News of Saturday, 8th June 2024
પિતાએ તડકામાં રમવાની ના પાડતા ૧ર વર્ષના ગૌરવનો મગજ તપી ગયોઃ ગળાફાંસો ખાઇ આપઘાત
જામનગર રોડ પરસાણાનગરમાં બનાવઃ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૮: જામનગર રોડ પર પરસાણાનગરમાં પિતાએ તડકામાં રમવાની ના પાડતા ૧ર વર્ષના તરૂણે ઉગ્ર થઇ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.
મળતી વિગત મુજબ પરસાણાનગર શેરી નં. પ માં રહેતા ગૌરવ રવીભાઇ મકવાણા (ઉ.વ. ૧ર) એ પોતાના ઘરે લોખંડના એંગલમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. મપરિવારજનોએ ગૌરવને લટકતી હાલતમાં જોઇ તેને તાકીદે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો ત્યાં તપાસનીસ તબીબે તપાસ કરતા તરૂણનું મૃત્યુ નિપજયું હોવાનું જાહેર કર્યું હતું. બાદ બનાવની જાણ કરતા પ્ર.નગર પોલીસ મથકના પી.એસ.આઇ. કે. એસ. ભગોરા સહિતે હોસ્પિટલે પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક ગૌરવ ધોરણ-૬ માં અભ્યાસ કરતો હતો હાલ શાળામાં વેકેશન હોઇ તેથી મિત્રો સાથે રમવા જતો હોઇ, તેથી ગઇકાલે બપોરે તેના પિતાએ તડકામાં રમવાની ના પાડતા ગૌરવને લાગી આવતા તેણે ઉગ્ર થઇ આ પગલું ભરી લીધું હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યું છે. પુત્રના મૃત્યુથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
(3:52 PM IST)










