<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th June 2024

બે દિ' બાદ સીલ લાગશે જ : મનપાનો હઠાગ્રહ

તંત્ર માનવતા વિહોણુ ! : વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા હાઉસીંગ બોર્ડની જવાબદારી : ચોમાસા પૂર્વે જ તંત્રની અવળચંડાઇ

રાજકોટ તા. ૮ : શહેરના દુધસાગર રોડ સ્‍થિત હાઉસીંગ બોર્ડ કવાર્ટરના રહેવાસીઓના લાઇટ - પાણીના કનેકશન કાપ્‍યા બાદ મનપા દ્વારા નોટીસ આપી બે દિવસમાં જગ્‍યા ખાલી કરવા જણાવાયું છે.

રહેવાસીઓ દ્વારા નોટીસથી તંત્ર માનવતા વિહોણુ બન્‍યાની છાપ ઉપસી છે. ચોમાસા પૂર્વે જ લોકોને નિરાધાર કરવાની ચેષ્‍ટાથી ભારે ઉહાપોહ મચી જવા પામ્‍યો છે. ત્‍યારે હાઉસીંગ બોર્ડના રહેવાસીઓને વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા માટે પણ મનપા તંત્ર દ્વારા હાથ ઉંચા કરી દેવાતા રોષ વ્‍યાપક બન્‍યા છે.

મનપા દ્વારા અપાયેલ નોટીસમાં બે દિવસ બાદ સીલીંગની કાર્યવાહી કરવાનું જણાવાયું છે. સાથે જ હાલ ડીમોલેશન નહીં કરાયનું પણ જણાવ્‍યું છે. જો કે આ તમામ વચ્‍ચે રહેવાસીઓ બે દિ'માં પરિવાર - સામાનની વ્‍યવસ્‍થા કેમ કરે તે પણ યક્ષ પ્રશ્ન મનપા તંત્રના બહેરા કાને સંભળાતો નથી.

આ અંગે મનપાએ જણાવેલ કે, અમે ૨૬૪-૨૬૨ મુજબ નોટીસ આપી છે. જે માત્ર ખાલી કરાવવા માટે છે. જીપીએમસીમાં વૈકલ્‍પિક જગ્‍યાનો કોઇ ઉલ્લેખ નથી. આ અંગે હાઉસીંગ બોર્ડ દ્વારા નિર્ણય થઇ શકે છે. હાલ સીલીંગની જ અમને સત્તા છે. ડીમોલેશનની નહીં. વૈકલ્‍પિક જગ્‍યાની પણ કોઇ જોગવાઇ ન હોવાનું મનપાએ ઉમેર્યું હતું.

તમામ મુદ્દાઓ વચ્‍ચે માનવતા મરી પરવારતી નજરે પડે છે ત્‍યારે તેને જીવંત રાખવા મનપા - હાઉસીંગ બોર્ડ દ્વારા શહેરના ખાલી કવાર્ટરો છે તેમાં રહેવાસીઓની બંને તંત્ર વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા કરે તેવી પણ લોકલાગણી ઉઠી રહી છે.

( IST)