News of Saturday, 8th June 2024
રીઢા વાહનચોર સાજીદને તાલુકા પોલીસે દબોચ્યોઃ ૪ ટુવ્હીલર કબ્જે
અગાઉ ૧૨ વાહનો, એક ઠગાઇના ગુનામાં સંડવણીઃ બે વખત પાસાની હવા પણ ખાઇ ચુક્યો છેઃ હેન્ડલ લોક તોડી ઉઠાંતરી કરતો

રાજકોટ તા. ૮: વાહન ચોરીના અગાઉ એક ડઝન ગુનામાં સંડોવાઇ ચુકેલા અને બે વખત પાસાની હવા ખાઇ ચુકેલા રીઢા વાહન ઉઠાવગીરને વધુ એક વખતે તાલુકા પોલીસે પકડયો છે. આ વખતે તેણે ચાર વાહનોની ચોરી કબુલી છે. મોજશોખ માટે હેન્ડલ લોકવાળા ટુવ્હીરલ ખાસ કરીને એક્સેસના લોક તોડી ડાયરેક્ટ કરી નંબર પ્લેટ કાઢીને તે ચોરાઉ વાહનો ફેરવવાનો શોખ ધરાવે છે.
શહેરમાં વાહન ચોરીના બનાવો અટકાવવા અને આવા ગુના શોધી કાઢવા સુચના મળી હોઇ તાલુકા પોલીસની ટીમ સક્રિય બની હતી એ દરમિયાન કુલદિપસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા અને ક્રિપાલસિંહ ઝાલાને બાતમી મળી હતી કે વાવડી ૮૦ ફુટ રોડ મટુકી રેસ્ટોરન્ટ નજીક એક શખ્સ નંબર વગરના એક્સેસ સાથે ઉભો છે અને આ વાહન ચોરાઉ છે. જેના આધારે ત્યાં જઇ તપાસ કરતાં બાતમી મુજબનો શખ્સ ઉભો હોઇ તેની પુછતાછ કરતાં પોતાનું નામ સાજીદ બાબુભાઇ સેતા (ઉ.વ.૩૪-રહે. બજરંગવાડી-૧૩, અલ્તાફભાઇ કુરેશીના મકાનમાં, ભાડેથી રામાપીરના મંદિર પાસે) જણાવ્યું હતું.
તેની પાસેના વાહનના કાગળો અને નંબર પ્લેટ અંગે પુછતાછ કરવામાં આવતાં તેણે ગલ્લા તલ્લા કરતાં આકરી પુછતાછ થતાં તેણે આ વાહન વીસેક દિવસ પહેલા મવડી રામધણ આશ્રમના ગેઇટ પાસેથી ચોરી કર્યાનું કબુલ્યું હતું. આથી તેને અટકાયતમાં લઇ વધુ પુછતાછ કરતાં આ સિવાયના વધુ ત્રણ વાહનો પણ ચોરી કર્યાનું કબુલ્યું હતું. જેમાં અન્ય બે એક્સેસ તેણે જય સરદાર રેસ્ટોરન્ટના પાર્કિંગમાંથી અને કુવાડવા ક્રિષ્ના વોટર પાર્કના ગેઇટ પાસેના પાર્કિંગમાંથી તેમજ એક એક્સેસ કાર્તિક પાર્ટી પ્લોટની પાછળ મહિલા ગાર્ડન પાસેથી ચોરી કર્યાનું કબુલતાં કુલ ૧,૬૩,૦૦૦ના ચાર વાહનો કબ્જે કરી વધુ પુછતાછ યથાવત રખાઇ હતી.
સાજીદ સેતા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તે મોટે ભાગે વાહનની ચોરીઓ જ કરે છે. અગાઉ રાજકોટના માલવીયાનગર પોલીસ સ્ટેશન, પ્ર.નગર, ગાંધીગ્રામ, તાલુકા માં બાર વાહન ચોરીઅ ને એક વખત ઠગાઇના મળી ૧૩ ગુનામાં પકડાઇ ચુક્યો છે. બે વખત પાસાની હવા પણ ખાઇ આવ્યો છે. જે ચાર વાહન ચોરી કબુલી છે તે ચારેય ગુના તાલુકા, કુવાડવા અને બી-ડિવીઝન પોલીસમાં નોંધાયા હતાં.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા અને એસીપી વી. જી. પટેલની સુચના અનુસાર તાલુકા પીઆઇ ડી. એમ. હરિપરા, એએસઆઇ એ. કે. સાંગાણી, હેડકોન્સ. કોૈશેન્દ્રસિંહ ઝાલા, ક્રિપાલસિંહ ઝાલા, આજયભાઇ ભુંડીયા, કોન્સ. કુલદિપસિંહ જાડેજા, જીલુભાઇ ગરચર, સંજયભાઇ માંડાણી, મહાવીરસિંહ જાડેજા, શીવભદ્રસિંહ ગોહિલ, મયુરસિંહ જાડેજા, જુગલભાઇ કથીરીયાની ટીમે આ કામગીરી કરી હતી.
(1:55 PM IST)










