<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં મહિલા તબિબ અને મહિલા પ્‍યુન વચ્‍ચે ચડભડઃ પ્‍યુન અને ડોક્‍ટરે સામસામે લાફા માર્યાના આક્ષેપ

રાજકોટઃ સિવિલ હોસ્‍પિટલમાં પટ્ટાવાળા કર્મચારીઓ બપોરે કામથી અલિપ્‍ત થઇ જતાં વહિવટી તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. જાણવા મળ્‍યા મુજબ ઇમર્જન્‍સી વિભાગમાં પ્‍યુન તરીકે ફરજ બજાવતાં રૂકસાનાબેન રાઠોડને એક મહિલા તબિબે સાથે પોતાના સગાને દાખલ કરવા બાબતે ચડભડ થતાં તબિબે લાફો મારી લીધાની વાતે તમામ પ્‍યુન એકઠા થઇ ગયા હતાં અને ડોક્‍ટર સામે પગલા લેવાની માંગણી કરી હતી. રૂકસાનાબેન નામના મહિલા કર્મચારીએ જણાવ્‍યું હતું કે મારા સગા  સગા જ્‍યોત્‍સનાબેન પ્રવિણભાઇ ધામેચા (ઉ.વ.૪૫-રહે. પોપટપરા-૭/૧૦)ને સવારે મોઢામાંથી ફીણ નીકળી જતાં તેઓ સિવિલમાં દાખલ થવા માટે આવતાં ડોક્‍ટરે તપાસીને આમને કંઇ નથી રજા આપી દો તેમ કહેતાં મેં તેને જોતાં તેમની હાલત ખરાબ હોઇ મેં ડોક્‍ટરને જાણ કરવા છતાં યોગ્‍ય જવાબ ન અપાતાં મેં સગાના મોઢામાંથી ફીણ નીકળતાં હોય તેવો ફોટો પાડી લીધો હતો. ફરજ પરના ડોક્‍ટરે આ રીતે ફોટા શું કામ પાડો છો? કહી બોલાચાલી કરી હતી. બાદમાં જ્‍યોત્‍સનાબેનને દાખલ કરી દેવાયા હતાં. જો કે દાખલ કરાયા પછી પણ સારવાર ન અપાતી હોઇ બીજી હોસ્‍પિટલમાં લઇ જવાની અમારા સગાએ તૈયારી કરી હતી અને જ્‍યોત્‍સનાબેનને  ૭માંથી નીચે ઉતારતા હતાં ત્‍યારે મહિલા ડોક્‍ટરે આવી મને લાફો મારી લીધો હતો. આ કારણે અમે તમામ પ્‍યુન એકઠા થઇ આ ઘટનાને વખોડી કાઢી છે અને ડોક્‍ટર માફી નહિ માંગે અને તેને સસ્‍પેન્‍ડ કરવામાં નહિ આવે તો સમગ્ર હોસ્‍પિટલના પ્‍યુન હડતાલ પર ઉતરી જશે તેવું નકકી કર્યુ છે. તેમ રૂકસાનાબેને કહ્યું હતું. બીજી તરફ તબિબો તરફથી પણ એવું કહેવાયું હતું કે આ બનાવમાં મહિલા તબિબે કોઇ ગેરવર્તન કર્યુ નથી. તેણે દર્દીની સારવાર કરી હતી અને દાખલ કર્યા હતાં. આમ છતાં ફોટા પાડવામાં આવ્‍યા હોઇ તેવું કરવાની જરૂર નથી તેમ ડોક્‍ટરે કહેતાં પ્‍યુને બોલાચાલી કરી મહિલા તબિબને લાફો મારી લીધો હતો. જો ખોટી રીતે ડોક્‍ટરને હેરાન કરાશે તો ડોક્‍ટરો પણ હડતાલનું શષા ઉગામશે તેમ જણાવાયું હતું. આ મામલે તબિબ દ્વારા પોલીસને પણ જાણ કરવામાં આવી હોવાનું કહેવાય છે.

(4:05 PM IST)