તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th June 2024
અગ્નિકાંડના મામલે પૂર્વ પોલીસ-મ્યુનિ. કમિશનર સહિત ૧૩ સામે કોર્ટમાં ફરીયાદ
બે કમિશનરો સહિત ૧૩ રાજય સેવકો વિરૂધ્ધની ક્રિમીનલ ફરીયાદને રજીસ્ટર લઇ એફ.આઇ.આર. ની તપાસનો ર૦ જુન સુધીમાં રિપોર્ટ કરવા કોર્ટનો આદેશઃ એડવોકેટ વિનેશ છાયાની ફરીયાદ ઉપરથી કોર્ટે તપાસનો આદેશ આપ્યો : મનુસ્યવધ, સાપરાધ વધ, જીંદગીનો જોખમમાં મુકવાની ગંભીર કલમો હેઠળ કોર્ટમાં ફરીયાદ થતા ઉચ્ચ અધિકારીઓમાં ફફડાટ

રાજકોટ તા. ૩૦ :.. ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડ મામલે રાજકોટના તત્કાલીન પોલીસ કમિશનર, મ્યુનિસીપલ કમિશનર સહિત ૧૩ અધિકારીઓ સામે આઇપીસી કલમ ૩૦૪, ૩૦૮, ૩૩૭, ૩૩૮, અને ૧૧૪ હેઠળ કાર્યવાહી કરવા રાજકોટના ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ફરીયાદ કરવામાં આવી છે.
જેમની સામે કોર્ટમાં ફરીયાદ કરવામાં આવી છે તેમાં રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર રાજૂ ભાર્ગવ, પૂર્વ મ્યુનિસીપલ કમિશનર આનંદ પટેલ, પુર્વ ડીસીપી સુધીર દેસાઇ, પૂર્વ એડીશનલ પોલીસ કમિશનર વિધી ચૌધરી, ટાઉન પ્લાનીંગ શાખાના આસીસ્ટન્ટ ઇજનેર જયદીપ ચૌધરી, આસીસ્ટન્ટ ટાઉન પ્લાન ગૌતમ જોષી, ફાયર સ્ટેશન ઓફીસર રોહિત વિગોરા, માર્ગ-મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર એમ. આર. સુમા, તત્કાલીન મદદનીશ ઇજનેર પારસ કોઠીયા, રીડર શાખાના પીઆઇ વી. આર. પટેલ, તાલુકા પોલીસ મથકના તત્કાલીન પીઆઇ એન. આઇ. રાઠોડ, ચિફ ફાયર ઓફીસર ઇલેશ ખેર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર ભીખાભાઇ ઠેબા ઉપરાંત તપાસમાં ખુલે તે તમામનો સમાવેશ થાય છે.
ફરીયાદી એડવોકેટ વિનેશ છાયાએ જણાવ્યું કે ફરીયાદના પગલે અદાલતે તપાસ પોતાની પાસે રાખી તાલુકા પોલીસને આગામી તા. ર૦ જૂન સુધીમાં રીપોર્ટ કરવા આદેશ કર્યો છે.
ફરીયાદમાં તમામ આરોપીઓએ પોતાની ફરજમાં બેદરકારી દાખવતા ત્રીસેક જણાના મોત નિપજયાનું જણાવાયું છે. જેને કારણે તમામ અધિકારીઓ વિરૂધ્ધ સાપરાધ મનુષ્ય વધની કલમ હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
ગુજરાતના રાજકોટની એક અદાલતે IPS અને IAS અધિકારીઓ, જેઓને દુર્ઘટના પછી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, સામે ફોજદારી કેસ નોંધવાની માંગણી કરતી અરજી પર TRP ગેમ ઝોન આગની તપાસ કરતી SIT પાસેથી રિપોર્ટ માંગ્યો છે.
ક્રિમિનલ ઇન્ક્વાયરી પિટિશનમાં રાજકોટના તત્કાલિન પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ અને બદલી કરાયેલા બે IPS અધિકારીઓ અને ૨૫ મેની ઘટના બાદ સસ્પેન્ડ કરાયેલા નવ અધિકારીઓ સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ્સ (એફઆઇઆર) માંગવામાં આવી હતી જેમાં ૨૭ લોકોના મોત થયા હતા.
એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બી પી ઠાકરે બુધવારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ને નોટિસ પાઠવી હતી, જેમાં ૨૦ જૂન સુધીમાં તમામ અધિકારીઓ સામે ચાલી રહેલી તપાસનો સ્ટેટસ રિપોર્ટ માંગવામાં આવ્યો હતો, એમ અરજદાર વિનેશ છાયાનું પ્રતિનિધિત્વ કરતા વકીલ રાજેશ જલુએ જણાવ્યું હતું.
ફરીયાદમાં જે અરજ કરવામાં આવી છે તે મુજબ આ કામના તમામ આરોપીઓ વિરૂધ્ધ પોતાની ફરજમાં બેદરકારીના કારણે અનેક વ્યકિતઓનમૃત્યુ થવાના સંભવ હોવાની જાણકારી હોવા છતાં પોતાના ફરજમાં બેદરકારી દાખવેલ જેના કારણે આશરે ત્રીસેક વ્યકિતઓના મૃત્યુ થયા હોય જેથી તેઓ વિરૂધ્ધ સાપરાધ મનુષ્ય વધની ઇ.પી.કો. ક-૩૦૪ હેઠળ સખ્ત સજાને પાત્ર છે.
આ કામના તમામ આરોપીઓ વિરૂધ્ધ પોતાની ફરજમાં બેદરકારીના કારણે અનેક વ્યકિતઓને વ્યથા થાય તેવી સંભવ હોવાની જાણકારી હોવા છતાં પોતાની ફરજમાં બેદરકારી દાખવેલ જેના કારણે અનેક વ્યકિતઓનો વ્યથા પહોંચેલ હોય જેથી તેઓ વિરૂધ્ધ ગુન્હાતી મનુષ્ય વધ કરવાની કોશીષ સબબ ઇ.પી.કો. ક-૩૦૮ હેઠળ સખ્ત કાર્યવાહી થવી જોઇએ.
તમામ આરોપીઓ વિરૂધ પોતાની ફરજમાં બેદરકારીના કારણે અનેક વ્યકિતઓની જીંદગી કે શારીરિક સલામતી ઉપર જોખમ ઉભું થાય તેવી સંભાવના હોવાથી જાણકારી હોવા છતાં પોતાની ફરજમાં બેદરકારી દાખવેલ જેના કારણે અનેક વ્યકિતઓની જીંદગી કે શારીરિક સલામતી જોખમમાં મુકતુ કૃત્ય કરીને વ્યથા પહોડચાવા સબબ ઇ.પી.કો. ક-૩૩૭ હેઠળ સખ્ત સજા ફરમાવવા અરજ છે.
આ કામે તમામ આરોપીઓ વિરૂધ્ધ પોતાની ફરજમાં બેદરકારીના કારણે અનેક વ્યકિતઓની જીંદગી કે શારીરિક સલામતી ઉપર જોખમ ઉભુ થાય તેવી સંભાવના હોવાની જાણકારી હોવા છતાં પોતાની ફરજમાં બેદરકારી દાખવેલ જેના કારણે અનેક વ્યકિતઓની જંદગી કે શારીરિક સલામતી જોખમમાં મુકતુ કૃત્ય કરીને મહાવ્યથા પહોંચાડવા સબબ ઇ. પી. કો. ક-૩૩૮ હેઠળ ગુનો દાખલ કરાવી યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી છે.
આ કામે ફરીયાદી વતી એડવોકેટ કેતન ડી. શાહ, શ્યામલ સોનપાલ, મનોજભાઇ તંતી, આનંદ જોષી, નિલેષ વેકરીયા, રવિ ધ્રુવ, રાજેશ જલુ રોકાયા હતાં.
(4:26 PM IST)










