્‍ડમાં ગણતરી  શાંતિરીતે પૂર્ણ થઇ છે. 

 ૧૦૬ સીસીટીવી, થ્રી લેયર સિકયુરીટી મતગણતરી માટે ૧૮ કાઉન્‍ટિંગ સુપરવાઇઝર, ૧૮ કાઉન્‍ટિંગ મદદનીશ, ૧૮ માઇક્રો ઓબઝર્વર મળી કુલ ૩૭૮ સ્‍ટાફ રિઝર્વ સહિત નિયુક્‍ત કરાયેલ. વધુમાં પોસ્‍ટલ બેલેટ માટે ૩૦ કાઉન્‍ટિંગ સુપરવાઇઝર, ૬૦ કાઉન્‍ટિંગ મદદનીશ અને ૩૦ માઇક્રો ઓબઝર્વરની રિઝર્વ સહિત નિયુક્‍તિ કરાઇ. તમામ વિધાનસભા માટે કુલ ૬૭૦ કાઉન્‍ટીંગ એજન્‍ટની નિમણુંક કરાઇ. સીપીએફ સહિતની થ્રી લેયર સિકયુરીટી ગોઠવાઇ. તમામ કાઉન્‍ટીંગ રૂમ અને સ્‍ટ્રોંગ રૂમ ઉપર ૧૦૬ સીસીટીવી કેમેરા લગાવાયો. જૂનાગઢ લોકસભા માટે ૨ કાઉન્‍ટિંગ ઓબઝર્વર નિમાયેલા.

મત ગણતરીના સ્‍થળે બ્‍લોક એ, બ્‍લોક ડી, બ્‍લોક ઇ અને પોસ્‍ટલ બેલેટની મત ગણતરીના સ્‍થળે ફાયર એક્ષ્ટીંગ્‍યુસરની વ્‍યવસ્‍થા કરાઇ. ઉપરાંત ૫ વાહનો સાથે કુલ ૧૩ કર્મીઓનો સ્‍ટાફ મત ગણતરીના સ્‍થળે સ્‍ટેન્‍ડ બાય હતા.

જુનાગઢ બેઠક પરથી ભાજપ : રાજેશ ચુડાસમા  કોંગ્રેસ  : હિરાભાઇ જોટવા, અપક્ષ : ભાવેશભાઇ બોરીચા, અપક્ષ : નાથાભાઇ ડાકી, અપક્ષ : દેવેન્‍દ્રભાઇ મોતીવરસ, અપક્ષ : દાનસીંગભાઇ વાઢેર, અપક્ષ : ગોરધનભાઇ ગોહેલ, અપક્ષ : આરબભાઇ સુમરા,  બહુજન સમાજ પાર્ટી : જયંતિલાલ માકડીયા  રાઇટ ટુ રિકોલ પાર્ટી : ઇશ્વરભાઇ સોલંકી અને લોગ પાર્ટી : અલ્‍પેશકુમાર ત્રાંબડીયાના ભાવિનો ફેસલો  થયો છે.

(4:02 PM IST)