<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th June 2024

ટીઆરપી ગેમ ઝોનની આગમાં ૨૩ વર્ષનો દિકરો ગુમાવનારા પિતા જસુભા જાડેજાનું વિયોગમાં મોત

નરસંગપરાના વિશ્વરાજસિંહ માટે નોકરીનો પહેલો જ દિવસ જિંદગીનો છેલ્લો દિવસ બની ગયો હતો :યુવાન દિકરાના મૃત્‍યુ બાદ પિતા સતત દિકરાનું રટણ કરતાં હતાં: રાતે તબિયત બગડતાં હોસ્‍પિટલમાં ખસેડાયા પણ દમ તોડી દીધોઃ પખવાડીયામાં પરિવાર પર થયા બબ્‍બે વજ્રઘાત

રાજકોટ તા. ૮: શહેરના નાના મવા રોડ મોકાજી સર્કલ પાસે આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ગત ૨૫મી મેના રોજ ભભૂકેલી આગ ૨૭ નિર્દોષ લોકોનો ભોગ લઇ ચુકી છે. આ અગ્નિકાંડમાં અનેક પરિવારે લાડકવાયા, કંધોતર, આધારસ્‍તંભને ગુમાવી દીધા છે. આ આગમાં જુની કલેકટર કચેરી પાછળ નરસંગપરામાં રહેતાં ૨૩ વર્ષના યુવાન વિશ્વરાજસિંહ જસુભા જાડેજાનું પણ મૃત્‍યુ થયું હતું. કરૂણતા એ હતી કે વિશ્વરાજસિંહનો ગેમ ઝોનમાં નોકરીનો પહેલો જ દિવસ હતો અને એ જ દિવસે આગ ભભૂકતાં તેની જિંદગીનો આ છેલ્લો દિવસ બની ગયો હતો. આ યુવાન દિકરાને ગુમાવનારા વૃધ્‍ધ પિતા જસુભા હેમુભા જાડેજા (ઉ.વ.૬૫) સતત આ ઘટના બાદ આઘાતમાં રહી સદ્દગત દિકરાનું નામ લેતાં રહેતાં હતાં. આ કારણે તેમની તબિયત બગડતાં હવે તેમણે પણ દમ તોડી દેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે.

જાણવા મળ્‍યા મુજબ નરસંગપરામાં રહેતાં જસુભા હેમુભા જાડેજાની ગઇકાલે તબિયત બડતાં રાતે સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ વહેલી સવારે તેમણે દમ તોડી દેતાં પરિવારજનો શોકમાં ગરક થઇ ગયા હતાં. નિવૃત જીવન જીવતાં જસુભા જાડેજાને સંતાનમાં પાંચ દિકરા હતાં. ગત ૨૫મી મેના રોજ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગ ભભૂકી તેમાં તેનો ૨૩ વર્ષનો દિકરો વિશ્વરાજસિંહ પણ લાપતા થઇ ગયો હતો. ઘટનાના છ દિવસ બાદ ૨૭મીએ ડીએનએ પરિક્ષણને આધારે તેના દિકરા વિશ્વરાજસિંહનું આગમાં મૃત્‍યુ થયાનું જાહેર થતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. કરૂણતા એ હતી કે અગ્નિકાંડમાં ભોગ બનેલા ૨૩ વર્ષના વિશ્વરાજસિંહનો જ્‍યારે આગ ભભૂકી એ દિવસે નોકરીનો પહેલો જ દિવસ હતો.

યુવાન અને આશાસ્‍પદ દિકરાના મૃત્‍યુથી જાડેજા પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. વિશ્વજીતસિંહ જાડેજા ટીઆરપી ગેમ ઝોનમાં નોકરીમાં જોડાયા એ દિવસે જ આગની ગોઝારી દૂર્ઘટનાનો ભોગ બની ગયેલ. અગાઉ રેડીમેઇડ કપડાની દૂકાન ચલાવતાં હતાં. આ દૂકાન બંધ કર્યા બાદ તે બીજા કામ-નોકરીની શોધમાં હતાં. એ દરમિયાન પરિચીત મારફત તેમને ટીઆરપી ગેમ ઝોનમાં દેખરેખ રાખવાની નોકરી મળી હતી. દિકરાના મૃત્‍યુ બાદ પિતા જસુભા જાડેજા સતત શોકમાં રહેતાં હતાં. દિકરાનું નામ લઇને રડયા કરતાં હતાં. તેમને કિડનીની બિમારી પણ હોઇ સતત ચિંતા કરવાને કારણે અને દિકરાના વિયોગને કારણે આ બિમારી પણ વકરી હતી. ગઇકાલે તબિયત બગડી હતી અને આજે વહેલી સવારે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. જાડેજા પરિવારે પખવાડીયામાં જ યુવાન દિકરા પછી ઘરના મોભીને ગુમાવી દેતાં ગમીગીની વ્‍યાપી ગઇ હતી. જસુભાને સંતાનમાં પાંચ દિકરા છે. જેમાં એક દિકરાનો ગેમ ઝોનના અગ્નિકાંડામાં ભોગ લેવાયો હતો.

( IST)